કેતનની આ વાત સાંભળીને જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા એકબીજાની સામે જોઇ રહ્યા. એમના તો માન્યામાં જ નહોતું આવતું કે જીવનમાં અચાનક આટલું મોટું પરિવર્તન આવશે !!
એક લાખ એ બહુ મોટી રકમ હતી. ખરેખર તો જયેશને મહિને એવરેજ પચાસ હજાર જેટલી આવક થતી હતી. એમાંથી પંદર હજાર તો માલવિયાને એ પગાર આપતો. જામનગર જેવા શહેરમાં બહુ મોટા ખર્ચા નહોતા એટલે પાંત્રીસ હજારમાં તો આખું ઘર ચાલી જતું. જ્યારે કેતન શેઠ એક લાખ પગારની વાત કરતા હતા. એના માટે ખરેખર આ અધધધ રકમ હતી !!
” હું મજાક નથી કરતો જયેશભાઈ. હું એકદમ સિરિયસ છું. મને તમારા જેવા ખાનદાન અને પ્રમાણિક માણસોની જરૂર છે. નવી ઓફીસ ના બને ત્યાં સુધી તમારી ઓફિસમાં રહીને તમે આપણું કામ શરૂ કરી દો.” કેતને જયેશની સામે જોઈને કહ્યું.
” અને તમે મનસુખભાઈ… મારુતિના કોઈ શો રૂમ માં જઈ ને મારા માટે સિયાઝ ગાડી છોડાવી લો. હું તમને સહી કરેલો બ્લેન્ક ચેક આપી દઉં છું. ડોક્યુમેન્ટમાં જ્યાં જ્યાં મારી સહી ની જરૂર હોય ત્યાં ત્યાં મારી પાસે કરાવી લેજો. આરટીઓ પાસીંગ પણ તમારે કરાવી લેવાનું. “
” અને હા તમારા માટે એક નવી બાઇક પણ છોડાવી લો… નાના મોટા કામ માટે દોડવાનું હોય તો તમને વધારે અનુકૂળ રહેશે. પાર્કિંગના પણ પ્રોબ્લેમ નહીં. તમે નક્કી કરી આવો એટલે હું તમને બાઈક માટે પણ ચેક આપી દઈશ. ” કેતને માલવિયા સામે જોઈને કહ્યું.
” જી સાહેબ ” મનસુખ બોલ્યો.
ખરેખર તો કેતન બી.એમ.ડબલ્યુ, ઓડી કે લેન્ડ રોવર પણ ખરીદી શકે તેમ હતો છતાં અત્યારે અહીં એ વૈભવનું પ્રદર્શન કરવા નહોતો આવ્યો. અને સ્વામીજીએ પણ આદેશ આપ્યો હતો કે જરૂર પૂરતી જ સગવડો ભોગવવી. એટલે સિયાઝ ઉપર એણે પસંદગી ઉતારી.
” ઠીક છે શેઠ હું રજા લઉં. આવતીકાલથી તમારા કામ ઉપર ધ્યાન આપું છું. તમે જ્યારે કહેશો ત્યારે દેવશીભાઈ બિલ્ડર સાથે પણ મીટીંગ કરાવી દઈશ ” જયેશ બોલ્યો.
” હા અત્યારે આપણી ઓફિસ સૌથી પહેલી પ્રાયોરિટી છે. એટલે એના ઉપર અત્યારે વધુ ધ્યાન આપો. “
“ભલે સાહેબ. ગાડી હમણાં તમારી પાસે ભલે રહેતી. હું રિક્ષામાં જતો રહું છું. “
” ના ના … રિક્ષામાં શું કામ ? મનસુખભાઈ તમને મૂકી જશે !! “
અને બંને જણા બહાર નીકળ્યા. રસ્તામાં જયેશભાઈથી બોલાઈ ગયું.
” ખરેખર મરદ માણસ છે. તમારી વાત એકદમ સાચી છે. સરકારી અધિકારી તો નથી…પણ લાગે છે બહુ મોટી પાર્ટી ! આવા શેઠની સાથે કામ કરવાની ખરેખર મજા આવશે. કાલથી મારો ધંધો બંધ અને સાહેબની નોકરી ચાલુ !! ” જયેશ ઝવેરીએ હસતાં હસતાં કહ્યું.
” હા શેઠ આપણી તો જિંદગી જ બદલાઈ ગઈ. તમને ઉતારીને મારે હવે ઘરે જવું પડશે. કારણકે દક્ષાબેન અને ચંપાબેન નું સાહેબના બંગલે કાલથી સેટિંગ કરી આપવાની જવાબદારી મારી છે. “મનસુખ બોલ્યો.
જયેશભાઇને ઉતારીને મનસુખ માલવિયા પોતાના ઘરે પહોંચી ગયો.
” લતા લતા… દ્વારકાધીશે તો આપણી જિંદગી જ બદલી નાખી છે. તને શું વાત કરું ? મને તો હજુ પણ માન્યામાં નથી આવતું ” મનસુખે લતાના બંને ખભા પકડીને કહ્યું.
” અરે આમ ઘેલાં કાઢ્યા વગર થયું શું એ તો કહો !!” લતાને કંઈ સમજાતું ન હતું.
” કેતનભાઇ સાહેબે જયેશભાઈ નો ધંધો જ બંધ કરાવી દીધો અને મહિને એક લાખ રૂપિયાના પગારે પોતાના મેનેજર બનાવી દીધા. અને હું કેતન શેઠની નવી ગાડીનો ડ્રાઈવર બની ગયો !! મને સાહેબ નવી નક્કોર બાઈક અપાવે છે એ પણ હું જે પસંદ કરું તે !! “
” પણ તો ડ્રાઇવર તરીકે તમારો પગાર નક્કી નોં કર્યો ? “
” તું તો સાવ ગાંડી જ છે . શેઠનું દિલ ઉદાર છે. મારે એમને કંઈ પૂછવાની જરૂર જ નથી. જે માણસ પિંચોતેર હજારની બાઈક આપે છે એને પગારનું થોડું પૂછાય ? “
” અને તું એક કામ કર … તાત્કાલિક ગાડીમાં બેસી જા આપણે દક્ષાબેન અને ચંપાબેન….. બંનેના ઘરે જઈને મળી આવીએ. ” મનસુખે કહ્યું.
” ચંપાબેન તો ઘરકામ કરવા કાલે સવારે જ પહોંચી જશે તમારા ઈ શેઠના ત્યાં. મે ઈમને ચિઠ્ઠીમાં એડ્રેસ લખી આપ્યું છે. દક્ષાબેન ને વાત તો કરી છે પણ છતાં આપણે ઈમના ઘરે જઈને મળવું પડશે. ” લતા બોલી.
” ચાલો તો દક્ષાબેનને જ મળી લઈએ. “
“હા પણ ઈમના ત્યાં ગાડી લઈને જવાની જરૂર નથી. ઈ આપણી શેરીમાં તો રહે છે. હાલતા જવાય. ” લતાએ કહ્યું.
અને ચાલતાં ચાલતાં બંને જણાં પંદર મિનિટમાં દક્ષાબેન ના ઘરે પહોંચી ગયાં. દક્ષાબેન ઓસરીમાં બેસી ને શાક સમારતાં હતાં.
” દક્ષાબેન આમ તો લતાએ તમને વાત કરેલી જ છે. છતાં અમારા શેઠ એટલા મોટા માણસ છે કે મારે જાતે આવવું પડ્યું. મેં એમને વચન આપ્યું છે કે કાલ સવારથી દક્ષાબેન તમારા ત્યાં રસોઇ કરવા આવી જશે. “
” અને દક્ષાબેન તમે પૈસાની ચિંતા નહીં કરો. તમે જેટલા માગો એનાથી પણ વધારે તમને મળશે. બહુ જ દિલાવર માણસ છે. એકલા જ છે. ખાવાપીવાના બહુ શોખીન છે એટલે મેં તમારી પસંદગી કરી છે. તમારી રસોઈ આખા એરિયામાં વખણાય છે. તમારું જે પણ એક બે ઘરમાં રસોઈનું કામ ચાલતું હોય એમને ના પાડી દો બેન. મારી ઈજ્જતનો સવાલ છે “
છેવટે દક્ષાબેન માની ગયાં. મનસુખે ચિઠ્ઠીમાં કેતનભાઇના બંગલાનું સરનામું લખી આપ્યું. બાજુની શેરીમાં જ હતું.
” અને હા તમે મને કાગળમાં દાળ, ચોખા, લોટ, મસાલા, રાઈ, મેથી, જીરું, હિંગ, ઘી, તેલ, ગોળ વગેરે… તમામ કરિયાણા નું લીસ્ટ લખીને આપી દો તો હું અત્યારે જ ખરીદીને શેઠ ના ઘરે મૂકી આવું. કારણ કે કેતન શેઠના ત્યાં કોઈ જ કરિયાણું નથી. શાકભાજી તો રોજ તમારે જ લઈ જવી પડશે. “
દક્ષાબેને રસોઈ માટે જરૂરી તમામ કરિયાણાનું લીસ્ટ એક કાગળમાં લખીને મનસુખભાઈને આપી દીધું.
ઘરે પહોંચીને મનસુખ માલવિયા ગાડી લઈને એક જાણીતા કરિયાણાની દુકાને ગયો અને તમામ વસ્તુઓ પેક કરાવી.
એક નોવેલ્ટી સ્ટોરમાંથી પ્લાસ્ટિકની પાંચ લિટર થી માંડીને એક લીટર સુધીની નાની-મોટી બરણીઓ પણ લીધી જેથી આ બધો સામાન એમાં ગોઠવી શકાય. હિસાબ કરીને તમામ સામાન કેતન ના ઘરે લઈ આવ્યો અને કિચનમાં જઈને બધું ગોઠવી દીધું.
” વાહ મનસુખભાઈ…… થેંક્યુ વેરી મચ. કાલથી રસોઈવાળા બેન આવી જવાના હોય અને ઘરમાં કરિયાણા નું ઠેકાણું પણ નથી એ વિચાર તો મને આવ્યો જ ન હતો. અને તમે પ્લાસ્ટિકની બરણીઓ પણ લઈ આવ્યા. મેં તમારી પસંદગી અમસ્તી નથી કરી. !! અને હા ટોટલ કેટલા પૈસા થયા એનો હિસાબ આપો એટલે હું તમને આપી દઉં. ” કેતને કહ્યું.
” મારે કાંઈ લેવું નથી સાહેબ. આ પણ મારું જ ઘર છે ને !! અને તમે દસ હજાર પણ મને આપેલા જ છે ને ? ” મનસુખે કહ્યું પણ કેતન કોઈનું પણ અહેસાન લેવા માંગતો ન હતો. એણે બિલ જોઈ લીધું અને પાંચ હજાર રૂપિયા મનસુખને આપી દીધા.
રાતના આઠ વાગી ગયા હતા. આજે ગરમ જમવાનો કેતનનો મૂડ હતો.
” ચાલો આપણે હવે જમવા નીકળીએ. આજે તો કઢી ખીચડી જેવું કંઈક લાઈટ ખાવાની ઈચ્છા છે ” કેતને મકાનને લોક કરતાં કહ્યું.
” તમે જો ચાલી શકતા હો તો બાજુની ત્રણ નંબરની શેરીમાં જ અક્ષર ભોજનમ માં ચાલતા જઈએ. સ્વામિનારાયણ ની ખીચડી પણ ત્યાં સારી મળે છે. “
” અરે ભાઈ જવાન છું. ચાલવાની તો મને ઘણી પ્રેક્ટિસ છે. ચાલો ત્યાં જ જઈએ. ” અને બંને જણા અક્ષર ભોજનમ ડાઇનિંગ હોલમાં જમવા ગયા.
” મારો કોઈ પરિચય તમે ત્યાં ના આપતા. આપણે બીજા બધા ગ્રાહકોની જેમ જ જમવાનું છે. પૈસા પણ ચૂકવીશું જ.” કેતન બોલ્યો.
‘જમવાનું ખરેખર બહુ જ સરસ હતું. એક વાર કાઠીયાવાડી ભોજન જમવા માટે પણ અહીં આવવું પડશે.’ — જમ્યા પછી કેતને વિચાર્યું.
બીજા દિવસ સવારથી ચંપાબેન અને દક્ષાબેન હાજર થઇ ગયાં હતાં. મનસુખ ના કામથી કેતનને સંતોષ થયો. એની પસંદગી ખરેખર સરસ હતી.
મનસુખ સવારે દસ વાગે આવી ગયો હતો અને બે કલાક સુધી જામનગરના બીજા એરિયા પણ કેતન ને બતાવી દીધા હતા. જમવાનો ટાઈમ થયો એટલે લગભગ સાડા બાર વાગે કેતન શેઠને બંગલે ઉતારીને મનસુખ જમવા માટે ઘરે ગયો હતો.
દક્ષાબેને આજે સવારે ગવાર નાખીને દાળ ઢોકળી બનાવી હતી. સાથે થોડીક લાપસી પણ બનાવી હતી.
” સાહેબ તમારા નવા ઘરમાં તમે પહેલીવાર જમી રહ્યા છો એટલે ચાખવા પૂર્તિ લાપસી બનાવી છે. બાકીની ગવાર ઢોકળી !! તમને જે ભાવતું હોય એ મને આગલા દિવસે કહી દેવું. એટલે મને રસોઈની ખબર પડે. ” દક્ષાબેને જમવાનું પીરસતાં કહ્યું.
” મનસુખભાઈએ તમારી ખૂબ જ પ્રશંસા કરી છે એટલે તમે જે પણ બનાવશો એ બધું જ મને ભાવશે. છતાં પણ ક્યારેક કાંઈક ખાવાની ઈચ્છા થશે તો હું સામેથી કહીશ. ” કેતને જવાબ આપ્યો.
કેતને દક્ષાબેન અને ચંપાબેનને સવારે જ આખા મહિના નું એડવાન્સ પેમેન્ટ કરી દીધું હતું. કેતને જે રકમ આપી એ તેમની માગણી કરતાં ડબલ રકમ હતી. બંને ખૂબ ખુશ હતાં.
બપોરે એક વાગ્યે ફરી ચંપાબેન પણ વાસણ માંજવા આવી ગયાં હતાં. એ લોકો નીકળી ગયા પછી લગભગ બે વાગે કેતન બેડરૂમમાં જઈને આરામ કરવા માટે આડો પડ્યો.
આંખ મળવાની તૈયાર હતી ત્યાં જ આજુબાજુના કોઈ મકાનમાંથી ચીસાચીસ સંભળાઈ. કોઈ રડી પણ રહ્યું હતું અને મોટે મોટેથી બૂમ પાડી રહ્યું હતું.
કેતન ઊભો થઈને બહાર નીકળ્યો. એના મકાનથી ત્રીજા નંબરના મકાનમાં લોકો દોડી-દોડીને ભેગા થઈ રહ્યા હતા. કેતન પણ ઝડપથી ત્યાં પહોંચી ગયો.
એ મકાનમાં રહેતા એક મિસ્ત્રી પરિવારની છવ્વીસ વર્ષની દીકરીએ પંખે લટકીને ગળાફાંસો ખાધો હતો. જો કે કોઈક કામથી એની મમ્મી અચાનક એના રૂમમાં જતાં આ દ્રશ્ય જોઇ ગઇ હતી એટલે ચીસાચીસ કરી મૂકી હતી. સમયસર બધાએ ભેગા થઈને એને નીચે ઉતારી એટલે એ બચી ગઇ હતી.
બધાએ એને બેડ ઉપર સુવાડી અને પંખો ચાલુ કર્યો. કોઈએ એને પાણી પાયું.
” અત્યારે એ આઘાતમાં છે. થોડી વાર એને આરામ કરવા દો. અત્યારે કંઈ પણ એને પૂછશો નહીં. જે પણ વાત કરવી હોય તે હવે સાંજે કરજો. હમણાં એને એકલી ના મૂકશો. હજુ એ ઈમોશનલ અવસ્થામાં છે. ” કેતન બોલ્યો.
કોઈએ પોલીસમાં જાણ કરવાની વાત કરી તો કેતને ના પાડી.
” એને કંઈ થયું નથી એટલે પોલીસને જાણ કરવાની પણ જરૂર નથી. કોઈ પ્રોબ્લેમ થાય તો મને જાણ કરી દેજો. હું ત્રીજા મકાનમાં જ રહું છું ” કેતને કહ્યું અને બહાર નીકળી ગયો.
આ નવા પાડોશીને બધા જોઈ જ રહ્યા. એની પર્સનાલીટી અને વાતચીત બધાને આકર્ષી ગઈ.
કેતન ઘરે આવીને ફરી બેડરૂમમાં સુઈ ગયો. એ.સી. ચાલુ જ હતું એટલે બેડરૂમ ચિલ્ડ હતો.
‘ છવ્વીસ વર્ષની ઉંમરે આ છોકરીને આત્મહત્યા કરવી પડે એટલે કંઈક તો ગંભીર કારણ હશે જ. મારે સાંજે જઈને પૂરી તપાસ કરવી પડશે. ‘ – કેતન વિચારી રહ્યો.
ક્રમશઃ
લેખક : અશ્વિન રાવલ