સુરત:શુક્રવાર: દિલ્હીમાં નિર્માણ થનાર ભારત માતાની મૂર્તિના નિર્માણ માટે ઓલપાડ તાલુકાની માટી અને પાણી એકત્ર કરીને ઓલપાડવાસીઓએ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલને અર્પણ કરી હતી. મંત્રીએ આ વેળાએ કુદરતી આપત્તિમાં મુત્યુ પામેલી દુધાળી ભેંસોના પાંચ પશુપાલકોને રૂ.2.26 લાખની સહાયના ચેકોનું વિતરણ પણ કર્યું હતું.
ઓલપાડની શ્રી પી.કે.દેસાઇ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી લોખંડ એકત્ર કરી નર્મદાના એકતાનગર (કેવડિયા) ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરાયું છે, એવી જ રીતે સમગ્ર દેશમાંથી પાણી અને માટી એકત્ર કરી દિલ્હી ખાતે ભારત માતાની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સુરતનું ઓલપાડ પણ યોગદાન આપી રહ્યું છે, જે આપણા માટે ગૌરવની ક્ષણ છે એમ ઉમેર્યું હતું.
તેમણે ઓલપાડ કોલેજના ઉત્તમ શિક્ષણની સરાહના કરતા કહ્યું કે, 30 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ કોલેજમાં પ્રવેશ માટે વેઇટીંગ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં હજુ પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરીને ઉચ્ચ અધિકારીઓ બની દેશસેવા કરે એવી ભાવના મુકેશ પટેલે વ્યક્ત કરી હતી.
દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપનાર યુવાનોની પ્રતિભા નિખારવા માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. યુવાનો ખેલકુદ ક્ષેત્રમાં આગેકુચ કરે એ માટે દર વર્ષે ખેલમહાકુંભ યોજવામાં આવે છે એમ જણાવી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પટેલે અનુરોધ કર્યો હતો. આ વેળાએ મંત્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશ પટેલ, અગ્રણી ભરતભાઇ, શ્રી પી.કે.દેસાઇ કેળવણી મંડળના પ્રમુખ બળવંતભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઇ ચાવડા, નાયબ મામલતદાર ભાવેશભાઇ ઇટાલીયા, આચાર્ય ઈશ્વરભાઇ પટેલ, એનસીસી ઓફિસર ઓ જે.એમ.રાણા, ડો.રીટાબેન પટેલ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, નહેરૂ યુવા કેન્દ્રના સદસ્યો તેમજ યુવામિત્રો ઉપસ્થિત રહ્યા હતા.