કોંગ્રેસના કહેવાતા યુવરાજ રાહુલ ગાંધીને લાંબી દલીલો બાદ આખરે સુરતની કોર્ટે માનહાનિના એક કેસમાં દોષી જાહેર કરીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાહુલ ગાંધીને જોકે, જામીન પણ આપી દેવાયા છે. લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે. મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી કે જેઓ સમાજના આગેવાન પણ છે તેઓએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના આ કેસમાં આજે સુરતની કોર્ટે ચુકાદો આપીને રાહુલ ગાંધીને IPC 499 અને 500 મુજબ દોષિત જાહેર કર્યા ને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને તેમને જામીન પણ મળી ગયા છે. તેમના વકીલે કહ્યું હતુ કે, કોઈને હાનિ કે ઈજા પહોંચી નથી એટલે દયા અરજી અમે નહીં કરીએ. યુકાદાને અમે હાઈકોર્ટમાં પડકારીશું.
કોણે શું પ્રતિક્રિયા આપી? ફરીયાદી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અંગે અમે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટે અમારી ફરિયાદ ગ્રાહ્ય રાખી હતી અને આજે કોર્ટે જે ચુકાદો આપ્યો છે. તેને હું આવકારું છું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલે કહ્યું હતુ કે, ચુકાદો શીખ સમાન છે. અગર તેનાથી રાહુલમાં સુધારો આવે તો સારી વાત છે. તેમના નિવેદનોથી દેશને પણ નુકશાન થાય છે અને દેશનું અપમાન થાય છે જેનું તેમને ભુગતાન કરવું પડ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું કે, રાહુલગાંધી કંઈ પણ બોલે છે તેનાથી નુકશાન જ થાય છે. તેનાથી તેમની પાર્ટી સહિત દેશને પણ નુકશાન થઈ રહ્યું છે. તેઓ સાચવીને બોલવું જોઈએ. સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષે કહ્યું કે, સુરતની ભૂમિ પર થયેલા કેસમાં પુરી ઓબીસી સમાજ વિરુદ્ધ બોલવા પર તેમને સજા મળી છે. સાંસદમાં તેમની ગેરહાજરીમાં માંગ થાય છે કે, રાહુલને બોલવા દેવાય જો તેઓને બોલવા દેવાશે તો કંઈ પણ બોલે. તેઓ જે બોલે છે તે ખોટું બોલે છે તે આજે કોર્ટના ચુકાદા સાથે સિદ્ધ થઈ ગયું છે.
આ એ વીડીયો છે જેમાં રાહુલ ગાંધીએ નિરવ મોદી સહિતના લોકોના નામનો ઉલ્લેખ કરીને ચોર કહ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે , ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવતો રહીશ
બચાવ પક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ કહ્યું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જો કે અમને પૂર્ણ ભરોસો છે કે, હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે. રાહુલગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મારો ઈરાદો ખોટો ન હતો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો રહીશ. મારા નિવેદનથી કોઈને પણ નુકશાન થયું નથી.
એરપોર્ટથી કોર્ટ પરિસર સુધી સમર્થકો ઉમટ્યા– રાહુલ તુમ સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હે
રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો રસ્તાની બંને તરફ ગોઠવાય ગયા હતા. સુરત એરપોર્ટથી કોર્ટ પરિસર સુધી વચ્ચે વચ્ચે સમર્થકોએ રાહુલગાંધીનો જયકારો બોલાવ્યો હતો. રાહુલ પણ કાર ધીમી કરાવીને અભિવાન જીલતા નજરે પડ્યા હતા. ચુકાદા બાદ સમર્થકોએ નારા લગાવ્યા કે રાહુલ તુમ સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હે. કેટલાક કાર્યકરોએ ભાજપ પ્રેરિત ચુકાદો ગણાવવાની પણ હિંમત કરી દીધી હતી.