સુરત એરપોર્ટ પર લૂંટ? એર ઈન્ડિયા એક્સપ્રેસ ઓફ લાઈન લગેજ બુકિંગમાં ત્રણ ગણો ચાર્જ ઠોકે છે!!

સુરત: સુરતમાં વિમાની કંપનીઓ ભાડાંમાં તો લૂંટ ચલાવી જ રહી છે પરંતુ યાત્રીઓને નક્કી વજન કરતા વધુ વજન લઈ જવાના નામે પણ ઉઘાડી લૂંટ ચલાવી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, બોર્ડિંગના સમયે મજબુરીવશ સંખ્યાબંધ યાત્રીઓ આ લૂંટનો ભોગ બની રહ્યાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ઓનલાઈન અગર આપ આટલા જ એકસ્ટ્રા વજનનું બુકિંગ કરાવો તો ત્રણ ગણી ઓછી રકમમાં તે સામાન બુક થઈ જાય છે પરંતુ એટલું વજન અગર તમે સાથે લઈને સુરત એરપોર્ટ પર બુકિંગ કરાવો તો ત્રણ ગણાંથી પણ વધુ રકમ ભરવી પડે છે અને તે ભરાવવા માટે સ્થાનિક અધિકારીઓ રીતસર તોછડું વર્તન સાથે મનમાની ચલાવે છે. શારજહાં જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં આવી જ એક ઉઘાડી લૂંટનો કિસ્સો સામે આવ્યો છે.

સુરતના યાત્રીએ કરી ફરીયાદ:

રવિવાર મીડ નાઈટ એટલે કે 10 એપ્રિલ 2023ના રોજ સુરતથી શારજહાં જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ (આઈએક્સ -બોઈંગ-738)માં બિઝનેસ મીટ માટે જઈ રહેલા સુરત, રાંદેર-ગોરાટ રોડના બિઝનેસમેન આમીર હારુન મુસા નવીવાલાને વધારાના 10 કિલોગ્રામ વજન માટે રૂ. 9450 સ્થળ પર જ ચુકવવા પડ્યા. તેમની ટિકિટ સાથે 7 કિલો વજન કેબિનમાં અને 20 કિલો વજન લગેજમાં લઈ જવા માટેની અનુમતિ હતી. પરંતુ તેમના રિલેટિવ માટે તેઓએ રમઝાન માસ માટેની કેટલીક વસ્તુઓ સાથે લીધી હોવાથી વજનમાં અંતર આવ્યું. આમીર નવીવાળાએ પહેલા વધારાના વજન માટે ઓનલાઈન લગેજ બુકિંગ કરવાની કોશિસ કરી પરંતુ 24 કલાક પહેલાં જ આ બુકિંગ લેવાનું એર ઈન્ડિયા એક્સપ્રેસની વેબસાઈટે બંધ કરી દીધું હતું. (આમીરભાઈનો આરોપ છે કે, યાત્રીઓને લૂંટવા જાણી જોઈને ઓનલાઈન બંધ કરી દેવાય છે) આમીર નવીવાળાએ બુકિંગ સમયના અમને શેર કરેલા સ્ક્રીન શોર્ટ મુજબ ઓનલાઈન વધારાના 10 કિલોગ્રામ લગેજ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ માત્ર રૂ. 2700 જ ચાર્જ દેખાડી રહી હતી અને તે મુજબ જ તે પેમેન્ટ લે છે પરંતુ સુરત એરપોર્ટ પર હાજર એર ઈન્ડિયા એક્સપ્રેસના મેનેજર ધર્મેશ પટેલ દ્વારા એજ 10 કિલો વજન માટે રૂ. 9450 માંગ્યા. આમીર નવીવાળાનું કહેવું છે કે, મેં તેને ભાવમાં અંતર અંગે ખુલાસો માંગ્યો તો ધર્મેશ પટેલે મારી સાથે તોછડાઈપૂર્વકનું વર્ણન કર્યું અને આટલા રૂપિયા ભરશો તો જ સામાન જશે નહીંતર તમે વધારાનું વજન કાઢી નાંખો. ભારે રકઝક બાદ આખરે મારે આ ત્રણ ગણાંથી વધુની રકમ ભરવી જ પડી, આ રીતે તો સંખ્યાબંધ યાત્રીઓ રોજ લૂંટાતા હશે. જો તમે ઓનલાઈન એકસ્ટ્રા લગેજ બુકિંગના રૂ. 2700 લઈ શકતા હોવ તો રૂબરુમાં લગેજ બુક કરાવવાના કેમ ત્રણ ગણાંથી વધુ રૂપિયા લો છો? તેવો સવાલ આમીર નવીવાળાએ કર્યો. આવી લૂંટ સામે સરકારે અને એવિયેશન ડિપાર્ટમેન્ટે વિમાની સેવા પુરી પાડતી કંપનીઓ સામે કડક પગલાં લેવા જોઈએ એવું આમીર નવીવાળાએ કહ્યું.

એર ઈન્ડિયા એક્સપ્રેસના ઓનલાઈન લગેજ બુકિંગમાં 10 કિલો એક્સેસ લગેજ અંગેનો ચાર્જ રૂ. 2700 દેખાડાય રહ્યો છે. જોકે, 24 કલાક પૂર્વે જ આેનલાઈન લગેજ બુકિંગ લેતું ન હોવાથી યાત્રીઓએ નાછૂટકે સુરત એરપોર્ટ પર ત્રણ ગણાંથી વધુ રકમ ભરવી પડે છે.
  • ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરીયાદ કરાશે
  • આમીર નવીવાળાએ કહ્યું, કે હું આ ઘટનાને કારણે ખૂબ જ દુ:ખી થયો છું. વર્ષોથી હું ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરું છું પરંતુ મારી સાથે ક્યારેય પણ આવો વ્યવહાર કોઈએ કર્યો નથી. હું એર ઈન્ડિયા એક્સપ્રેસની આ રીતની લૂંટ સામે લડત ચલાવીશ અને ગ્રાહક સુરક્ષા કોર્ટ (કન્ઝ્યુમર કોર્ટ)માં કેસ દાખલ કરીશ. તે માટે મેં મારા વકીલનો સંપર્ક કર્યો છે અને તેમના માધ્યમથી નોટીસ મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ નોટીસ મંગળવાર સુધી એર ઈન્ડિયા એક્સપ્રેસને મારા વકીલ હસ્તક પહોંચી જશે. બુધ-ગુરુવારે હું મારી દુબઈની બિઝનેસ મીટ પુરી કરીને શારજહાંથી સુરત આવીશ ત્યારબાદ મારા થકી મોકલવામાં આવેલી નોટીસ પર એર ઈન્ડિયા એક્સપ્રેસના વલણ બાદ હું કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરીશ.
  • કુરિયરથી મોકલવા પર પણ સામાન સસ્તામાં પહોંચી જાય છે
  • કુરિયર કંપની પાસેથી મળતી માહિતી મુજબ અગર 10 કિલો સામાન તમે વિમાનની કુરિયર સર્વિસ થકી મોકલો તો પણ તેની રકમ 2200 જેટલી થાય છે. કુરિયર કંપની એર ક્રાફ્ટ થકી સામાન મોકલવા માટે પ્રત્યેક કિલોના રૂ. 220 લે છે અને તમારો સામાન એક સપ્તાહની અંદર તમારે અન્ય દેશમાં પહોંચાડી દે છે.

Leave a Reply

Translate »