10 વર્ષની દિકરી ઝારા અને 12 વર્ષીય પુત્ર ઉંમરને પીઠબળ પુરું પાડવા માતા આયેશા ફારુક પટેલ 5410 મીટરની ઊંચાઈ પર પહોંચી રાષ્ટ્રધ્વંજ લહેરાવ્યો
સુરત: સુરતમાં પણ સાહસિકો ઊભા થઈ રહ્યાં છે. પહેલાં જે સાહસો કરવામાં વિદેશી સહેલાણીઓના જ નામ ગાજતા હતા તે સાહસો હવે ગુજ્જુ અને તેમાં પણ સુરતીઓ ડંકો વગાડી રહ્યાં છે. સુરતના અડાજણ પાટીયા પર રહેતા 39 વર્ષીય માતા આયેશા પટેલે તેના બાળકો ઉમર ફારુક પટેલ(12 વર્ષ) અને ઝારા ફારુક પટેલ (10 વર્ષ)ને પીઠબળ પુરું પાડતા સાઉથ આફ્રિકાના તંઝાનિયા સ્થિત નિષ્ક્રિય જ્વાળામુખી કિલીમંજારો પર તા. 15 નવેમ્બર 2023ના રોજ સફળતાપૂર્વક પર્વતારોહણ કર્યું છે. એક હાઉસવાઈફે પોતાના બાળકોને સાહસ ખેડતા શીખવવા માટે પોતે પણ આ પર્વતને ખેડી લીધું છે. સૌથી નાની 10 વર્ષની વયની ઝારા પટેલે બરાફુ હાઈટ કેમ્પ સુધી જમીનથી 4800 મીટર સુધી, 12 વર્ષીય ઉંમર પટેલે ઉહુરુ પીક 5895 મીટર સુધી જ્યારે માતા આયેશા ફારુક પટેલે સ્ટેલા પોઈન્ટ 5410 મીટર સુધી સફળતાપૂર્વક પર્વતારોહણ કરીને સુરત અને દેશનું નામ રોશન કર્યું છે. ત્રણેયે આટલી ઊંચાઈ પર પહોંચીને ભારતનો રાષ્ટ્રધ્વંજ લહેરાવ્યો હતો અને જયહિંદનો ઘોષ કર્યો હતો. આ સિધ્ધિ બદલ તંઝાનિયા નેશનલ પાર્કના કન્ઝર્વેશન કમિશનરે ત્રણેયને અધિકૃત સર્ટિફિકેટ એનાયત કર્યું છે. આ પહેલાં ઉનાળું વેકેશન દરમિયાન માતા આયેશા આ બંને બાળકોને એવરેસ્ટ બેસ કેમ્પનું 5364 મીટરનું પર્વતારોહણ કરી ચુક્યા છે. તેમના ખાતામાં આ બીજી સિદ્ધિ આવી છે.
કિલીમંજારો એક નિષ્ક્રીય જ્વાળામુખી છે, પરમિશન 10 વર્ષના બાળક સુધીની જ
ઉલ્લેખનીય છે કે, માઉન્ટ કિલીમંજારો એક નિષ્ક્રિય જ્વાળામુખી છે. તે આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે અને વિશ્વમાં દરિયાની સપાટીથી સૌથી ઊંચો સિંગલ ફ્રી સ્ટેન્ડિંગ પર્વત છે: સમુદ્ર સપાટીથી 5,895 મીટર (19,341 ફૂટ) અને તેના ઉચ્ચપ્રદેશના આધારથી લગભગ 4,900 મીટર (16,100 ફૂટ) ઉપર સ્થિત છે અને તે આફ્રિકા-પૂર્વ ગોળાર્ધમાં સૌથી ઊંચો જ્વાળામુખી છે. કિલીમંજારો એ પૃથ્વી પરનું ચોથું સૌથી ટોપોગ્રાફિકલી અગ્રણી શિખર છે. તે કિલીમંજારો નેશનલ પાર્કનો એક ભાગ છે અને તે એક મુખ્ય હાઇકિંગ અને ક્લાઇમ્બીંગ ડેસ્ટિનેશન છે. તેના ઘટતા ગ્લેશિયર્સ અને બરફના ક્ષેત્રોને કારણે, જે 2025 અને 2035 ની વચ્ચે અદૃશ્ય થઈ જવાનો અંદાજ છે, તે ઘણા વૈજ્ઞાનિક અભ્યાસોનો વિષય રહ્યો છે.
કિલીમંજારો પર્વત પર ચડનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ એન લોરીમોર છે, જેની ઉંમર 89 વર્ષ અને 37 દિવસ છે, જે બપોરે 3:14 વાગ્યે ઉહુરુ શિખર પર પહોંચી હતી. જ્યારે ક્લાઇમ્બીંગ પરમિટ માટે 10 વર્ષની વય મર્યાદા હોવા છતાં, લોસ એન્જલસના કીટ્સ બોયડ 21 જાન્યુઆરી 2008ના રોજ 7 વર્ષની ઉંમરે શિખર પર પહોંચ્યો હતો.