ખેડૂતોની આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખતા તેલંગાણામાં મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 2 લાખ રૂપિયાની લોન માફી જલદી જ લાગૂ થઈ જશે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રેસ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે વર્ષ 2018 થી વર્ષ 2023 વચ્ચે જે પણ ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય, તેને માફ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, મંત્રીમંડળે 12 ડિસેમ્બર 2018 થી 9 ડિસેમ્બર 2023 સુધી 5 વર્ષની અવધિ માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી 2 લાખ રૂપિયાની લોનને માફ કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, પાત્રતા શરતો સહિત લોન માફીનું વિવરણ જલદી જ એક સરકારી આદેશ (GO)માં જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકાર પર પડનાર આર્થિક ભારણને લઈને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, લોન માફીથી રાજ્યના ખજાના પર લગભગ 31,000 કરોડ રૂપિયાનો ભાર આવશે. તેમણે આરોપ લગાવ્યો કે, પાછલી BRS સરકારે 1 લાખ રૂપિયાની લોન માફીના પોતાના વાયદાને ઈમાનદારીથી લાગૂ ન કરીને ખેડૂતો અને ખેતીને સંકટમાં નાખી દીધા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, તેમની સરકાર 2 લાખ રૂપિયાના કૃષિ લોન માફી માટે પોતાના ચૂંટણી વાયદાને પૂરો કરી રહી છે. આ અગાઉ ઝારખંડમાં ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ચંપઈ સોરેને કહ્યું હતું કે, તેમની ગઠબંધન સરકાર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે. તેની સાથે જ ફ્રી વીજળી કોટાને વધારે 200 યુનિટ કરશે. તેના માટે તેમણે ઘણી બેન્કોને પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું હતું.
મુખ્યમંત્રી ચંપઈ સોરેન મુજબ 31 માર્ચ 2020 સુધી ખેડૂતોની 50 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોનને વન ટાઇમ સેટલમેન્ટના માધ્યમથી માફ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી અગાઉ 4 મહિના અગાઉ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનો વાયદો કર્યો હતો. રાજ્યમાં કોંગ્રેસે BRSને હરાવીને સત્તા હાંસલ કરી હતી અને એ. રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે લોકસભાની ચૂંટણી બાદ રેવંત રેડ્ડીએ રાજ્યમાં લોન માફી કરવાની જાહેરાત કરી દીધી છે.