સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)
સુરત ક્રાઈમ બ્રાંચે આરટીઓની 370 નકલી સ્માર્ટ આરસીબુક પકડીને 30 વર્ષ જૂના એજન્ટ જીતેન્દ્ર પટેલ (બટકા) સહિત પાંચ જણાંને દબોચી લીધા છે. જોકે, આ પાંચ જણા પાછળ ભેજાબાજો તો બેંકના કર્મચારીઓ અને ફાયનાન્સરો છે. તેઓની મલાઈમાં આ લોકો કમિશનના રવાડે ભેરવાય ગયા છે. હા, આરટીઓમાંથી જૂની આરસીબુક ચોરી કરવામાં અને તેના પર જેને ખેંચાયેલું વાહન વેચાયું હોય તેના નામ-નંબર પ્રિન્ટરના માધ્યમથી લખવામાં એજન્ટની ભૂમિકા જરૂર છે. આ આખો ખેલ આરટીઓનો ટેક્સ અને પેનલ્ટી બચાવીને આખી અધિકૃત પ્રોસેસને બાયપાસ કરીને લાખો રૂપિયા કમાવાનો છે. જેમાં સરકારી તિજોરીને તો નુકશાન થાય છે પરંતુ બેંકના કર્મચારીઓ પોતાની બેંકને પણ ચુનો ચોપડી રહ્યાં છે. જેથી, આમા મુખ્ય દોરવણી કરનારાઓને હજી ક્રાઈમ બ્રાંચે ‘ટચ’ કર્યા નથી તેવું માની શકાય. આવા લોકોને સળિયા ગણાવાય તો આ આખુ નેક્સેસ ડામી શકાય એમ છે. પોલીસે જે રીતે વ્યાજઆંતકીઓ સામે અભિયાન છેડ્યું છે આ પણ એવું જ ફાયનાન્સઆતંક છે અને તેને પરમેનન્ટલી ડામવા પ્રયાસ થાય તો કોઈના એકના એક દિકરાએ બ્રીજ પરથી કુદી જીવન ટૂંકાવવું ન પડે.
- જાણો આખી પ્રોસેસ કે જે બેંક અને ફાયનાન્સર ‘કુદાવી’ દે છે : – બેંક અને ફાયનાન્સ કંપની વાહનો પર લોન આપે છે અને ઘણીવાર એક હપ્તામાં પણ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દે છે. રાખેલા માથાભારે તત્વો ગાડી ખેંચી જાય છે. ઢીલો-પોચો વ્યક્તિઓ હોય તો વાંધો લેતો નથી. આવી ગાડી પર એચપી ચાલતી હોય ત્યારે તેની એફ.આર.સી (ફ્રેશ આરસી બુક)કઢાવવા માટે બેંક-ફાયનાન્સ કંપનીએ પહેલાં આરટીઓમાં ફોર્મ-36 ભરીને અરજી કરવી પડે છે. આરટીઓ અધિકારી જેનું વાહન ખેંચાયું હોય તેને અને બેંક-ફાયનાન્સને નોટીસ મોકલી એક તારીખે સુનાવણી માટે બોલાવે છે અને તેમાં વાહન માલિક હપ્તો ભરવા તૈયાર હોય તો તેને વાહન પરત કરવાનું હોય છે. અગર વાહન ગોડાઉનમાં જમા લેવાયું હોય તો તે દર મહિનાની 1થી 10 તારીખમાં ત્યાં છે કે નહીં તે જોવા જવાની જવાબદારી આરટીઓ અધિકારીએ નિભાવવી પડે છે. ( પરંતુ આવું થતું નથી અથવા પહોંચેલા ફાયનાન્સરો આવું કરવા દેતા નથી અને બારોબાર વાહન થર્ડ પાર્ટી પાસે ફરતું કરી દેવાય છે!! ) આરટીઓ અધિકારી પણ આવા જમા વાહનોને જોવા જવાની તસ્દી લેતા નથી. અગર વાહન માલિક નાદારી નોંધાવે તો જેટલા મહિના વાહન કબ્જે લેવાયું હોય તેટલા મહિના વાહનની નક્કી કિંમત પર પાંચ ટકા લેખે ટેક્સ તેમજ 25 ટકા મહિના પ્રમાણે પેનલ્ટી બેંક-ફાયનાન્સરે ભરીને વાહન પોતાના નામે ટ્રાન્સફર કરાવવાનું હોય છે. આખી પ્રક્રિયાને બેંક કર્મીઓ અને ફાયનાન્સરો કુદાવી દે છે અને ઓક્શનમાં વાહનો એક સાથે વેચી દે છે. દલાલો આ વાહનો લેતા સમયે ચેક કરતા નથી અને બાદમાં આવા આરટીઓ એજન્ટ મારફત નકલી આરસી બુક બનાવીને તેને સારી એવી રકમે વેચી દે છે.! જેમાં સરકારની તિજોરીને તો ચુનો લાગે જ છે અને ગુનો પણ આચરવામાં આવે છે.
- બેંક કર્મીઓ અને દલાલોની મિલીભગત, લાખો કમાય છે: જાણકારોનું માનીએ તો આમા મુખ્ય ખેલ બેંક કર્મીઓ અને ઓક્શનમાં વાહન લેનારા દલાલોનું મોટું સેટિંગ હોય છે. બેંક કર્મીઓ બેંકમાં ખોટા રિપોર્ટ કરે છે કે વાહન માલિક રૂપિયા ભરવા તૈયાર નથી અથવા ભરી શકે એમ નથી અને વાહનની કિંમત પણ ઓછી દેખાડે છે. ઉદાહરણ તરીકે વાહનની બજાર કિંમત જે તે સમયે પાંચ લાખ રૂપિયા આવતી હોય તો તેને બેથી ત્રણ લાખનું વેલ્યુએશન જ કરાવે છે અને બેંક પાસે ઓછી રકમનું ઓક્શન કરાવીને દલાલ પાસે સારું એવું કમિશન મેળવી લે છે.
- લુખ્ખા તત્વો પાસે વાહનો ખેંચાવડાવી થર્ડ પાર્ટીને વેચી દેવાય છે: આમ તો એક-બે હપ્તા બાકી હોય કે તેનાથી વધુ હપ્તા બાકી હોય પરંતુ બેંક અને ફાયનાન્સરોએ લુખ્ખા-ટપોરીઓની ગેંગને વાહનો ખેંચવા માટે કામ સોંપ્યું હોય છે અને તેઓ વાહનમાલિક પાછળ રીતસર રકમ વસૂલવા મંડી જાય છે. અગર હપ્તો તેમના સમયે ન ભરાય તો તેઓ પોતાની પેનલ્ટી ઊભી કરવા વાહનમાલિકનો પીછો કરે છે અને આખી ચાર-પાંચ જણની ટોળકી ગમેત્યાં રસ્તામાં આંતરીને વાહન બળજબરી લઈ જાય છે અથવા રાત્રિના સમયે ઘર આંગણેથી ઊંચકી જાય છે. નિયમ મુજબ વાહન જપ્ત કરતા પહેલા તેની જાણ કરવાની હોય છે અને સંંબંધિત પોલીસ મથકમાં પણ અગાઉ લેખિતમાં સૂચના આપવાની હોય છે પરંતુ માથાભારે ટોળકી આમ કરતી નથી. પોલીસ મથકોમાં પણ તેમનું સારું એવું ઉપજતું હોવાનું કહેવાય છે. જેવું વાહન ખેંચાય કે તુરંત થર્ડ પાર્ટીને તે ગીરવે પર કે વેચાણથી વાપરવા આપી દેવાય છે. ઘણાં આવા વાહનો નંબર પ્લેટ વિના પણ શહેરમાં ફરતા જોવા મળે છે.
- જુના અધિકારીઓની સહી અને નવા વાહનો ટ્રાન્સફર એવું કેવી રીતે થયા? પહેલા તો આરટીઓના રેકોર્ડ રૂમમાંથી જૂની સ્માર્ટ આરસી બુકનો જથ્થો ચોરાયો તે માલૂમ ન પડ્યું. સીસીટીવી લાગ્યા છે અને સિક્યુરિટી પણ છે તો આવું કેવી રીતે બન્યું તે તપાસનો વિષય છે. બીજું કે, જૂની આરસી બુક પર જે તે સમયે ફરજ બજાવી ગયેલા અધિકારીઓની સહી હોય તે સ્વભાવિક છે. જોકે, ખેંચાયેલા નવા વાહનો જૂના અધિકારીની સહી સાથે ટ્રાન્સફર થયા તે પણ જોવાયું નહીં તે સિસ્ટમમાં મોટી ખામી દર્શાવે છે અથવા તો અધિકારીઓની મિલીભગત છતી કરે છે. ગાંધીનગરથી તેની તપાસ પણ થવી જોઈએ અને પોલીસે પણ તેની ખણખોદ કરવી જોઈએ. બેંક કર્મીઓ અને ફાયનાન્સરોને પણ પોલીસે સીધાદોર કરવા જોઈએ, સાથોસાથ વાહનો ખેંચવાનું કામ કરતી ગુંડાટોળકીઓને પણ સળિયા પાછળ ધકેલવા જોઈએ. જો પોલીસ આવું કરવાની શરૂઆત કરશે તો કોઈનો લાડકવાયાએ જીવન ત્યજવું નહીં પડે.