સ્ટોરી- રાજા શેખ, સુરત (98980 34910)
સુરતની ભૂમિના બે ભામાશાએ મળીને વધુ એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સામાન્ય રીતે બધા પોતપોતાના સમાજ કે ધર્મ માટે દાન-સેવા કરતા હોય છે પરંતુ કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલ અને પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી ધર્મ, ન્યાત-જાતના વાડામાં માનતા નથી અને દરેક માટે એકસરખી પરોપકારી પ્રવૃત્તિ કરતા આવ્યા છે. આ વખતે બંને ગ્રુપએ ભેગા મળીને પીપી સવાણી ગ્રુપના સમૂહલગ્નમાં પરણાવેલી અનાથ ગરીબ દિકરીઓની માતા અને સાસુઓ સહિતના 300 જણા માટે ચારધામ યાત્રા અને મુસ્લિમ દિકરીઓ અને તેમના પતિદેવ મળી 16 જણા માટે સઉદી અરેબિયામાં થતી મક્કા-મદીનાની ઉમરાહની જાત્રાનું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે, ડો. ફારુક પટેલ આ દિકરીઓની સાથે ઉમરાહ કરવા જશે અને તેમની સગવડ અંગેનું ધ્યાન રાખશે.

દરવર્ષની જેમ આ વર્ષે ચારધામ યાત્રા 16 જૂનથી શરૂ થશે અને 6 ગ્રુપમાં અલગ-અલગ દિવસોએ 50-50ના ગ્રુપમાં જશે. ચારધામમાં અયોધ્યા, વારાણસી, છપૈયા સહિતના ધાર્મિક સ્થાનો પર વિનામૂલ્યે લઈ જવાશે. તેમજ ઉમરાહ(મક્કા-મદીના)15 દિવસની યાત્રા સંભવત: જુલાઈના પ્રથમ સપ્તાહના અંતમાં શરૂ થશે. આ યાત્રામાં ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળશે, જેમાં કુલ ૩૦૦ યાત્રાળુઓ ભાગ લેશે. પાવન ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે આ યાત્રાઓનું મુખ્ય ઉદ્દેશ્ય સૌહાર્દ અને એકતાનો સંદેશો ફેલાવવાનો પણ છે. પીપી સવાણી ગ્રુપના મહેશન સવાણીએ કહ્યું કે, “આ યાત્રાના આયોજન દ્વારા આપણે ધર્મનિરપેક્ષ ભાવનાને મજબૂત બનાવી શકીએ છીએ. ગંગાસ્વરૂપ માતાઓ અને તેમની વેવાણ વચ્ચે સારા સંબંધો વિકસે અને એકબીજાનું આદર કરી દિકરા-દિકરીનું ઘર સ્વર્ગ સમાન બનાવે તે માટે આ આયોજન અમે વર્ષોથી કરીએ છીએ. ઉધના રેલવે સ્ટેશનથી સ્લીપર ક્લાસમાં યાત્રા શરૂ થશે અને દરેક જગ્યાએ જમવા-રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ બંને યાત્રાઓ કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલના સહયોગ અને તેમના નમ્રદિલ પ્રયાસોને કારણે સંભવ બની છે. બંને વચ્ચેનું જોડાણ સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરે છે. ફારુકભાઈ પીપી સવાણી યુનિવર્સિટીમાં ઉર્જા નૂર સ્કોલરશીપ (મફત ઉચ્ચ શિક્ષણ) પણ ચલાવી રહ્યાં છે. ડો. ફારુક પટેલે કહ્યુ કે, હું મહેશભાઈને ત્યાં દિકરીઓના સમૂહલગ્નમાં હાજરી આપવા ગયો હતો. મને મુસ્લિમ દિકરીઓના નિકાહમાં સાક્ષી બનાવાયો. મહેશભાઈએ ઈચ્છા વ્યક્ત કરી કે હું હિન્દુ દિકરીઓને અને સાસુ-માતાઓને તો ચાર ધામ કરાવી લઉં છું પણ મુસ્લિમ દિકરીઓનો પ્રશ્ન રહે છે. એટલે મેં અને મારી ટીમએ આ યતીમ દિકરીઓને તેમના પતિ સાથે મક્કા-મદીના ઉમરાહ મોકલવાનું નક્કી કર્યું. સાથોસાથ મેં ચારધામની યાત્રામાં પણ યોગદાન આપવા માટે તૈયારી દર્શાવી અને તે મહેશભાઈએ ગ્રાહ્ય રાખી. ’ અમે માનવતા માટે આ રીતે કાર્ય કરતા રહીએ તેવી ઈશ્વરને પ્રાર્થના છે.

ચારધામ યાત્રાએ જઈ રહેલા એક માતાજીએ કહ્યું કે, કદાચ બે-ચાર બહેનો પોતાના ખર્ચે આ યાત્રા કરી શકે એમ છે પરંતુ આમાથી મોટાભાગની બહેનો માટે તે સ્વપ્ન સમાન છે. જે ચારધામ યાત્રાનું નેક કામ આપ કરી રહ્યાં છો તેના માટે હું તમને આશિર્વાદ આપું છું. ઈશ્વર તમારાથી આવા કામ લેતો રહે. ઉમરા માટે મક્કા-મદીના જતી એક દિકરીએ કહ્યું કે, ‘ મુસ્લિમોમાં પવિત્ર ધામ મક્કા-મદીના જવું એ એક મોટા પુણ્યનું કામ છે. મારું બચપનનું સ્વપ્ન હતું પણ પિતાજી દુનિયામાં ન રહ્યાં. અમે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને અમારા પરિવારમાં કોઈ આ ઉમરા માટે ખર્ચ કરી શકે એવી સ્થિતિમાં નથી. અલ્લાહે મહેશ પપ્પાના માધ્યમથી ફારુકભાઈ જેવા ફરિસ્તાને મોકલ્યા અને આ સંભવ બન્યું. હું તેમના માટે દુઆ કરું છું. સાથે મારી આવનારી ઔલાદ પણ તમારા જેવી બને તેવી અલ્લાહના દરબારમાં હું દુઆ કરીશ.’’
ડો. ફારુક પટેલ અગાઉ 11 દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમની માતા સાથે ઉમરા મોકલી ચુક્યા છે–
નોંધનીય છે કે, દિલેર દિલના માલિક ડો. ફારુક પટેલ આ પહેલાં કોવિડ દરમિયાન ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, સુરતમાં અભ્યાસ કરતા 11 દિવ્યાંગ સ્ટુડન્ટોને તેમની માતા સાથે ઉમરાની યાત્રા કરાવી ચુક્યા છે. જ્યારે 90 દિવ્યાંગ બાળકો અને તેમના કેરટેકરને હરિદ્વારા, મસુરી વગેરેની યાત્રા કરાવી ચુક્યા છે. ઉપરાંત તેઓ પોતાના મોટા પુત્રના લગ્નમાં ફાઈવસ્ટાર હોટલમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો, અનાથો અને દિવ્યાંગજનોને બોલાવીને ફાઈવસ્ટાર હોટલમાં રિસેપ્શન કરાવી ચુક્યાં છે. તેઓ એજ્યુકેશન, હેલ્થકેર અને હેલ્પિંગ હેન્ડ સહિતની અનેક પરોપકારી પ્રવૃત્તિ કરે છે. જ્યારે મહેશભાઈ સવાણી સાડા પાંચ હજાર પિતા વિહોણી દિકરીઓને કોઈ પણ ન્યાતજાત ધર્મના વાડા વિના પરણાવી ચુક્યા છે અને તેમના આજીવન પિતા તરીકે તેઓ તેમના દરેક સુખદુખમાં સાથે ઊભા રહે છે. કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપનું જોડાણ માનવતાના પ્રાધાન્ય આપવાની દિશામાં વધુ એક નેક કદમ તરીકે જોવાય રહ્યું છે.