લઘુ ઉદ્યોગો માટે નવી સોલાર પાવર પોલિસીમાં વધુ છૂટ આપવા ચેમ્બરની રજૂઆત

સુરત. આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉર્જા મંત્રી સૌરભ પટેલને નવી ઘડાઇ રહેલી સોલાર પાવર પોલિસીમાં લઘુ ઉદ્યોગોને વધુ છૂટ આપી સોલાર પાવર સસ્તો કરવા રજૂઆત કરવામાં આવી છે. થર્ડ પાર્ટી સેલ / કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટમાં લઘુ ઉદ્યોગો જો તેમના પ૦ ટકા કોન્ટ્રાક્‌ટ લોડથી વધારે વીજળી મેળવે તો તે સંજોગોમાં તેઓને વિવિધ રાહત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

મુખ્યત્વે થર્ડ પાર્ટી સેલના કેસમાં ક્રોસ સબસિડી સરચાર્જ અને એડીશનલ સરચાર્જ હાલમાં પૂરે પૂરો લાગે છે તેમાં છૂટ આપી ડિસ્કાઉન્ટ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં આવા કિસ્સામાં એનર્જી ડયુટી યુનિટ દીઠ ૬૦ પૈસાથી વધુ લાગે છે જે પણ અવરોધાત્મક પ્રાવધાન હોય તેમાં પણ ડિસ્કાઉન્ટ આપવા વિનંતી કરાઇ છે. તદુપરાંત લઘુ ઉદ્યોગો જો સોલાર પાવર પ્લાન્ટ થકી તેમના પ૦ ટકા કોન્ટ્રાક્‌ટ લોડથી વધારે વીજળી મેળવે અથવા ખરીદે તો તે સંજોગોમાં એનર્જી બેન્કીંગની સુવિધા સવારે ૭થી સાંજે ૬ વાગ્યાના સમય દરમ્યાન જ આપવામાં આવી છે અને આવી જોગવાઇના કારણે હાલમાં લઘુ ઉદ્યોગો તેના કુલ વપરાશના પ૦ ટકાથી વધુ વીજળી સોલાર પાવર પ્લાન્ટમાંથી મેળવી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખી જે તે લઘુ ઉદ્યોગો જો તેની કોન્ટ્રાક્‌ટ ડિમાન્ડની ક્ષમતા કરતા પ૦ ટકાથી વધુનો કેપ્ટીવ / થર્ડ પાર્ટી સોલાર પાવર પ્લાન્ટ થકી વીજળી મેળવે તેઓને ઉત્પાદીન થયેલી વીજળીમાં એક મહિના સુધી એક બીલિંગ સાયકલમાં સમાવાય તે પ્રમાણે એનર્જી બેન્કીંગની સુવિધા આપવી જોઇએ તેવી માંગણી કરવામાં આવી છે. સાથે જ થર્ડ પાર્ટી સેલ અને એક ડિસ્કોમથી બીજા ડિસ્કોમમાં સોલાર પાવર માટે લાગતા ટ્રાન્સમીશન અને અન્ય ચાર્જીસમાં ઘટાડો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Translate »