ગુજરાતમાં વડાપ્રધાન મોદી શીખ ખેડૂત આગેવાનોને મળ્યા, વિપક્ષો ખેડૂતોને ભ્રમિત કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવ્યા હતા અને અહીં વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરતી વેળા  દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનના મુદ્દે બોલ્યા હતા કે દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર છે. એમ કહીને નરેન્દ્ર મોદીએ આંદોલન પર ટોણો માર્યો હતો કે, ડેરીવાળા કૉન્ટ્રાક્ટ કરે છે તો શું તમારી ગાય-ભેંસ લઈ જાય છે? તેઓએ ગુજરાતના શીખ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત પણ કરી હતી. પીએમની શીખ પ્રતિનિધિમંડળો સાથેની મુલાકાત દિલ્હીમાં આંદોલન કરી રહેલા શીખ સમુદાયના લોકોને એક સંદેશ આપવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે દિલ્હીમાં આંદોલનમાં શીખ સમુદાયના લોકોની વિશાળ સંખ્યા છે. આવામાં પીએમનો ગુજરાતમાં કરવામાં આવેલા આ પ્રયત્નની પાછળ એ માનવામાં આવી રહ્યું છે કે તેમણે દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે.

શું કોઈ ડેરીવાળો તમારી પાસેથી દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું તમારી ગાય-ભેંસ લઈ જાય છે?

વડાપ્રધાને કહ્યું કે આજે જે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરે રહ્યા છે તેઓ પણ પોતાના સમયમાં કૃષિ સુધારાનું સમર્થન કરતા હતા. ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર છે, ખેડૂતોનાં હિત પહેલા દિવસથી અમારી સરકારની પ્રાથમિકતા રહી છે. દેશ પૂછી રહ્યો છે કે અનાજ અને દાળ ઉત્પન્ન કરનારા નાના ખેડૂતોને પાક વેચવાની આઝાદી કેમ ન મળવી જોઈએ. કૃષિ સુધારાની માગ વર્ષોથી થઈ રહી હતી. અનેક ખેડૂત સંગઠનો પણ માગ કરતા હતા કે પાક વેચવાના વિકલ્પ આપો. આજે ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને માછીમારો પહેલાંથી વધારે સારી સ્થિતિમાં છે, તેનું એક કારણે અહીં ખેતીને પરંપરાને આધુનિકતા સાથે જોડવામાં આવી છે.

કચ્છ સહિત ગુજરાતના ખેડૂતો વધારે ડિમાન્ડ અને વધારે કિંમતવાળા પાકોની ખેતી તરફ વળ્યા છે અને આજે તેમાં આગળ છે. આજે કચ્છનાં ઉત્પાદનો વિદેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યાં છે. ભાઈઓ બહેનો હું તમારી પાસે જાણવા માગું છું કે શું કોઈ ડેરીવાળો તમારી પાસેથી દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું તમારી ગાય-ભેંસ લઈ જાય છે? એમ કહીંને નવા ખેતી કાયદાનો વિરોધ કરનારાઓ પર વડાપ્રધાને તંજ કસ્યું હતું.

Leave a Reply

Translate »