સુરત મહાનગર પાલિકાના મુખ્ય કચેરીના પાર્કિંગ સંકુલમાં મોટી સંખ્યામાં સફાઇ કામદાર મહિલાઓ અને પુરુષોએ રામધૂન ગાઈને અનોખો વિરોધ કર્યો હતો. કેટલાક કામદારો અર્ધનગ્ન હાલતમાં ધરણાં પર બેઠા હતા. જોકે, બાદમાં હૈયાધરપત મળતા તેઓએ ધરણાં સંકેલી લીધા હતા.
શહેરના રામપુરા કાજીપુરા ખાતે 44 ચાલમાં રહેતા મનપા સફાઇ કામદારોના આવાસો અને મકાનો તોડી પાડવાના મનપાના નિર્ણયનો વિરોધ કરતાં સોમવારે સવારે સુરત મનપાનાં સફાઇ કામદારોએ સુરત મહાનગર પાલિકાના મુખ્ય કચેરીના પાર્કિંગ સંકુલમાં ધરણાનો કાર્યક્રમ રાખી વિરોધ કર્યો હતો. ઇંટુક સંલગ્ન અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન અને બાબાસાહેબ આંબેડકર સફાઇ કામદાર યુનિયનના સંયુક્ત નેજામાં સુરત મહાનગર પાલિકાના મુખ્ય કચેરીના પાર્કિંગ સંકુલમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સફાઇ કામદારો, મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા.
અખિલ ભારતીય સફાઇ કામદાર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ વાઘેલા અને સુરત ઇંટુકના પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે મનપા સફાઇ કામદારોના આવાસો અને મકાનો તોડી તેમને બેઘર બનાવવા માંગે છે. આ તમામ સફાઇ કામદારો નજીકના ઝોનમાં કામ કરી રહ્યા છે, તેમના પરિવારોને અહીંથી હટાવી ઇડબ્લ્યુએસ આવાસમાં સ્થળાંતર કરાવવું એ ખુબજ અન્યાયપૂર્ણ નિર્ણય છે. જે સામે તમામ સફાઇ કામદારોના પરિવારોમાં રોષ છે, તેથી મનપા દ્વારા ત્યાં જ સારા મકાનો બનાવી હાયર પરચેસ હેઠળ સફાઇ કામદારોને આપે તેવી અમારી માંગણી છે.
આ પ્રસંગે અખિલ ભારતીય સફાઇ કામદાર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ વાઘેલા, સુરત ઇંટુકના પ્રવક્તા શાન ખાન, બાબાસાહેબ આંબેડકર સફાઇ કામદાર યુનિયનના પ્રમુખ જયંતીભાઇ વાઘેલા, દલિત નેતા રીતેશ સોલંકી, સફાઇ કર્મચારી યુનિયનના નેતા કમલેશ સોલંકી, પ્રકાશ રાઠોડ, મહેશ સોલંકી, મનોજ વાઘેલા, મુકેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં સફાઇ કામદારો મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા