- સોમવારે એક જ દિવસમાં 3 લાખથી વધારે લોકોને રસી આપી
રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ છે. જેમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખની વધારે છે જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. સોમવારે એક જ દિવસમાં 3 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી.
સુરતમાં સૌથી વધારે રસીકરણ
રાજયના 23 મંત્રી પૈકી 19 મંત્રીએ વેક્સિન લઇ લીધી છે. સરકારના દાવા મુજબ, હજુ સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર થઇ નથી. સોમવારે અમદાવાદ શહેરમાં 25 હજારથી વધારે લોકોને રસી અપાઇ હતી જ્યારે સુરતમાં સૌથી વધારે 53 હજારથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. સોથી ઓછું રસીકરણ ડાંગમાં 21 હજાર અને બોટાદમાં 41 હજાર લોકોને કરવામાં આવ્યું છે.
20 ટકા રસીકરણ ચાર મહાનગરોમાં
શહેર | રસીકરણ |
અમદાવાદ | 5.94 લાખ |
સુરત | 4.64 લાખ |
વડોદરા | 2.22 લાખ |
રાજકોટ | 1.87 લાખ |
કુલ | 14.67 લાખ |
ગુજરાતના મહાનગરોમાં કોરોનાને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિ
અમદાવાદ – 20 ટનની ઓક્સિજન ટેન્ક બે વાર ભરવી પડી રહી છે
સિવિલમાં ઓક્સિજનની જરૂરવાળા દર્દીઓ વધતાં 20 ટનની ઓક્સિજન ટેન્ક બે વાર ભરવી પડે છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કુલ 4200થી વધુ બેડ ભરાઈ ગયાં છે. શહેરમાં હાલ 75 ટકા નાગરિકો હોમ આઇસોલેશનમાં છે. રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાંબી કતારો હતી, સિવિલ, સોલા સિવિલ એસવીપીમાં એના માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે.
સુરત – પાર્કિંગમાં 300 બેડ નાખવા પડ્યા, ઇન્જેક્શનની અછત
સુરતની વિવિધ હૉસ્પિટલોની બહાર રેમડેસિવીર ઇન્જેક્શન નથી એવા લખાણ વાંચવા મળે છે. હૉસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી ગંભીર ન હોય એવા દર્દીઓને હોટેલમાં રૂમ રાખીને ખસેડવામાં આવી રહ્યા છે. કેટલીક હૉસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં 300 બેડ ઉભા કરાયા છે. અટેન્ડન્ટ નહીં હોવાથી દર્દીનાં સગા સ્ટ્રેચર લઈ જતા હોય એવા દૃશ્યો જોવા મળે છે.
વડોદરા – રાજ્યનો 25% ઓક્સિજન વપરાશ એકલા વડોદરામાં
વિવિધ હૉસ્પિટલોમાં અત્યારે 6 હજારથી વધુ દર્દીઓ દાખલ છે તથા અગાઉ સરેરાશ રોજના 40 મોત થતા હતા. પણ સોમવારે શહેરની હૉસ્પિટલોમાં સૌથી વધુ 55 મોત થયા હતા. સૌથી વધુ દર્દીઓ ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર પર વડોદરામાં સારવાર લઇ રહ્યાં છે. રાજ્યમાં ઓક્સિજનના કુલ વપરાશના શહેરમાં 25 ટકા કરતા વધુ વપરાશ વડોદરામાં થાય છે.
રાજકોટ – સ્મશાનમાં 2 કલાક વેઇટિંંગ 3500 ઇન્જેક્શન ખપી ગયાં
વિવિધ સ્મશાનમાં રોજ 25 મૃતદેહોનો કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ થાય છે. રેમડેસિવીર ઇન્જેક્શનની તંગી છે. એક દિવસમાં 3500 ઇન્જેક્શન આવ્યા જે તુરંત વપરાયા હતા. ખાનગી હૉસ્પિ.માં દાખલ દર્દીના સ્વજનોને ઇન્જેક્શન માટે ભટકવું પડે છે. સિવિલ હોસ્પિ.ની ટેસ્ટિંગ લેબમાં 2500 સેમ્પલ રોજ આવતા હોવાથી ક્યારેક રિપોર્ટમાં બે દિવસ થઈ જાય છે.