રીક્ષાના હુડ પર આવી સૂચના માટે કોઈ ઓફિશિયલ ઓર્ડર નથી, છતા દંડ કેમ?

  • રાજા શેખ (98980 34910)

સુરતના માર્ગો પર તમે ફરો તો મોટાભાગની રીક્ષાઓના પાછળના હુડ પર વિવિધ પોલીસ મથકની સાથે રીક્ષાનો નંબર સફેદ, લાલ કે પીળા રંગે લખેલો જોવા મળે છે. આ વાત તમામ માટે કુતુહલવશ હતી. જેથી, અમે પણ તે માટે તપાસ કરી તો માલૂમ પડ્યું કે રીક્ષાના પાછલા હૂડ પર મોટા અક્ષરે લખેલા આ લખાણ માટે પોલીસ વિભાગ કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ અધિકૃત આદેશ, સરક્યુલર કે જાહેરનામુ બહાર પડાયુ નથી. છતા માઉથ પબ્લિસીટી એટલે કે એક બીજાના મુખેથી સાંભળેલી વાતો મુજબ રીક્ષાવાળાઓએ આવુ લખાવવા પેઈન્ટરોને ત્યાં લાઈન લગાવી દીધી. રીક્ષાનું આરટીsઓ રજિસ્ટ્રેશન શહેર કે જિલ્લાના જે રહેણાંક એડ્રેસનું હોય તે એડ્રેસમાં આવતા પોલીસ મથકનું નામ અને રીક્ષાનો નંબર લખાવવાનો હોય છે. ઉદાહરણ તરીકે અડાજણમાં રીક્ષા નોંધાય હોય તો અડાજણ પોલીસ મથક અને આરટીઓના ચોપડે નોંધાયેલો રીક્ષા નંબર લખાવવાનો રહે છે. જોકે, ડ્રાઈવર સીટની પાછળ નામ-નંબર, એડ્રેસ સહિતની વિગતો તો પહેલાથી જ લખેલી હોય છે.

કારણ : રીક્ષાવાળા કહે છે કે પોલીસ 1000નો દંડ કરે છે

આ અંગે અમે શહેરના વિવિધ વિસ્તારમાં વિવિધ પોલીસ સ્ટેશનના નામ હુડ પર ચિતરાવનાર રીક્ષાચાલકોને પૃચ્છા કરી. એક રીક્ષાવાળાએ ભડાસ કાઢતા કહ્યું કે, શું કરીએ નવા નવા ફતવા પોલીસ કાઢે છે. કોઈ પણ રીતે અમને હેરાન કરવામાં આવી રહ્યાં છે. હાલ કોરોના કાળમાં આમ પણ ધંધો નથી ઉપરથી નવો ફતવો. આટલુ લખવા પેઈન્ટરે રૂ. 50 પડાવી લીધા. એક જગ્યાએ લાઈનમાં ઊભા રહી આ ચિતરાવ્યું. બીજા એક રીક્ષાચાલકે કહ્યું કે પેપરમાં આવ્યું કે 1 ઓક્ટોબરથી નવો નિયમ આવી રહ્યો છે. આવું લખાવવું પડશે નહીંતર પોલીસ પકડશે. અમે પૂછ્યું બતાઓ પેપર તો રીક્ષાચાલકે કહ્યું કે મેં નથી વાંચ્યુ પણ એવું સાંભળ્યું છે. એક રીક્ષાચાલકે કહ્યું કે બીજાને લખાવતા જોયા તો અમે પણ લખાવી લીધું. એક રીક્ષાચાલકે કહ્યું કે, સચિન, પાંડેસરા, અમરોલી જેવા છેવાડાના વિસ્તારોમાં કેટલાક લોકો ક્રાઈમ કરવા રીક્ષાનો ઉપયોગ  કરે છે. તેમના પાપનો ભોગ સુરતના તમામ 70 હજાર રીક્ષાચાલકોએ બનવાનો વારો આવ્યો છે. ન લખાવો તો એક હજાર દંડ વસૂલાય રહ્યો છે. જોકે, તે માટે અધિકૃત કોઈ આદેશ હોય તેવું મને લાગતું નથી.

દંડ વસૂલે છે પણ રસીદ નથી આપતા

એક રીક્ષાચલાકે કહ્યું કે પોલીસ મથકની પોલીસ આવુ ન લખાવ્યું હોય તો પકડે છે અને એક હજાર દંડ વસૂલે છે. અમે પુછ્યું કે ટ્રાફિક પોલીસ પકડે છે તો તેઓએ કહ્યું કે ના નથી પકડતી માત્ર જે તે પોલીસ મથકની પોલીસ જ પકડી દંડ કરે છે. એક હજાર દંડ લે તો તેની રસીદ આપે છે એવો સવાલ અમે કર્યો તો તુરંત કહ્યું કે ના રસીદ નથી આપતા. રીક્ષાવાળા પરેશાન છે કે ધંધો નથી અને ઉપરથી કોઈને કોઈ બહાને પોલીસ દંડ વસૂલી રહી છે.

શું કહેવું છે પોલીસ વિભાગનું ?

આ અંગે અમે ટ્રાફિક પોલીસના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અશોકસિંહ ચૌહાણને પુછ્યું તો તેઓએ કહ્યું કે, અમારા તરફથી આવો કોઈ આદેશ કરાયો નથી પરંતુ જો રીક્ષાચાલકો આવું લખાવતા હોય તો તે જરૂર ઉપયોગી થઈ પડે એમ છે. શહેરમાં ઘણીવાર કેટલીક રીક્ષામાં ક્રાઈમની ઘટના બને છે. ચોરી-ચીલઝડપની ઘટના થાય છે ત્યારે આ રીતે હુડ પર મોટા અક્ષરે જે તે વિસ્તારના પોલીસ મથકનું નામ અને રિક્ષા નંબર લખ્યો હોય તો તેને સીસીટીવીના આધારે શોધવામાં સરળતા રહે છે. બીજીવાત કે રીક્ષાની અંદર ડ્રાઈવર સીટની પાછળ નામ-સરનામુ, મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર લખેલો હોય છે પરંતુ ઘણીવાર પેસેન્જર તે જોઈ શકતા નથી. આ રીતેનું લખાણ પોલીસ માટે ગુનો ઉકેલવા ઉપયોગી થઈ પડે છે.  ચૌહાણે કહ્યું કે, અમે તમામ 70 હજાર જેટલી રીક્ષાઓના ડેટાબેઝ બનાવવા માટે આરટીઓ સાથે મળી અન્ય એક યોજના પર કામ કરી રહ્યાં છીએ.

ટ્રાફિક વિભાગના અન્ય એક એસીપી ઝેડ.એ. શેખે કહ્યું કે, ટ્રાફિક વિભાગ તરફથી કોઈ એવી સૂચના આપવામાં આવી નથી અને અમે તે માટે કોઈ દંડ પણ નક્કી નથી કર્યો.

આ મામલે અમે શહેરના કેટલાક પોલીસ મથકનો સંપર્ક કર્યો અને જાણવાની કોશિશ કરી કે કોણે આવો સર્કુલર કર્યો છે તો કોઈ પાસે જવાબ ન હતો. કેટલાક પોલીસ ઈન્સ્પેક્ટરને તો તેમના પોલીસ મથકવાળુ લખાણ રીક્ષાચાલકોએ લખાવ્યું છે તે પણ માલૂમ ન હતું. તેઓએ એક વાત કરી વિનમી દિધુ કે તપાસ કરાવ્યા બાદ કહીશું.

વડોદરામાં પોલીસ આપે છે સ્ટીકર

વડોદરા શહેર વિસ્તારની તમામ રીક્ષાઓના આગળના કાચ પર એક સ્ટીકર પેસેન્જરને દેખાય તે રીતે લાગેલું જોવા મળે છે. જેમાં જે તે પોલીસ મથક વિસ્તારની રીક્ષા છે તે લખેલુ હોય છે અને તે આ રીક્ષાડ્રાઈવરને અધિકૃત કરે છે. જેથી, અગર રીક્ષામાં કોઈ ગુનો થાય તો પોલીસ તેને આસાનીથી શોધી શકે. અમે ત્યાંના એક રીક્ષાવાળાને પુછતા તેણે કહ્યું હતું કે, પોલીસ તરફથી જ અમને આ સ્ટીકર લગાડી આપ્યા છે. આવી જ રીત સુરતમાં પણ અપનાવી શકાય. જેથી, બિન અધિકૃત રીતનો પ્રયોગ ન થાય અને તમામ રીક્ષાડ્રાઈવરોની નોંધણી પણ થઈ જાય.

 

 

Leave a Reply

Translate »