કોરોના વાયરસના કારણે શરૂઆતમાં ઘણા બધા દેશોએ સંક્રમણને ધ્યાનમાં લઈને લોકડાઉન કરી દીધું હતું અને તેના કારણે વિશ્વના ઘણા બધા દેશોની ઈકોનોમી પર અસર પડી છે. હવે કેટલાક દેશોમાં કોરોનાની બીજી લહેર આવી રહી છે ત્યારે આ ત્રણ દેશ ફરી લોકડાઉન કરવાની તૈયારીમાં છે. ભારતમાં આમ તો રિકવરી રેટ વધારે છે પણ અગર કેસ વધશે તો સરકાર ફરી કડકાઈ દાખવી શકે છે. જોકે, હાલ તહેવારોની સિઝન હોય લોકોએ વધુ સાચવવાની ગાઈડલાઈન લગાતાર સરકાર જારી કરી રહી છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ રોજ વધી રહ્યા છે. યુરોપમાં તો છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સ્થિતિ નિયંત્રણ બહાર જોવા મળતા બ્રિટન, જર્મની, ફ્રાન્સ સહિત યુરોપના કેટલાક દેશ ફરી લોકડાઉન કરવાની તૈયારીમાં છે. જર્મનીએ તો ફરી એક મહિના માટે રેસ્ટોરન્ટ અને બાર બંધ કરવાનો આદેશ પણ જાહેર કરી દીધો છે.
એક દિવસમાં સામે આવ્યા 50 હજારથી વધુ કેસ, યુરોપમાં 37 ટકાનો વધારો
જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે જર્મનીના ટોચના અધિકારીઓ સાથે પ્રતિબંધોને સખત કરવાની બાબતે ચર્ચા કરી છે. તો ફ્રાન્સમાં એક દિવસમાં 50 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને દેશને સંબોધિત કરતા કોરોનાને લઈને નવા નિયમ અને પ્રતિબંધોને લઈને તૈયાર રહેવાની વાત કહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના આંકડાઓ મુજબ, યુરોપમાં ગયા અઠવાડિયે કોરોનાના કેસોમાં 37 ટકાનો વધારો થયો છે. અહીં રેકોર્ડ 13 લાખ નવા દર્દી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુરોપમાં કોરોનાની બીજી લહેરે કહેર વાર્તાવવાનું ચાલુ કરી દીધું છે. આ અઠવાડિયાથી બ્રિટનમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ કેટલાક શહેરોમાં સખત લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે સંક્રમણને નિયંત્રણમાં કરવા માટે વેલ્સ, ગ્રેટર મેનચેસ્ટર, લિવરપૂલ, લંકાશાયર સિટી, સાઉથ યોર્કશાયર અને સ્કોટલેન્ડમાં લોકડાઉન લગાવ્યું છે. અહીં લોકોને ઘરથી બહાર નીકળવાની ના પાડવામાં આવી છે. હેલ્થ વિશેષજ્ઞોનું માનવું છે કે, શિયાળો આવવા પર કોરોના સંક્રમણ વધારે ભયાનક રૂપ લઈ શકે છે. જેની અસર હવે યુરોપમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે.
ફ્રાન્સમાં રાત્રે નવથી સવારે છ સુધી કરફ્યૂ છે
યુરોપમાં હાલમાં 2 લાખ 5 હજાર 809 કોરોના સંક્રમિત સામે આવ્યા હતા. તેમાં સૌથી વધારે ફ્રાન્સમાં 45 હજાર અને બ્રિટનમાં 23 હજાર કેસ સામે આવ્યા છે. યુરોપમાં છેલ્લા એક અઠવાડિયામાં 37 ટકા કોરોનાના કેસોમાં વધારો થયો છે. યુરોપના કેટલાક દેશોમાં કોરોનાની બીજી લહેરને જોતા નવા પ્રતિબંધોને લાગુ કરવામાં આવ્યા છે. બેલ્જિયમે સોમવારથી નવા પ્રતિબંધોને પગલે બધા બાર-રેસ્ટોરન્ટ લગભગ એક મહિના સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તો ઇટલીએ લોકોને ઘરથી બહાર નીકળવા પર માસ્ક અનિવાર્ય કર્યું છે. અહીં 6 વાગ્યા બાદ બાર અને રેસ્ટોરન્ટ બંધ થશે. ફ્રાન્સની વાત કરવામાં આવે તો અહીંના મુખ્ય 9 શહેરોમાં રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ છે. અનાવશ્યક બહાર નીકળવા પર દંડ પણ ભોગવવો પડી શકે છે. જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. તો બ્રિટનના કેટલાક શહેરોમાં ફરી સખત લોકડાઉન લાગૂ કરાયુ છે.