ભારતે ઈમરજન્સી ઉપયોગની પરવાનગી આપ્યા બાદ રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-Vનો પહેલો જથ્થો આજે ભારત પહોંચી ગયો છે. આ પહેલાં ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન વેક્સિન લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, હજી 10થી 12 ટકા લોકોને જ વેક્સિન લાગી છે. અત્યારસુધી 15 કરોડ લોકોએ વેક્સિન ભારતમાં લીધી છે. આ નવો જથ્થો આવતા વેક્સિનેશન પ્રોગ્રામને વેગ મળશે અને કોરોના સામેની લડાઈ વધુ મજબૂત બનશે. સ્પૂતનિક-Vની પ્રથમ બેચ આવવાથી ભારતમાં વેક્સિનેશન ઝડપી બનશે.
ઉલ્લેખનીય છે કે, સ્પૂતનિક-V વેક્સિન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા વિકસિત કરવામાં આવી છે .શરૂઆતમાં આ વેક્સિનની ક્ષમતા સામે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રાયલના ડેટા જ્યારે ધ લાંસેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા, ત્યારે વેક્સિનને સલામત અને અસરકારક ગણાવી હતી. હકીકતમાં, કોવિડ -19 ની રશિયન વેક્સિન ‘સ્પૂતનિક-Vની ત્રીજી તબક્કાની ટ્રાયલમાં તે 91.6 ટકા અસરકારક સાબિત થઈ હતી અને કોઈ આડઅસર પણ જણાઈ ન હતી.
સ્પૂતનિક- V અન્ય વેક્સિનથી કેમ અલગ છે?
રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક- Vએ એસ્ટ્રાઝેનેકાની રસી જેવી જ એક વાયરલ વેક્ટર વેક્સિન છે. પરંતુ અન્ય કોઈ કોરોના વેક્સિનથી વિપરીત સ્પૂતનિક- V વેક્સિનના બંને ડોઝ એકબીજાથી અલગ છે. સ્પૂતનિક- Vના બંને ડોઝમાં વિવિધ વેક્ટરનો ઉપયોગ SARS-CoV-2ના સ્પાઇક પ્રોટીનને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યો છે. જણાવીએ કે SARS-CoV-2 જ કોરોના વાયરસનું કારણ બને છે. વેક્સિનની પ્રકૃતિમાં પણ, સ્પૂતનિક- Vના બે ડોઝનો ઉપયોગ સમાન રસી માટે થાય છે અને તેનો હેતું કોરોના સામે લાંબી સુરક્ષા આપવાનો છે