ઈશુદાન ‘આપ’માં આવ્યા: કેજરીવાલે કહ્યું ગુજરાતમાં અમે નવું મોડલ ઊભું કરીશું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવ્યા અને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ખેડૂતોના મામલે હંમેશા પોતાના ટીવી ચેનલના કાર્યક્રમ મહામંથનમાં લડત આપતા ગુજરાતના પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. કેજરીવાલે ઈશુદાન ગઢવીને આવકારતા કહ્યું હતું કે ઈશુદાન ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે, તેઓ સીધા પ્રજા સાથે કનેક્ટ છે. કોઈ વ્યક્તિ પોતાના કાર્યકાળ દરમિયાન ટોપ પોઝિશન પર હોય અને તે તરછોડીને રાજકારણમાં આવે તે સલામીને પાત્ર છે. બાકી કોઈની કારકિર્દી ખત્મ થઈ હોય, કોઈ કામ ન હોય ત્યારે ઘણાં રાજકારણમાં આવતા જોયા છે.

ગુજરાતનો જ ચહેરો હશે આપનો મુખ્યમંત્રી

અમદાવાદ ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2022માં ગુજરાતની તમામ 182 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતારવાનું વચન આપ્યું હતું. કેજરીવાલે ગુજરાતના એક નવા મૉડલનું વચન આપ્યું હતું અને તેમના કહેવા પ્રમાણે દિલ્હીનું મૉડલ અલગ છે અને ગુજરાતનું એક અલગ મૉડલ હશે. કેજરીવાલના કહેવા પ્રમાણે આપ ગુજરાતના લોકોના મુદ્દાઓ પર રાજકારણ કરશે. વધુમાં જણાવ્યું કે, 2022માં અહીંની જનતાના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે અને ચહેરો પણ અહીંનો જ હશે. 

https://www.facebook.com/isudangadhviofficial

અહીં કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે

કેજરીવાલે ગુજરાતની વર્તમાન સ્થિતિ માટે ભાજપ, કોંગ્રેસ સરકારનું કારસ્તાન જવાબદાર હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીની સરકાર છે, આ 27 વર્ષ કોંગ્રેસ-ભાજપની મિત્રતાની વાર્તા છે. એવું કહેવાય છે કે, કોંગ્રેસ ભાજપના ખીસ્સામાં જ છે અને ભાજપને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમને કોંગ્રેસ સપ્લાય કરે છે.  પ્રજા પાસે વિકલ્પ નથી પણ હવે આપ આવી ગયુ છે. જો દિલ્હીમાં સસ્તી વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં, દિલ્હીમાં સારી સરકારી સ્કૂલો બની શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં. આમ આદમી પાર્ટી પ્રજાની સુખાકારી માટે કામ કરશે. કેજરીવાલે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં કોરોના કાળ દરમિયાન ગુજરાતને અનાથ છોડી દેવામાં આવ્યું, કોરોના કાળમાં ગુજરાતની ખબર પુછવાવાળું કોઈ નહોતું. 

ઉલ્લેખનીય છે કે, 2022ના અંતમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 182 સદસ્યો ધરાવતી ગુજરાત વિધાનસભા પર છેલ્લા 20 વર્ષથી ભાજપનો કબજો છે. હવે આપ પોતાની જગ્યા બનાવવા ઈચ્છે છે.

કેજરીવાલ પર બગડ્યા અર્જુન મોઢવડિયા

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ આ અંગે ટ્વિટ કર્યુ છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે સ્વ.ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, સ્વ.કેશુભાઇ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ના બની શક્યા! દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે? વિકલ્પ કોંગ્રેસ હતો,છે અને રહેવાનો.

Leave a Reply

Translate »