• Tue. Aug 16th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

ગુજરાત હાઈકોર્ટે જે સત્યનિષ્ઠાથી કામ કર્યું છે તેનાથી ન્યાય વ્યવસ્થા, લોકતંત્રને મજબૂતી મળી : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત હાઈકોર્ટની ડાયમંડ જુબલી સમારોહમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા. આ દરમિયાન તેમણે એક સ્મારક પોસ્ટ ટિકિટ ઓનલાઈન જાહેર કરી. વડાપ્રધાને આ દરમિયાન કહ્યું કે, ન્યાયપાલિકાએ હંમેશાથી દેશવાસીઓના અધિકારો અને અંગત સ્વતંત્રતાની રક્ષા કરી છે. અને તેને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે, જેમાં દરેક વ્યક્તિ માટે માત્ર ન્યાયની ગેરંટી નહીં હોય, પણ સમયસર ન્યાય પણ મળશે.

ગુજરાત હાઈકોર્ટના ડાયમંડ જ્યુબિલી પ્રસંગે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટલ સ્ટેમ્પ રજૂ કરી. ઓનલાઈન સંબોધનમાં વડાપ્રધાને દેશમાં ન્યાયતંત્રની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, કોરોના કાળમાં દેશમાં કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા પણ લોકોને ન્યાય આપવાનું ચાલુ રહ્યું હતું જે એક મજબૂત ન્યાયતંત્રનું ઉદહારણ છે. ન્યાયપાલિકા અને તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ બંધારણની ન્યાયશક્તિને વધુ સશક્ત કરશે ત્યારે જ આપણી ‘આત્મનિર્ભર ભારત’ની કલ્પના સાકાર થશે.’

વડાપ્રધાને કહ્યું કે, વિતેલા ઘણા વર્ષોથી ગુજરાત હાઈકોર્ટ અને બારે પોતાની વિદ્વતા અને બૌદ્ધિકતાથી એક વિશિષ્ટ ઓળખ બનાવી છે. ગુજરાત હાઈકોર્ટે સત્ય અને ન્યાય માટે જે પ્રકારની કર્તવ્યનિષ્ઠાથી કામ કર્યું છે. આપણા બંધારણિય કર્તવ્યો માટે જે નિષ્ઠા દેખાડી છે તેનાથી ભારતના ન્યાયતંત્ર તેમજ લોકશાહીને મજબૂત કરવામાં મદદ મળી છે.

પ્રાચીન ગ્રંથોમાં જણાવાયું છે કે સુરાજ્યના મૂળ ન્યાયમાં રહેલા છે. આ જ મંત્રએ આપણા સ્વતંત્રતા સંગ્રામને નૈતિક બળ પુરું પાડ્યું અને આ જ વિચાર આપણા બંધારણ ઘડવૈયાઓએ સૌથી ઉપર રાખ્યું હતું. રૂલ ઓફ લો આપણા દેશનું ગર્વ છે જેનું તમામ દેશવાસીઓને ગર્વ છે.

ન્યાયતંત્ર પ્રતિ ભરોસાથી સામાન્ય વ્યક્તિમાં આત્મવિશ્વાસ જાગ્યો અને દેશની અત્યાર સુધીની યાત્રામાં જ્યારે ન્યાયતંત્રની ચર્ચા કરીએ છીએ ત્યારે બારની ચર્ચા પણ અચૂક કરવામાં આવે છે. બાર અને જ્યુડીશરી ન્યાયના મૂળભૂત ઉદ્દેશોને પૂર્ણ કરે છે.

ન્યાય દરેક ભારતીયનો અધિકાર છે અને જ્યુડીશરી તેમજ સરકાર બન્નેનું દાયિત્વ છે કે તે મળીને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સમયસર ન્યાયની ગેરેંટી આપે. કેન્દ્ર સરકાર પણ સમયસર ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ છે. કપરા સમયમાં પણ આપણે ભારતીયોને ન્યાય ઉપલબ્ધ કરાવ્યો છે. કોરોના મહામારીમાં પણ આપણને આનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, સરકારે કોરોના સામે સમયસર પગલાં લઈને આ અદ્રશ્ય શત્રુ સામે બાંયો ચડાવી હતી ત્યારે બીજીતરફ ગુજરાત હાઈકોર્ટે પણ લોકડાઉનનું કડક પાલન કરાવતા, કેન્દ્રની ગાઈડલાઈનનું અનુકરણ કરવા નિર્દેશ આપીને ઉત્તરમ કામગીરી કરી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહામારીના સમયમાં લાઈવ સ્ટ્રીમિંગ કરીને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે.

દેશમાં 18,000થી વધુ કોર્ટ કમ્પ્યૂટરાઈઝ્ડ થઈ છે. સુર્પીમ કોર્ટ દ્વારા કોર્ટને કેટલીક છૂટછાટ અપાતા ડિજિટલ ચુકાદામાં નોંધપાત્ર વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગથી સૌથી વધુ કેસ ચલાવનાર વિશ્વની ટોચની કોર્ટ બની ગઈ છે.

આ ઓનલાઈન કાર્યક્રમ પર કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા, ગુજરાત એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને બારના સભ્યો ઉપરાંત ગુજરાતના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. 

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published.

Translate »