કેમિકલ, બિયારણ, ઓઇલનો ધંધો સ્થાપવાના બહાને તથા સીમ સ્વેપ સંબંધિત ફ્રોડ વેપારીઓ સાથે વધુ : પોલીસ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૧૮ ઓગષ્ટ ર૦ર૧ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સાયબર ક્રાઇમ અવેરનેસ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોહિલ, ઉમરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. મોદી અને સુરત સાયબર ક્રાઇમના ટેકનીકલ પોલીસ ઇન્સ્પેકટર ચિરાગ શાહ દ્વારા વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા બચાવવા માટે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસે આઇડેન્ટીટી થેફટ, ફોટો મોર્ફિંગ, ફેક એકાઉન્ટ બનાવી ફે્રન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રો પાસેથી નાણાંની માંગણી કરવી અને ફેક લોભામણી જાહેરાતો મોકલીને કરવામાં આવતા સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી હતી. નાણાંકીય છેતરપિંડીના આશરે ર૩ જેટલા પ્રકારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ઓ.ટી.પી. નંબર મેળવી કરવામાં આવતા ફ્રોડ, ઓ.ટી.પી. આપ્યા વગર થતા ફ્રોડ (કાર્ડ કલોનિંગ), લોન ફ્રોડ, નોકરી સંબંધિ ફ્રોડ, લગ્ન માટે ઓનલાઇન જીવનસાથી શોધવા માટે થતા મેટ્રોમોનિયલ ફ્રોડ, ઇન્સ્યોરન્સ ફ્રોડ, ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, લોટરી ફ્રોડ, ફોરેકસ ટ્રેડિંગ, ટિકિટ બુકીંગ ફ્રોડ, ઓએલએકસ ઉપર થતા ફ્રોડ, ફ્રેન્ડશીપ કલબ, પોઇન્ટ રિડિમ્સ, ફ્રેન્ચાઇઝી આપવાના બહાને અને પૈસા ડબલ કરવાના બહાને કરવામાં આવતા ફ્રોડનો સમાવેશ થાય છે.

વીકએન્ડનો લાભ લઈ ચીટર ગેંગ શુક્રવારે બેંક ફ્રોડ કરે છે

સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગ દ્વારા સંબંધિત વેપારીની એકાદ મહિના સુધી રેકી કરવામાં આવે છે. ત્યારબાદ વેપારીના સીમને સ્વેપ કરાવી તેમના નામનું સીમ મેળવી તેમના મોબાઇલ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાંથી નાણાંની ઉચાપત કરવામાં આવે છે. ચીટર ગેંગ મોટા ભાગે શુક્રવારે ગુનો આચરતી હોય છે. આવા કિસ્સામાં અમુક કલાકો સુધી મોબાઇલનું નેટવર્ક જતું રહે છે. વેપારીઓ સોમવાર સુધી રાહ જોતા હોય છે અને તે સમયગાળા દરમ્યાન ગેંગ દ્વારા વેપારીના બેંક એકાઉન્ટમાંથી નાણાંની ઉચાપત કરી ગુનો આચરવામાં આવે છે. આથી જો અડધા કલાક માટે પણ મોબાઇલનું નેટવર્ક જતું રહે તો તુરંત જ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક સાધવા પોલીસે વેપારીઓને અપીલ કરી હતી. પોલીસે વોટ્‌સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ગોપનિયતા સેટીંગ વિશે સમજણ આપી હતી.

વેપારમાં ફસાવાયા છે

વેપારીઓ સાથે મોટા ભાગે કેમિકલ/બિયારણ/ઓઇલ, ઇન્કમ ટેકસ રીફંડ, કસ્ટમર કેર નંબર, સીમ સ્વેપિંગ, કે.વાય.સી. અપડેટ અને ક્રેડીટ કાર્ડ એકટીવેટ સંબંધિત ફ્રોડ વધારે થાય છે. જુદા–જુદા કેમિકલ/બિયારણ/ઓઇલ તથા જુદી–જુદી દવાઓના વેચાણનો ધંધો સ્થાપવાના બહાને માલના એડવાન્સમાં રૂપિયા પડાવીને માલ નહીં મોકલી નાણાંકીય છેતરપિંડી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ સાથે રૂપિયા પ૦ લાખથી લઇને રૂપિયા ૧ કરોડ સુધીના ફ્રોડ થાય છે. રેન્સમવેર ફ્રોડમાં વેપારીઓના કોમ્પ્યુટરમાં રહેલી ફાઇલોને એન્ક્રીપ્ટ કરીને સિસ્ટમને એક સોફટવેરને માધ્યમથી બ્લોક કરી દેવામાં આવે છે. ત્યારબાદ સિસ્ટમને ચાલુ કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવે છે. આવા પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બનવાથી બચવા માટે પોલીસે ઇ–મેઇલમાં અજાણ્યા સ્તોત્ર તરફથી મોકલવામાં આવતી લીન્ક ઉપર કલીક કરવું ન જોઇએ. કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા ન હોવ ત્યારે ઇન્ટરનેટનું જોડાણ કાઢીને રાખવાની સલાહ આપી હતી.

  • પોલીસે વેપારીઓને સાયબર ક્રાઇમનો ભોગ બનવાથી બચવા માટે મહત્વની ટિપ્સ આપી હતી.
  • – કોઇપણ પાસવર્ડ મજબુત રાખવો અને કોઇની પણ સાથે શેર કરવો નહીં
  • – કોઇની સાથે ઓટીપી/પીન/સીવીવી શેર કરવો નહીં
  • – બેંકનો કસ્ટમર કેર નંબર મોબાઇલ ફોનમાં સેવ કરી રાખવો
  • – પૈસા મેળવવા માટે યુપીઆઇ પીન આપવો નહીં અને કયૂઆર કોડ સ્કેન કરવો નહીં
  • – લોટરી જિત્યાના આવકવેરા રીફંડ માટે આવતા એસએમએસના જવાબ આપવો નહીં
  • – જાહેર વાઇ–ફાઇનો ઉપયોગ કરતી વખતે કયારેય કોઇપણ બેન્કીંગ વ્યવહાર કરવો નહીં
  • – મોબાઇલ નંબર હમેશા બેંકની સાથે લીંક કરવો
  • – અજાણ્યા લોકો સાથે વ્યકિતગત માહિતી શેર કરવી નહીં
  • – સમજી વિચારીને જ ઓનલાઇન પોસ્ટ કરવી
  • – ઓનલાઇન અયોગ્ય દેખાય તો તુરંત પુખ્ત વ્યકિતને અથવા પોલીસનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરવો
  • – નુકસાન ભોગવવું ન પડે તે માટે અજાણ્યા વ્યકિતઓ સાથે વાન્ીત કે ચેટીંગ કરવી નહીં
  • – અજાણ્યા લોકો તરફથી આવતી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી નહીં
  • – અજાણ્યા અથવા જાણીતા વ્યકિત સાથે અંગત ફોટા શેર કરવા નહીં
  • – દરેક એકટીવિટીને સોશિયલ મિડિયા ઉપર જાહેર કરવી નહીં
  • – સોશિયલ મિડિયા એકાઉન્ટમાં ટુ સ્ટેપ વેરીફિકેશન એકટીવેટ રાખવું

દેશના નાગરિકોને ‘સાયબર સંજીવની’માં જોડાવવા પોલીસની અપીલ
સુરત પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ દેશભરમાં પ્રથમ વખત સુરત શહેર પોલીસ દ્વારા સાયબર સુરક્ષા સેતુના સહયોગથી ઓનલાઇન સલામતિ અને ડિજીટલ વેલનેસ માટે ‘સાયબર સંજીવની’ નામથી એક પહેલ કરવામાં આવી છે. જેમાં દેશના તમામ નાગરિકોને જોડાવવા માટે પોલીસે અપીલ કરી છે. આ પહેલના ભાગ રૂપે સાયબર અવેરનેસ કવીઝ અંતર્ગત કુલ ૩૦ પ્રશ્નોના જવાબ ર૦ મિનિટમાં આપવાના છે. કવીઝમાં ભાગ લેવાથી વાસ્તવિક અને ડિજીટલ દુનિયામાં સલામત રહેવા માટે જાગૃતતા આવશે. ફલાઇંગ કલર્સ એક ડ્રોઇંગ સ્પર્ધા છે, જે સ્પર્ધાનો ઉદ્દેશ્ય સાયબર સંબંધિત મેસેજની ટેગલાઇન સાથેના ડ્રોઇંગ, સ્કેચ, ચિત્ર અથવા પોસ્ટર બનાવી નાગરિકોમાં લાગૃતતા લાવવાનો છે.

મહિલાઓ અને બાળકોની સલામતિ સાયબરસ્પેસમાં વધારવા માટે ‘સાયબર ફર્સ્ટ વુમન એન્ડ ચિલ્ડ્રન’ વિડિયો વેબિનારનું આયોજન કરવામાં આવે છે. કંપનીઓ અને વ્યાપારી સંસ્થાઓને સંભવિત સાયબર હુમલાઓ અને ધમકીથી સુરક્ષિત રાખવા માટે પોલીસે ઓનલાઇન વિડિયો વર્કશોપ ‘સિકયોર વન’નું આયોજન કરવામાં આવે છે. ‘સિકયોર વન’વર્કશોપ વેપારી મિત્રોને સાયબર એટેક, રેન્સમવેરથી પોતાની સંસ્થાઓને સલામત રાખવામાં મદદ કરશે અને બિઝનેસ ફોરમમાં અસર કરતી બીજી ઘણી બાબતો વિશે માહિતગાર કરવામાં મદદરૂપ થશે. સેમિનારમાં પોલીસે શોધી કાઢેલા વિવિધ ગુનાઓ વિશે માહિતી આપી હતી.

આ સેમિનારમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય બશીર મન્સુરીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. સેમિનારના અંતે ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Leave a Reply

Translate »