- સ્ટોરી: રાજા શેખ- 98980 34910
સુરત મહાનગર પાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને તેના નિકાલની વ્યવસ્થા તો ગોઠવી દીધી અને તે માટે આઠ ઝોનમાં ટ્રાન્સફર સેન્ટર ખોલીને સુકો-ભીનો કચરો અલગ કરીને ખજોદ ડિસ્પોઝલ સાઈડ પર પહોંચાડવાનું કામ શરૂ કર્યું. સાથોસાથ પ્લાસ્ટિક વેસ્ટનો અલગથી નિકાલ કરવા આખુ માળખુ ગોઠવવામાં આવ્યું અને તે માટે ઇકોવિઝન એન્વાયરમેન્ટલ રિસોર્સિસ એલએલપીને નહીં નુકશાન નહીં નફાના ધોરણે 20 વર્ષ માટે કામ સોંપ્યું પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ એજન્સીની કામગીરીથી ખુદ મહાનગર પાલિકા જ સંતુષ્ટ નથી. બ્લેક લિસ્ટ કરવા સહિતની દસ-દસ નોટીસો બાદ પણ આ એજન્સી સુધરી ન હોવાનું સામે આવેલી હકિકતો પરથી ફલિત થઈ રહ્યું છે. જોકે, તેની પાછળ કોઈ મોટા અધિકારીનું તેમજ રાજકીય પીઠબળ હોવાની ચર્ચાઓ છેડાઈ છે ત્યારે વધુ કેટલાક પુરાવાઓરૂપ વીડીયો જાહેર જનતા તરફથી અમને મોકલવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ઉઘરાવાતા કચરામાંથી પ્લાસ્ટિક વેસ્ટ જુદુ પડાવી તેના ગોડાઉનોના ગોડાઉનો ભરવામાં આવી રહ્યાં છે અને તે પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસ કરી તેના દાણા બનાવી વેચવા કરતા અડધા ઉપરનો પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય ભંગાર બારોબાર વેચી મરાતો હોવાની બૂમ ઉઠી છે. વીડીયોમાં જણાય છે કે, કેટલાક મળતિયા કબાડીઓ આ જથ્થાબંધ સ્ટોક ખરીદી લઈ ઓપન માર્કેટમાં વેચી રહ્યાં છે. અન્ય પ્રદેશોમાં પણ આ પ્લાસ્ટિક વેસ્ટ મોકલી અપાતો હોવાનું કહેવાય રહ્યું છે.
શહેરના જાગૃત નાગરિકો દ્વારા અમને મોકલવામાં આવેલો વીડીયો …………………….
એજન્સી મનપાની આંખોમાં ધૂળ નાંખીને પોતાના ખિસ્સા ભરતું હોવાનું અમને લોકો દ્વારા મોકલવામાં આવેલા અનેક વીડીયો થકી ફલિત થઈ રહ્યું છે. કેટલાક ગેરકાયદે ગોડાઉનો પણ વિના ફાયર સેફ્ટીએ ખોલી નાંખવામાં આવ્યા હોવાનું વીડીયોમાં જણાય રહ્યું છે. પ્લાસ્ટિક વેસ્ટ મામલે મનપાના સેન્ટ્રલ ઝોન, પશ્ચિમ ઝોન, વરાછા ઝોન અને અઠવા ઝોનની કામગીરી સંતોષકારક ન હોવાનું પાલિકાના સૂત્રો જણાવી રહ્યાં છે. આમતો દરેક ઝોનમાં લોચાલબાચા ચાલી રહ્યાં હોવાનું કહેવાય છે.
મનપાનું આરોગ્ય વિભાગ અને તેનું સોલિડ વેસ્ટ વિભાગ બ્લેકલિસ્ટ કરવા સુધીની નોટીસો આપ્યા બાદ પણ શા માટે આવી એજન્સીઓને છાવરી રહી છે તે એક મોટો સવાલ છે. જે સીધી રીતે વર્ષોથી કંઈક રંધાઈ રહ્યું હોવા તરફ ઈશારો કરે છે.
જો ખરેખર, સિરિયલી શહેરને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે વધુ સક્ષમ બનાવવું હોય, સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવું હોય અને ફરી નંબર વનની પોઝિશન હાંસલ કરવી હોય તો મનપા કમિશનર અને શાસકો હવે આ મુદ્દે કોઈ ઠોસ કદમ ઉઠાવે તે જરૂરી છે.
પ્લાસ્ટિક દાણાં પણ પ્રોપર બનતા ન હોવાથી રિટર્ન થઈ રહ્યાં હોવાની ચર્ચા
સુરત મહાનગર પાલિકાના અંતરંગ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી અગાઉ દાણાં બનાવાયા હતા તે એક મોટી કંપનીમાં સેમ્પલ તરીકે મોકલવામાં આવ્યા હતા પરંતુ ત્યાં રિજેક્ટ થયા હોવાની ચર્ચા બહાર આવી હતી. બીજું કે કેટલીક કંપનીના પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને ફરીથી તેને બાય-બેક કરવાની સ્કીમ પણ અમલમાં મુકવાની હોય છે પરંતુ તેના પર પણ મહાપાલિકા આ એજન્સી મારફત બહુ આગળ વધી ન હોવાનું જાણવા મળ્યું છે.
પાર્ટ-8