સમગ્ર દેશમાં કોરોનાની બીજા ચક્રમાં શહેરની સાથોસાથ ગામડાઓમાં પણ હાહાકાર મચાવ્યો છે. સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યા છે. હોસ્પિટલમાં બેડ ખુટી પડવા, ઓક્સિજનની અછત, સ્મશાનમાં જગ્યાનો અભાવ સહિતના અનેક મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા. દેશમાં સૌથી વધુ કોરોનાનું સંકટ શરૂઆતથી જ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. જેથી, હવે કોરોનાનાં સંક્રમણને નાથવા ઉદ્ધવ ઠાકરે સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં “કોરોના મુક્ત ગામ” સ્પર્ધા હેઠળ પ્રથમ ઇનામ 50 લાખ રૂપિયા, બીજું 25 લાખ રૂપિયા અને ત્રીજું 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ત્રણ ગ્રામ પંચાયતો કે જેમણે તેના દરેક મહેસૂલ ક્ષેત્રોમાંથી કોવિડ-19 મેનેજમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે તેમની પસંદગી કરવામાં આવશે અને તેમને ઈનામ સહિત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે,મુખ્યંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે કેટલાક ગામોની પ્રશંસા કરી હતી.
રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશર્રફે મીડીયાને જણાવ્યું હતું કે ‘કોરોના મુક્ત ગામ’ સ્પર્ધા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી પહેલનો જ એક ભાગ છે. આ સ્પર્ધા અંતર્ગત ત્રણ ગ્રામ પંચાયતોને ઇનામ આપવામાં આવશે, જેમણે દરેક મહેસૂલ ક્ષેત્રોમાંથી કોવિડ-19 મેનેજમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હશે તેની પસંદગી કરવામાં આવશે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં બુધવારે 15,169 નવા કોરોનાનાં કેસ નોંધાતા હવે રાજ્યમાં(State) કોરોનાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 57,76,184 થઈ હતી.