સુરત: મુગલીસરા રોડ પર 21 નવેમ્બરના રોજ રાત્રિના સુમારે બે મોપેડ સવાર યુવાને આગળ મોપેડ પર જતા શાહપોર મદિના મસ્જિદ પાસે રહેતા અધેડ શફીભાઈ શેખ (60 વર્ષ્)ને પાછળથી ટક્કર મારતા ફગોળી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજા બાદ તેઓને સ્થાનિકોની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યા મગજનું ઓપરેશન થયા બાદ 10 દિવસ બાદ તેમનું આજે સવારે લોખાત હોસ્પિટલમાં અવસાન થયું હતું. પરિવારજનોએ આ અકસ્માત સંબંધિત સીસીટીવી ફુટેજ લાલગેટ પોલીસને સુપરત કરીને ફરિયાદ આપી હતી. જોકે, પોલીસની શોધખોળમાં હજી સુધી આ બે યુવાનો પકડાયા નથી! મરણ જનાર શફીભાઈના પુત્ર નદીમે પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે, તા.21 નવેમ્બરના રોજ રાત્રિના સવાઆઠેક વાગ્યાના અરસામાં તેમના પિતા શફી શેખ પોતાની એક્ટિવા મોપેડ (નં. જીજે-5- ઈયુ-5234)પર સવાર થઈને ચોકબજારથી પોતાના ઘર તરફ આવી રહ્યાં હતા ત્યારે મુગલીસરા મેઈન રોડ પર લિબર્ટી હોઝિયરીની દુકાનની સામેના ભાગમાં પાછળથી ફૂલસ્પીડે આવતા બે મોપેડ સવાર યુવાનોએ તેમની મોપેડને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે શફીભાઈ મોપેડ સાથે સામે તરફ પટકાયા હતા. સામેથી આવતી રીક્ષાચાલકે શોર્ટ બ્રેક મારી હતી જેથી, શફીભાઈ સાઈડના ભાગમાં અથડાયને રોડ પર પડ્યા હતા. આ બે મોપેડ સવાર યુવાનો પણ તેમના પર પટકાયા હતા. લોકો ભેગા થાય તે પહેલા આ બે યુવાનો મોપેડ ઉઠાવીને તુરંત તેના પર બેસીને ફરાર થઈ ગયા હતા. આ આખી ઘટનાના બે સીસીટીવી ફૂટેજ પરિવારજનોએ દુકાનોમાંથી કઢાવીને લાલગેટ પોલીસને સુપરત કરી ફરિયાદ આપી હતી. આ આખા વિસ્તારમાં ચોકબજારથી લઈને હોડી બંગલા સુધી કપડા બજાર આવેલું છે અને અહીં ઠેરઠેર સીસીટીવી લાગ્યા છે. છતા મોપેડ નંબરની ઓળખ પોલીસે કરી નથી અને 11માં દિવસે પણ અકસ્માત સર્જનાર બે મોપેડ સવાર યુવકો પોલીસ પકડથી દૂર છે!
સીસીટીવી: સુરતમાં મોપેડ સવાર બે યુવાનોએ આધેડને ઉડાવતા મોત, આરોપી હજી પોલીસ પકડથી દૂર!
