નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ, બ્લપ્રેશરની બિમારી ધરાવતા ૫૫ વર્ષીય કોરોનાગ્રસ્ત મંજુબેન પટેલે ૧૨ દિવસની સારવારમાં કોરોના સાથે અન્ય બે બીમારીની પણ સમયસર દવા લઈ કોરોનામુક્ત બની સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
મૂળ જંબુસરના વતની મંજુબેન પટેલ હાલ સુરતના પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. કોરોના મુક્ત થતા ખુશીથી જણાવે છે કે, છેલ્લાં ચાર પાંચ વર્ષથી ડાયાબિટીસ, બ્લપ્રેશરની બિમાર હોવાથી નિયમિત પણે દવા લઉ છું. એવામાં કોરોનાના આંશિક લક્ષણો જણાતાં ૧૦૮ને ફોન કરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તબીબોની સારવાર થકી નવજીવન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા મેડિસિન વિભાગના રેસીડેન્ટ ડો.રિયા પટેલે જણાવ્યું કે, ૬ ઓક્ટોબરના રોજ ૫૫ વર્ષીય મંજુબેન પટેલ દાખલ થયા ત્યારે ઓક્સિજન લેવલ ઘટીને ૫૦ થી ૬૦ ટકા જેટલું હતું. જેથી એમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરી ચાર દિવસ બાયપેપ રાખ્યા. તબિયતમાં સુધારો થતાં ૧૫ લીટર એન.આર.બી.એમ ઓક્સિજન માસ્ક પર છ દિવસ રાખવામાં આવ્યા. બે દિવસ નોર્મલ રૂમ એર મોનિટરીંગ હેઠળ રાખવામાં આવ્યા. સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર અને હાલ કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા ડો. વિતાન પટેલ વધુમાં જણાવ્યું કે, ‘મંજુબેન ની સારવાર દરમિયાન એક વાર પ્લાઝમાનું સફળ ટ્રાન્સફ્યુઝન’ પણ કરવામાં આવ્યું હતું. અન્ય બિમારી ધરાવતા દર્દીઓની સારવારમાં ખાસ તકેદારી લેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમ દિવસ-રાત એક કરીને અનેક દર્દીઓને સ્વસ્થ કરવામાં સફળ રહ્યા છે.