મનપા કમિશનરે કહ્યું કે આટલી કાળજી લેશાે તાે કાેરાેના વાયરસ તમારાથી દૂર રહેશે

કોરોના સામે રક્ષણ મેળવવા સુરતવાસીઓને મ્યુ. કમિશનરનો પંચામૃત સંદેશ આપ્યાે

 સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સુરતમાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે પાંચ બાબતોનો પંચામૃત સંદેશ આપી શહેરીજનોને તકેદારી તથા સાવચેતીના પગલાં અનુસરવાની અપીલ કરી હતી.  કમિશનરએ  જણાવ્યું કે, સૌપ્રથમ આપણે વેન્ટીલેશનમાં રહેવું. બંધિયાર તથા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. હવા-ઉજાસ પર્યાપ્ત માત્રામાં અવરજવર થવાના કારણે વાઈરસના સંક્રમણનું પ્રમાણ ઘટે છે, તેથી વેન્ટીલેશન હોવું ખુબ જરૂરી છે. બીજી બાબતમાં લગ્નગાળાના આ સમયમાં સાવચેત રહેવા અને માસ્કનો ઉપયોગ અચૂકપણે  કરવા તેમણે જણાવ્યું હતું. ત્રીજી અને મહત્વની બાબતમાં કોમોર્બિડ અને વયોવૃદ્ધ વ્યક્તિઓએ હાલના સમયમાં ખાસ સારસંભાળ રાખવી અને જરૂર વગર બહાર ન નીકળવા વિનંતી કરી હતી. તેમજ ચોથી કાળજી લેવાની બાબતમાં  પાનીએ જે દુકાનો અને સંસ્થાઓમાં લોકો માસ્ક પહેરતા નથી ત્યાં ‘નો માસ્ક, નો એન્ટ્રી’ના નિયમને સઘન બનાવવા કહ્યું હતું.

આ ઉપરાંત, વતનથી પરત ફરતા તમામ લોકોએ પોતાનું ટેસ્ટીંગ કરાવવું અને બે થી ત્રણ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું મોનીટરીંગ કરવા, જો કોઈ બિમારીના લક્ષણો જણાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ચેકઅપ અવશ્ય કરાવવાની પાંચમી તકેદારી મ્યુ.કમિશનરે જણાવી તેનો અમલ કરવાં પર ભાર મૂક્યો હતો.

મેયર ડો. જગદીશ પટેલે સુરતની વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ મેયર ડો. જગદીશ પટેલ અને મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ સુરતની વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે કોવિડ સંક્રમણના નિયંત્રણ અંગે બેઠક યોજી હતી. જેમાં ઉદ્યોગકારો સાથે વિચાર વિમર્શ કરી તેમના સૂચનો લીધા હતાં.  આ બેઠકમાં કોરોના નિયંત્રણ, સ્મીમેર અને સિવિલમાં ઉપલબ્ધ સારવાર, લોકો તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં કારીગર વર્ગને કોરોના સામે સાવધ રહેવા માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટેના જરૂરી સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. અને ઇન્ડસ્ટ્રીઝમાં શક્ય તેટલું કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે તંત્ર અને ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓના સહિયારા પ્રયાસો અંગે રણનીતિ ઘડવામાં આવી હતી.સુરત મહાનગરમાં કોરોનાના વધતા જતા કેસોની સ્થિતિને ધ્યાને રાખી તેને સુસંગત કોવિડ-૧૯ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પરસ્પર સૂચનોનું આદાનપ્રદાન કરાયું હતું.

Leave a Reply

Translate »