સુરત જિલ્લામાં 297780 લોકોને મુકાશે કોરોના રસી, 16મી માટે ટીમ તૈયાર

તા.૧૬મીથી સુરત જિલ્લો કોરોના સામેના જંગમાં રસીકરણ અભિયાન માટે સજ્જ બન્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ વિસ્તારમાં તબક્કાવાર રસીકરણ હાથ ધરવામાં આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે રસીકરણની વિગતો આપતાં જણાવ્યું કે, સુરત જિલ્લામાં ‘ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર કોવિડ-૧૯ વેક્સિનેશન’નું ગઠન કરીને કોલ્ડ ચેઈન અંતર્ગત 74 ડીપ ફ્રિજ, 79 કોલ્ડ બોક્ષ તથા 2197વેક્સિન કેરિયર ઉપલબ્ધ છે. જિલ્લામાં 1316 વેક્સીનેશન સેશન સાઈટ બનાવવામાં આવી છે. જિલ્લામાં કુલ 104 સરકારી સંસ્થા તથા 619 ખાનગી આરોગ્ય સંસ્થાઓને આવરી લેવામાં આવી છે. કુલ 431 જેટલા વેક્સીનેટર તેમજ કુલ 10024 હેલ્થ વર્કર્સની ડેટા એન્ટ્રી ઓનલાઈન પોર્ટલમાં અપલોડ કરવામાં આવી છે. જેમાં ૬૮૬૧ સરકારી તથા ૩૧૬૩ ખાનગી સંસ્થાના હેલ્થ કેર વર્કરોનો સમાવેશ થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ તમામ આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કરાયા છે.
ડો.ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, 50 વર્ષથી વધુ ઉંમરવાળા તમામ નાગરિકોની સર્વે કરીને યાદી બનાવવામાં આવી છે, જેમાં અંદાજિત 146188 પુરુષ અને 151592 મહિલાઓ મળીને 297780 જેટલા નાગરિકો નોંધાયા છે. વધુમાં 50 વર્ષથી ઓછી ઉંમરવાળા પરંતુ કોમોર્બિડિટીવાળા અંદાજિત 7313 પુરૂષ અને 6884 મહિલાઓ મળી કુલ 14057 નાગરિકોની પણ નોંધણી કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં 16793 ફ્રન્ટલાઈન વર્કરોની યાદી બનાવવામાં આવી છે. તા.૧૬મી જાન્યુ.થી શરૂ થનાર રસીકરણ અભિયાનમાં 07 સેશન સાઈટ નક્કી કરાઈ છે. જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ-માંડવી, બારડોલી, મહુવા, માંગરોળના ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રા.આ. કેન્દ્ર મોહિણી, નવી પારડી, સાંધિયેરનો સમાવેશ થાય છે. એક સેશન સાઇટમાં કુલ 100 હે૯થકેર વર્કરને રસી આપવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં કુલ 700 હેલ્થકેર વર્કરોને કોરોના મહામારી સામે રક્ષણ આપતી રસી આપવામાં આવશે.

Leave a Reply

Translate »