રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાના પગલે સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે અને તેઓએ સુરતની 800 જેટલી નાની-મોટી હોસ્પિટલોનો સર્વે શરૂ કરી નોટિસો ફટકારવાનું શરૂ કર્યું છે. ફાયર વિભાગની ટીમે ટેક્નીકલ સ્ટાફને સાથે રાખીને વિવિધ હોસ્પિટલોમાં વાયરિંગ અંગે ચેકીંગ કર્યું હતું. જોકે, આ તપાસમાં માત્ર 111 હોસ્પિટલ પાસે જ ફાયરની એનઓસી હોવાનું સામે આવ્યું છે. પરિણામે બાકીની હોસ્પિટલોને ફાયર સેફ્ટી પ્રોપર રીતે ઊભી કરવા માટે નોટિસો આપી છે. જોકે, આ પહેલા તક્ષશીલ અગ્નિકાંડમાં 22 લોકોના મોતને પગલે પુરા દેશમાં ફિટકાર વરસ્યો હતો તે સમયે સુરત મનપા એક્શનમાં આવ્યું હતું અને વધારાનું એલિવેશન , દબાણ દૂર કરવા અને ફાયર સેફ્ટી અંગે નોટિસોનો મહિનાઓ સુધી સીલસીલો શરૂ કર્યો હતો પરંતુ આજની તપાસ બાદ લાગી રહ્યું છે કે તે કામગીરી યોગ્ય રીતે થઈ હોવી ન જોઈએ. ચોક્કસ સેગમેન્ટ ફાયર વિભાગ ચુકી ગયું હોવાનું માલૂમ પડી રહ્યું છે. હવે આગ લાગી ત્યારે કૂવો ખોદવા જેવી બાબતમાં સુરત ફાયર વિભાગ તપાસાર્થે મેદાનમાં ઉતર્યું છે અને કેટલીક હોસ્પિટલોમાં એસીના કારણે પાવર લોડ વધુ હોવાનું સામે આવતા નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે. હોસ્પિટલોમાં ગ્લાસ, ફાયરબરના એલિવેશનને હટાવવા સૂચના આપવામાં આવી છે. આ કાર્યવાહીમાં શહેરી વિકાસ વિભાગને પણ સામેલ કરવામાં આવ્યો છે.