મહુવા તાલુકાના નિવૃત્ત શિક્ષક ધીરૂભાઈ પટેલએ ફૂલોની સુગંધીદાર ખેતી કરીને અન્યોને નવો રાહ ચીંધ્યો, સુરત જિલ્લામાં ૪૧૫ હેકટરમાં બાગાયતી ફુલોની ખેતી
જન્મથી મરણ દરેક સારા નરસા પ્રસંગોએ ફુલોની માંગ રહે છે. ઇશ્વરની આરાધના કે સ્ત્રીનો શુંગાર હોય, ફુલોની સુગંધ વગર અધુરૂ લાગે. આપણા શાસ્ત્રોમાં પણ ફુલોની ભવ્યતાનો ઇતિહાસ વર્ણવ્યો છે. સરકારની સહાય વડે હવે ખેડૂતો બાગાયતી ફુલોની ખેતી તરફ વળ્યા છે. ફુલોને સીધા બજાર કે વેપારીને વેચાણ કરવામાં આવે તો ભાવ ઓછો મળે પણ જો તેનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો નફો બે થી ત્રણ ગણો વધી જાય છે. સામાન્ય ખેતીની તુલનાએ વધુ વળતર આપતા રોકડીયા પાકમાં આવતાં ફ્લોરીકલ્ચર એટલે કે ફૂલોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. માત્ર ૧૫ ગુંઠા જમીનમાં વિવિધ ફુલપાકની સુગંધીદાર ખેતી કરી તેના મૂલ્યવર્ધનથી નિવૃત્ત શિક્ષક એવા ધીરૂભાઈ એન.પટેલ લાખોની કમાણી કરી રહ્યા છે.
વાત છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના બામણીયા ગામના પ્રગતિશીલ ખેડુત એવા ધીરૂભાઈ પટેલની. શૈક્ષણિક કાર્યમાં લાબી મંઝિલ તય કરી ૨૦૧૪માં નિવૃત થયા બાદ ફુલોની મૂલ્યવર્ધિત ખેતી કરી લાખોની આવક મેળવવા સાથે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
સુરત બાગાયત કચેરી દ્વારા ધીરૂભાઇને એક હજાર ચો.મી. માં ગ્રીનહાઉસ માટે ૭૫ ટકા મુજબ રૂા.૯.૩પ લાખ અને ગ્રીનહાઉસ જરબેરા વાવેતર માટે રૂા.૭૫ ટકા મુજબ રૂા.૧.૮૦ લાખની સહાય આપવામાં આવી હોવાનું નાયબ બાગાયત અધિકારી શ્રી પડાલીયા દ્વારા જણાવાયું છે. સુરત જિલ્લામાં ૪૧૫ હેકટર અને મહુવા તાલુકામાં ૮૬ હેકટર વિસ્તારમાં બાગાયતી ફુલોની ખેતી થાય છે.
ધીરૂભાઈ કહે છે કે, મને પહેલાથી જ ફુલો સાથે અનોખો લગાવ રહ્યો છે. બાળકોને અભ્યાસ કરાવવામાં જીંદગી ખર્ચી છે. શરૂઆતના ૧૯૯૮ પછી ઘરઆંગણે શોખ ખાતર ગલગોટા, ગુલાબ, ગિલાડીયા જેવા ફુલો વાવતા. વધારાના ફુલોને નજીકના કરચેલીયા, અનાવલની બજારોમાં વેપારીઓ, માળીઓને વેચાણ કરતા હતા. પણ તેમાં ભાવ ઓછો મળતો હતો. ૨૦૧૪માં નિવૃત્ત થયા બાદ પ્રેરણા મળી કે, જે ફુલો આપણે માળીને રૂા.૨૦ના કિલોના ભાવે વેચીએ તે ફુલ માળીઓ હાર કે બુકે બનાવીને રૂા.૫૦ થી ૬૦માં વેચાણ કરે છે. જેથી મારા પુત્ર તેજસ સાથે માળી પાસેથી તાલીમ લઈ નાના પાયા પર ફુલોની ચીજવસ્તુઓ બનાવીને વેચાણ કરવાની શરૂઆત કરી. ધીમે ધીમે માંગ વધવાથી ઘરઆંગણે જ દુકાન શરૂ કરીને લગ્ન કે અન્ય સારા નરસા પ્રસંગોએ નાના-મોટા ઓર્ડરો લઈને હાર, ગજરા, કલગી, તોરણ, બુકે, કાર્યક્રમોમાં સ્ટેજ શણગારના ઓર્ડર લઈને કામ કરીએ છીએ.
ધીરૂભાઈએ આત્મા પ્રોજેકટ તથા અન્ય તાલીમ કાર્યક્રમોમાં આણંદ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નારાયણ ગાંવ(પુના), બેંગ્લોર, રાષ્ટ્રીયકક્ષાના બાગાયતી શિખર સંમેલનોમાં પણ ભાગ લઈ ફ્લોરીકલ્ચર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન તાલીમ મેળવી છે. ધીરૂભાઈ કહે છે કે, ‘ઘરે ધંધો શરૂ કર્યો પણ ઝરબેરા, ગુલાબ જેવા ફુલો બજારમાંથી લાવવા પડતા જેથી ૧૦ ગુંઠા જમીનમાં ગ્રીનહાઉસ બનાવીને જરબેરાનું ઉત્પાદન કરૂ છું. ગ્રીનહાઉસ દ્વારા અંદરના નિયંત્રિત વાતાવરણના કારણે સારી ગુણવત્તાવાળા જીવાતમુક્ત ફુલો મેળવી શકાય છે. અન્ય બીજી પાંચેક ગુંઠા જમીનમાં ગુલાબ, સ્પાઈડર લીલી, અશ્વગંધા, ડચ રોઝ જેવા ૧૩ થી ૧૪ જાતના વિવિધ ફુલપાકો તથા પુજાના સામાન માટે ઉપયોગમાં લેવાતા નાગરવેલના પાન, બિલીપત્ર, તુલસી, આસોપાલવ, બીજોરૂનું પણ ઉત્પાદન કરીને જાતે જ માર્કેટીંગ કરીને વર્ષે રૂા.૩.૭૦ લાખની ચોખ્ખી આવક મળે છે. તહેવારો અને લગ્નસરામાં ફૂલોનું વેચાણ પણ સારું હોય છે. તમામ ફુલપાકોમાં પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે માટે ડ્રીપ ઈરિગેશનનો ઉપયોગ કરીએ છીએ’ એમ તેઓ ઉમેરે છે.
ધીરૂભાઈને ફલોરિકલ્ચર સિધ્ધિ બદલ વર્ષ ૨૦૧૬-૧૭ના વર્ષમાં રાજ્ય સરકારના આત્મા પ્રોજેકટ હેઠળ મૂલ્યવર્ધિત ખેતીનો તાલુકાકક્ષાનો રૂા.૧૦ હજારનો પુરસ્કાર પણ મળ્યો છે. આ ઉપરાંત ધીરૂભાઈને ગ્રીનહાઉસમાં વિવિધ વેરાયટીના ગુલાબ, જરબેરાની વિવિધ વેરાયટીના ફલાવર્સનું સફળ ઉત્પાદન કરીને જાતે જ માર્કેટીગ કરીને પાંચ જેટલા યુવાનોને રોજગારી પુરી પાડવા બદલ રાષ્ટ્રીયકક્ષાનો એગ્રીકલ્ચર એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
નવતર ખેતી અને ખેતીમાં કંઈક નવું કરવાં માટે હંમેશા ઉત્સુક પ્રયોગશીલ ખેડૂત ધીરૂભાઈ જણાવે છે કે, મારે ત્યાં કામ કરીને તાલીમ લઈ ત્રણથી ચાર યુવાનો જાતે ફુલોની ખેતી કરીને ડેકોરેશન કાર્ય શીખ્યા છે અને જાતે વ્યવસાય કરીને રોજગારી મેળવતા થયા છે. આમ ટુંકી જમીનમાં ફુલોના વાવેતર, ઉત્પાદન અને મૂલ્યવર્ધન કરનાર ધીરૂભાઈએ ખેતપેદાશોનું ઘરઆંગણે જ વેચાણ કરીને અન્ય ખેડૂતોને પણ મૂલ્યવર્ધન કરવાની પ્રેરણા પુરી પાડી છે.
ખેડુતોને ખેતીમાં પાયાની જાણકારી આપતા તેઓ કહે છે કે, ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તન અને સરકારના પ્રોત્સાહનના કારણે સાહસિક અને પ્રગતિશીલ ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા છે. તેમણે ફ્લોરીકલ્ચરમાં જમીન-પાણીની સમયસર ચકાસણી, પાકની પસંદગી, લાબા-ટુંકા ગાળાના પાકો, ખાતર, દવા, બ્રાન્ડેડ કંપનીના બીજોની ખરીદી જેવી બાબતોની તકેદારી લેવાનો ખેડુતોને અનુરોધ કર્યો હતો.
બાગાયત ખાતુ ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા વાવેતર વિસ્તારમાં સહાય આપે છે. પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને હેકટર દીઠ રૂ.૧૬,૦૦૦ ની અને મોટા ખેડૂતોને હેકટર દીઠ રૂ.૧૦,૦૦૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. તેની વિગતવાર જાણકારી બાગાયત ખાતા પાસેથી મેળવીને આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી લાભ લઈ શકાય છે.