વિદેશી કારના ટેક્સ મામલે આરટીઓમાં ગાંધીનગરથી ટીમ આ‌વતા સન્નાટો

ેહંમેશા ધમધમતી રહેતી સુરત આરટીઓમાં આજે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસથી પાંચ સભ્યોની ટીમ પંડ્યા સાહેબની અધ્યક્ષતામાં તપાઆસાર્થે આવતા કચેરીમાં સન્નાટો છવાયો હતો. પાંચ પૈકી ટીમના ત્રણ સભ્યોએ સુરત આરટીઓમાં તપાસ કરી હતી જ્યારે બે સભ્યો માસમા ફિટનેસ સેન્ટરની વિઝિટ મારી આ‌વ્યા હતા. સુરત આરટીઓમાં આમ તો ઉપરાઉપરી થયેલી કેટલીક નનામી અરજીઓની તપાસાર્થે ટીમ આવી હોવાની ચર્ચા છેડાય હતી. જોકે, આ ટીમ વિદેશી કારના ટેક્સ મામલે વાહનધારકે કરેલી ફરિયાદના આધારે તપાસ અર્થે આવી હતી.

આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત આરટીઓએ દોઢેક મહિના પહેલા બીએમડબલ્યુ સહિતની સાતેક વિદેશી કાર પકડી હતી. જેમાં બીએમડબલ્યુ કાર ટેક્સી પાસિંગ હતી અને તે જમા લઈને તેના માલિક પાસેથી તે મુજબ ઈમ્પોર્ટેડ કારનો ટેક્સ ચાર ગણો વસૂલાયો હતો. જોકે, માલિકનો આગ્રહ હતો કે ઈન્ડિયન પાસિંગના હિસાબે લમસમ ટેક્સ વસુલાવો જોઈએ. બીજી કારોનો ટેક્સ 6 ટકા જ વસૂલાયો હોવાનુ અને તેની પાસે વધુ ટેક્સ વસૂલાયો હોવાની ફરિયાદ તેણે વાહનવ્યવહાર કમિશનરની કચેરીએ કરી હતી. જે સંદર્ભે એક ગાંધીનગરથી પંડ્યા સાહેબની આગેવાનીમાં તપાસાર્થે આવી હતી. જોકે, બધુ નિયમ મુજબ જ થયું હોવાના પુરાવા સ્થાનિક આરટીઓમાંથી અપાયા હતા. આ ટીમ સાથે સુરતમાં નોકરી કરી ગયેલા ઈન્સ્પેક્ટર આર.બી. લોઢા પણ આવ્યા હતા. તેઓ આ પહેલા એક સપ્તાહ પહેલા પણ સુરત આરટીઓમાં લટાર મારી ગયા હતા.  તપાસને અંતે હવે વડી કચેરીએ રિપોર્ટ કરાશે અને બીએમડબલ્યુ કારનો ટેક્સ યોગ્ય લેવાયો છે કે કેમ તે નક્કી થશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય કાર હોય તો 6 ટકા ટેક્સ, ઈમ્પોર્ટેડ હોય અને તે પોતિકી માલિકી હોય તો 12 ટકા, કંપનીનીની માલિકીની હોય તો 24 ટકા ટેક્સ આરટીઓ દ્વારા લેવામાં આવતો હોય છે.

  • અન્ય ફરિયાદો અંગેની તપાસની ચર્ચા ઉઠી

આ ટીમના સુરત આવવાની વાત પહેલાથી જ નક્કી હોવાથી આરટીઓમાં બધુ સમુસુતરુ દેખાતું હતું.  આજે અરજદારો જ દેખાતા હતા, એજન્ટોએ ફરકવાનું મુનાસીબ માન્યુ ન હતું. જોકે, આરટીઓ વર્તુળમાં ચર્ચા ઉઠી હતી કે, હાલમાં જ ઈન્સ્પેક્ટર ભાવિન ચૌધરી મામલે થયેલી ફરિયાદ અને તે પહેલા એક ઈન્સ્પેક્ટરે ઓનલાઈન લાંચ લીધી હોવાની કરાયેલી એસીબીમાં ફરિયાદ સંદર્ભ આ ટીમ તપાસ કરવા આવી છે.  આ ઉપરાંત પણ અનેક નનામી ફરિયાદો થતી રહે છે. જેની પણ તપાસ કરાયાની વાતો વહેતી થઈ હતી.

 

Leave a Reply

Translate »