ગૌરવ: સુરતી સાઉન્ડ એન્જિનિયરને ‘ચાસણી’ માટે મળ્યો એવૉર્ડ

સુરતના જાણીતા સાઉન્ડ એન્જિનિયર હમઝા દાગીનાવાલાને તાજેતરમાં વિખ્યાત ‘ઇન્ડિયન રેકોર્ડિંગ આર્ટ્સ એકેડેમી’ દ્વારા ‘બેસ્ટ ફિલ્મ ADR એન્જિનિયર’નો એવૉર્ડ મળ્યો છે. સુરત સહિત દેશભરમાં ‘સ્ટુડિયો ફિફ્ટી થ્રી’ના લેટેસ્ટ, હાઈટેક વર્ઝન સાથે હમઝા જાણીતાં છે. હમઝાએ  તેમના પિતા શબ્બીર દાગીનાવાળાના પેગડામાં પગ નાંખતા તે કળા માટે કામ કર્યું અને અધ્યતન સ્ટુડિયો ફિફ્ટી થ્રી સુરતમાં બનાવ્યો. વિશેષરૂપે તૈયાર કરાયેલા આ સ્ટુડિયો ભારતના નામી સ્ટુડિયોમાંનો એક છે  અને સ્ટુડિયો ઓફ ધી યર-2019 માટે ભારતના ટોપ ચાર સ્ટુડિયોમાં નોમિનેટ પણ થયો હતો.

હમઝા દાગીનાવાલાએ ઘણી ફિલ્મો માટે ડબિંગ કર્યું છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘ચાસણી’, ‘તારી મુસ્કુરાહટ’, ‘યે તો ટુ મચ હો ગયા’ જેવી ઘણી ફિલ્મોમાં સાઉન્ડ એન્જિનિયર અને રેકોર્ડિસ્ટ તરીકે કામ કર્યું છે. તાજેતરમાં તેમને તેમને વિખ્યાત ‘ઇન્ડિયન રેકોર્ડિંગ આર્ટ્સ એકેડેમી’ દ્વારા ‘બેસ્ટ ફિલ્મ ADR એન્જિનિયર’નો એવૉર્ડ મળ્યો છે.

સોફ્ટ એન્જિનિયરમાં ગ્રેજ્યુએટ થયા પણ નોકરીમાં રસ ન પડ્યો અને પિતાને પગલે ચાલ્યા

હમઝા દાગીનાવાલા ઘણા વર્ષોથી મ્યુઝીક ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, સૉફ્ટવેર એન્જિનિયરમાં ગ્રેજ્યુએટ થયેલ હમઝા દાગીનાવાલાએ શરૂઆતમાં સુરતની એક સૉફ્ટવેર કંપનીમાં નોકરી કરી પરંતુ તેમનો વધારે રસ તો મ્યુઝીક, સાઉન્ડ રેકોર્ડિંગ જેવા ટેકનિકલ કામમાં જ હતો. તેથી 2013માં તેમના પિતા શબ્બીર દાગીનાવાળાના રેકોર્ડીંગ સ્ટુડિયો ‘ડિઝિટલ દુનિયા’ના કામમાં જોડાયા અને ત્યાર બાદ 2018 એક ગુજરાતના પ્રથમ હરોળના એવા સ્ટુડિયો ફિફ્ટીનું સંપૂર્ણ સંચાલન કરવાનું શરું કર્યું.  પિતા સગીરવયથી જ ગીત ગાવાની રુચિ ધરાવતા હતા. શબ્બીરભાઈના પિતાની ઓજારો અને હાર્ડવેરની દુકાન હતી, તેમાં તેઓ કામે વળગ્યા પણ જીવ ગીતોમાં હતો. એકવાર તેઓ પોતાના ગીતનું રેકોર્ડિંગ કરવા મથ્યા ને નવસારી સુધી ગયા પણ ત્યાં પણ કોઈ કારણવસ રેકોર્ડિંગ શક્ય ન બન્યું. જેથી, પિતાની દુકાનમાં જ તેઓએ પોતાના માટે ગીત રેકોર્ડિંગનો બંદોબસ્ત કરવાનું નક્કી કર્યું. ધીરેધીરે એક બાદ એક સાધન લેવા માંડ્યા અને જાતે જ સાઉડ રેકોર્ડિંગ, એડિટિંગ શીખવા લાગ્યા. વર્ષો બાદ તેઓ પોતાના ગીત ગાવા અને તેને રેકોર્ડ કરવાના શોખમાં નિપુણ થઈ ગયા અને પછી નાનપુરા, ગાંધી સ્મૃતિભવન સામે ખોલી દીધો ‘ડિઝિટલ દુનિયા’ સ્ટુડિયો. ‘વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા’ આ કહેવત સાર્થક કરતા પુત્ર હમઝા દાગીનાવાળા પણ તે રસ્તે વળ્યા અને સ્ટુડિયો ફિફ્ટી થ્રી સુરતમાં બનાવ્યો. અહીં ખૂબ મહેનત કરી અને આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સુધી પહોંચ્યા છે. તેઓએ અનેક આલ્બમ પણ આપ્યા છે.

મુંબઈની સરખામણી જેવો સ્ટુડિયો સુરતમાં ઊભો કરવાની મહેચ્છા હતી

 

હમઝા દાગીનાવાલાને ગુજરાતી ફિલ્મ ‘ચાસણી’ માટે વિખ્યાત ‘ઇન્ડિયન રેકોર્ડિંગ આર્ટ્સ એકેડેમી’ દ્વારા બેસ્ટ ફિલ્મ ADR એન્જિનિયર’નો એવૉર્ડ મળ્યો છે. હમઝા કહે છે કે , હું ભલે સોફ્ટવેર એન્જિનિયરનું ભણ્યો પણ મને પહેલેથી જ સાઉન્ડ અને મ્યુઝિકમાં રસ હતો. હું જ્યારે મારા પિતા સાથે  રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જોડાયો ત્યારે મને થયું કે પણ મુંબઈની સરખામણી જેવો રેકોર્ડિંગ સ્ટુડિયો હોવો જોઈએ કે જ્યાં ફિલ્મ, મ્યુઝીક પ્રોડ્યુસર ઉચ્ચ કક્ષાનું કામ કરી શકે. સદનસીબે મને વર્ષ 2018માં આ પ્રકારની તક મળી અને ‘સ્ટુડિયો ફિફ્ટી થ્રી’ની શરૂઆત થઈ. મારી ઈચ્છા હતી કે, ગુજરાતી ફિલ્મો ઘણી આગળ વધે અને ફિલ્મના ડબિંગ, મિકસિંગ, રેકોર્ડિંગ, મ્યુઝિક જેવાં કામને લઈને કોઈએ પણ ગુજરાતની બહાર ન જવું પડે અને અહીથી જ સરળતાથી કામ થઈ જાય તે માટે જ મેં આ સ્ટુડિઓની શરૂઆત કરી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ફિલ્મોની દુનિયા એટલી વિશાળ છે કે જે લોકો બેકગ્રાન્ડમાં કામ કરતાં હોય તેમને કોઈ ઓળખાતું પણ નથી હોતું પરંતુ આવા એવૉર્ડ દ્વારા કામની સરાહના થાય છે અને લોકપ્રિયતા પણ મળે છે. મને જે એવૉર્ડ મળ્યો છે તે મારા અને સુરત માટે ગર્વની વાત છે.

Leave a Reply

Translate »