ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના પ્રાંગણમાં 15 દિવસમાં ઊભુ કરાયું નવું કોવિડ કેર સેન્ટર
ભરૂચ: દેશના આઝાદી દિને ભરૂચમાં માનવ સેવાનું વધુ એક મોરપિચ્છ ઉમેરાયું. આ મહત્વના દિને ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના પ્રાંગણમાં કોવિડ કેર સેન્ટર કોવિડ દર્દીઓની સેવા માટે ખુલ્લુ મુકાયું. ખૂબ જ બિરદાવવા જેવી વાત એ છે કે, વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનના સહયોગથી શરૂ કરાયેલા 69 બેડના આ કોવિડ સેન્ટરમાં કોઈ પણ ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિના ભેદભાવ વિના અહીં તમામ જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરવામાં આવશે. જે આપણને ‘હિન્દુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ’ હમ વતન હમ નામ હૈ’ ગાન જેવી અનુભૂતિ કરાવે છે.
- 15 દિવસમાં જ ઊભું કરાયું આ કોવિડ કેર સેન્ટર:
ભરૂચ જિલ્લામાં વધતા કોરોના દર્દીઓની સંખ્યાને કારણે ચિંતા વ્યક્ત કરતા ભરૂચ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ સલીમભાઈ ફાંસીવાળા, વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન(WBVF)ના યુનુસભાઈ અમદાવાદી, ફારુક જી. પટેલ(કેપી ગ્રુપ), નાસીરભાઈ પટેલ, હનીફભાઈ મેટ્રીક સહિતનાએ તાત્કાલિક બેઠક કરી. વેલ્ફેર હોસ્પિટલમાં જગ્યા હોવાથી શરૂઆતથી જ 64 બેડની કોવિડ હોસ્પિટલ તો શરૂ કરી દેવાય હતી પરંતુ આવનારી વધુ વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે પહોંચી વળવું તે અંગે વિચાર-વિમર્સ કરાયો. ખાનગી હોસ્પિટલમાં જગ્યા ન હોવા ઉપરાંત સામાન્ય વ્યક્તિ આર્થિક રીતે પહોંચી ન વળે તેવા હાઈફાઈ ચાર્જને જોતા વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર ખોલવાનું નક્કી કરાયું. વેલ્ફેર હોસ્પિટલના પ્રાંગણમાં ખુલ્લી જગ્યા તો બહુ હતી પરંતુ તેમાં નવું સેન્ટર નિર્માણ કરવાનું કામ અઘરું હતુ. જોકે, ચારેબાજુથી ખુલ્લી મિલ્કતમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનું બધાની સહમતિથી નક્કી થયું અને તેના નિર્માણની જવાબદારી ફારુક કેપીએ સ્વીકારી. કેપીની ટીમના સોહેલ ડભોયા અને તેમના સાથીઓએ રાઉન્ડ ધી ક્લોક ચણતર, ફ્લોરિંગ, સિલિંગ, પાર્ટીસન, બારી બારણા, કલર વગેરેનું કામ પોતાના મોનિટરિંગ હેઠળ શરૂ કર્યું અને 15 દિવસમાં સંપૂર્ણ એરકન્ડિશન કોવિડ કેર સેન્ટર ઊભું કરી દેવાયું.
-શું કહે છે આગેવાનો?
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના પ્રમુખ સલિમભાઈ ફાંસીવાળાએ કોવિડ કેર સેન્ટરને ખુલ્લુ મુકતા કહ્યું હતું કે, હાલની પરિસ્થિત જોતા આવુ સેન્ટર તાત્કાલિક બનાવવું જરૂરી હતું અને અમે 15 દિવસમાં તે લોકસેવા માટે બનાવી દીધું. 69 બેડ પર સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને આઈસોલેટ કરવામાં આવશે. હાલ 11 પર ઓક્સિજનની સુવિધા રખાય છે અને જરૂર પડ્યે ઓક્સિજન બોટલ વધારવાની અમારી તૈયારી છે. અમે તે માટે દર્દીઓને કોઈ ચાર્જ કરીશું નહીં. દાતાઓ અને વેલ્ફેર પાસેના ફંડથી સેવા કરવામાં આવશે.અહીં જરૂરી ડોક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફ 24 કલાક મૌજૂદ રાખવામાં આવશે.
WBVFના યુનુસભાઈ અમદાવાદીએ કહ્યું હતુ કે, જેમ રોગ કોઈ ધર્મ કે જાતિ જોઈ આવતો નથી તેમ આ કોવિડ સેન્ટરમાં અમે કોઈ પણ ધર્મ-જાતિના ભેદભાવ વિના તમામ કોવિડ દર્દીઓની સારવાર વિના મૂલ્યે કરીશું અને એ પણ માત્ર ભરૂચ પુરતા જ નહીં પણ જરૂરિયાત મુજબના તમામ શહેરના દર્દીઓની. આ પહેલા પણ અહીં ભરૂચ ઉપરાંત કરજણ, વડોદરા, અને છેક મુંબઈથી દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે. આ શહેરોમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી અમે ત્યાંના દર્દીઓને અહીં સારવાર આપી છે.
WBVFના ફારુક પટેલ (કેપી)એ જણાવ્યું કે, કોરોના ભરૂચમાં પ્રસર્યો ત્યારે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં પહેલા જ 1000થી વધુ દર્દીઓની સારવાર કરાય છે પરંતુ વધુ કેસને નજરે રાખીને સલિમ ફાંસીવાળા અને યુનુસભાઈ અમદાવાદી સહિતનાએ આગળ વધીને પહેલા 64 બેડ શરૂ કર્યાં અને હવે 69 બેડ ખાલી બિલ્ડિંગમાં શરૂ કર્યું તે ખૂબ જ સરાહનીય કામ છે. આવા મહામારીના સમયે ધર્મ-જ્ઞાતિ, ગરીબ-તવંગરને જોયા વિના સેવાનો જ અભિગમ અપનાવાય રહ્યો છે તે સલામને પાત્ર છે અને હું તમામને આહ્વાન કરું છું કે, આવા કપરા સમયમાં આવી સંસ્થાઓ સાથે ખભેખભા મિલાવીને જોડાઈને સેવા કરવી જોઈએ.