ડીંડોલીથી મળી આવેલી માનસિક અસ્થિર મહિલાને અભયમ હેલ્પલાઈને આશ્રય અપાવ્યો

મહિલાના વાલીવારસની જાણકારી મળે તો સંપર્ક કરવા અનુરોધ
સુરતના ડીંડોલી વિસ્તાર ખાતે મળી આવેલી માનસિક રીતે અસ્થિર મહિલાની મદદ કરી અભયમ મહિલા હેલ્પલાઈને માનવ સેવા ટ્રસ્ટમાં સુરક્ષિત આશરો અપાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર એક ડીંડોલી વિસ્તારના એસ.બી.આઇ બેંકની પાછળ આવેલા પાર્ક પોઈન્ટ પાસે એક જાગૃત્ત વ્યક્તિએ વાતચીતનો પ્રયાસ કરતા આ મહિલા માનસિક અસ્થિર હોવાનું જણાયું હતું. મહિલાને મદદ મળી રહે માટે આ વ્યક્તિએ ૧૮૧ અભયમ હેલ્પલાઇનને કોલ કરી જાણકારી આપી હતી. જેથી ઉમરા સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અભયમ ટીમે મહિલા સાથે વાતચિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા ભૂખી તરસી હોવાનું માલુમ પડતા અભયમ ટીમે તેને નાસ્તો કરાવ્યો હતો. ત્યારબાદ શાંતિથી સમજાવતા સાથે આવવા તૈયાર થઈ હતી. તકેદારીના ભાગરૂપે અભયમ ટીમે મહિલાનો કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો જે નેગેટિવ આવતા બિનવારસી મંદબુદ્ધિથી પીડિત વ્યક્તિઓ માટે આશરો આપતી સેવાભાવી સંસ્થા ‘માનવ સેવા ટ્રસ્ટ’-કામરેજના સ્વયંસેવકોની સાથે વાત કરી ટ્રસ્ટમાં આશ્રયની વ્યવસ્થા કરી હતી. આ મહિલા વિષે કે તેના વાલીવારસની કોઇને જાણકારી મળે તો ૧૮૧ અભયમ હેલ્પલાઇન અથવા માનવ સેવા ટ્રસ્ટના મો.૭૩૫૯૨ ૬૫૦૦૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

Leave a Reply

Translate »