વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને ભારતનો પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગતિ જોવા મળી રહી છે. 508 કિલોમીટરના અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોર બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ એલએન્ડટી કંપનીને સોંપી દેવામાં આવ્યો છે. આ કંપની વડોદરા-સુરત-વાપીના 237 કિમીમાં 4 સ્ટેશન, એલિવેટેડ પુલ, ડેપો અને રિવર બ્રિજ બનાવાશે. એટલે કે રૂટના કુલ ભાગ પૈકી 46 ટકા હિસ્સો એલએન્ડી તૈયાર કરશે. જે માટે એક સેમ્પલ ટ્રેક પણ બનાવી તેનું નિરીક્ષણ કરાયું હતું. વાદ-વિવાદ વચ્ચે અને ખેડૂતોની નારાજગી, કોર્ટ કેસ સહિતના મામલાઓ ચાલ્યા બાદ હાલ બુલેટ ટ્રેન રૂટની 82% જમીન એકવાયર કરી દેવાય છે. આ વર્ષના અંતમાં એલએન્ડટી સી-4 પેકેજ અંતર્ગત આ 46 ટકા અંતર્ગત આવતા 237 કિમીનું નિર્માણ કાર્ય શરૂ કરશે. 4 વર્ષમાં આ સોંપાયેલું કામ પૂર્ણ કરવાનો ટારગેટ એલએન્ડટી રાખી રહી હોવાનું તેના અધિકારીઓ જણાવી રહ્યાં છે. બે દિવસ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ કામનો આરંભને શુકનિયાળરૂપે જોવાય રહ્યો છે.
ત્રણ કંપનીઓ રેસમાં હતી, એલએન્ડટી થઈ સિલેક્ટ
બુધવારે એલએન્ડટીની કન્સ્ટ્રક્શન કંપનીએ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(એનએસઆરસીએલ) પાસેથી ભારતમાં એના હેવી સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેગા ઓર્ડર રૂપે મહારાષ્ટ્ર-અમદાવાદ બુલેટ ટ્રેન રેલવેના 237.1 કિમીના સી-4 પેકેજના કોરીડોર તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ મેળવી લીધો છે. એનએચઆરસીએલ દ્વારા તા.19 ઓક્ટોબરના રોજ ફાઈનાન્સિયલ બીડ ખોલવામાં આવી હતી. જેમાં એલએન્ડટીએ સૌથી લોએસ્ટ બીડ મુકી હોવાનું સામે આવ્યું હતું. આ બીડમાં કુલ 3 કંપનીઓ દ્વારા બીડ મુકવામાં આપી હતી. 10 દિવસ સુધી ચાલેલી મુલ્યાંકન પ્રક્રિયામાં વિધિવત કોન્ટ્રાક્ટ એલએન્ડટીના ફાળે આવ્યો છે. કુલ 508 કિમી લાંબી હાઈસ્પીડ રેલ યોજનામાં મહારાષ્ટ્ર રાજ્યમાં 155.76 કીમી, દાદરા નગર હવેલીમાં 4.3 કિમી તથા ગુજરાતમાં 348.05 કિમીનો ભાગ સમાવિષ્ટ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની હાઈસ્પીડ રેલ 320 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે. જેમાં 12 સ્ટોપેજ નિર્ધારીત કરવામાં આવ્યા છે. મર્યાદિત સ્ટોપ સાથે 3 કલાકમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો સફર પૂર્ણ કરશે. એલએન્ડટીને સી-4 પેકેજના 24000 હજાર કરોડના ખર્ચે 237.1 કિમીના કોરિડોરને ડેવલોપ કરવાના મળેલા કોન્ટ્રાક્ટમાં સિવિલ અને બિલ્ડીંગ વર્ક્સની ડિઝાઈન અને નિર્માણ, જેમાં ટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેનમાં ડબલલાઈન બ્રિજ, સુરત ડેપો, ટનલ સહિત વાપી, બિલિમોરા, સુરત-ભરૂચના કામનો સમાવેશ થાય છે. એમડી અને સીઈઓ એસ.એન.સુબ્રમણિયમે જણાવ્યું હતું કે, રોગચાળા દરમિયાન અનિશ્ચિતતા વચ્ચે આટલો મોટો ઈન્ફ્રાસ્ટ્ર્ક્ટર ઓર્ડર કંપનીને મળ્યો છે. ભારત સરકાર, રેલવે મંત્રાલય, ભારતીય રેલવે બોર્ડ અને એનએચઆરસીએલથી તરફથી મળેલો આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર બનશે.
122 હેક્ટર જમીનનો કબજો મળી ગયો, 1700 કરોડ વળતર ચુકવાયું
બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. 28માંથી 25 ગામ સરકારને આપી દીધી છે. કામરેજ જિલ્લાના 3 ગામમાં વળતરની રકમને લઈને જમીન માલિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. 28 ગામના 913 બ્લોકમાંથી 615 બ્લોકમાં રૂ.1700 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. 144 હેક્ટર જમીનમાંથી 122 હેક્ટરનો કબ્જો પણ મેળવી લેવામાં આવ્યો છે. જે 3 ગામડાઓમાં વિરોધ છે તે પૈકી પાસોદરામાં 18 બ્લોક પૈકી 3 બ્લોકમાં વળતર આપી દેવાયું છે. કટોરમાં 36 બ્લોકમાંથી 14 બ્લોકનું સંપાદન કરવામાં આવ્યું છે. જ્યારે કોસમાડાના 29 બ્લોક પૈકી 17 બ્લોકમાં કબજો મેળવી લેવાયો છે. પાસોદરમાં જંત્રી રેટ રૂ.2750, કરોડમાં રૂ.1438 અને કોસમાડામાં રૂ.2225 છે. જેમાં 52 ટકા વધુ રેટ આપવા માટે સરકાર તૈયાર છે પરંતુ ખેડૂતોને જંત્રી રેટ ઓછો લાગી રહ્યો છે. પોસાદરના કેટલાક ખેડૂતો વિઘાના રૂ.8 થી 10 કરોડની માંગણી કરી રહ્યા છે. તે પ્રમાણે કોસમાડા અને કટોરના ખેડૂતોની વધુ વળતરની માંગણી છે.