એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કોરોનાની બીજી લહેર વધારે તેજ બનવા પાછળ સાવધાની રાખવામાં ઢીલાસ રાખાવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સોશિયલ ડિસ્ટેંસિંગનું યોગ્ય રીતે પાલન નથી કરવામાં આવ્યું. માસ્ક લગાવવામાં પણ બેદરકારી દાખવવામાં આવી છે. ડો ગુલેરિયાએ આમ થવા માટે હવામાન અને પ્રદૂષણને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, પ્રદૂષણના કારણે વાયરસ વધારે સમય સુધી હવામાં ટકી રહે છે. પ્રદૂષણ અને વાયરસ બંને લોકોના શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે. કોરોના વાયરસ હજી પણ ખતમ નથી થયો. યૂરોપ સહિતના અન્ય દેશોનું ઉદાહરણ આપતા ગુલેરિયાએ કહ્યું હતું કે, માસ્ક જરૂરથી પહેરો. જરૂરી કામ ના હોય તો બહાર ના જાવ. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, જો સાવધાની ના રાખવામાં આવી તો કેસ હજી પણ વધી શકે છે.
એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું હતું કે, યુવા વાયરસને લઈને બેદરકાર છે. તેમને લાગે છે કે, આ એક સામાન્ય ચેપ છે અને આપણે કંઈ કરવાની જરૂર નથી. આ ધારણાને ખોટી ગણાવતા ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે, યુવા વાયરસને ઘરે લાવી રહ્યાં છે અને વૃદ્ધો તેના શિકાર બની રહ્યાં છે. ગુલેરિયાએ વેક્સીન આવવાની આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કેટલીક નવી દવાઓ પણ આવે જે કોરોનાને સારી રીતે નિયંત્રણ કરી શકે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, વેક્સીન આવવાથી કોરોનાના કેસમાં ઘણો ઘટાડો થશે. કોરોનાની બચવા માટે હાથ ધોવા, સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવવુ અને માસ્ક પહેરવું જરૂરી છે. પ્રદૂષણ અને કોરોનાના બેવડા પડકારોને લઈને એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું હતું કે, જ્યાં સુધી અત્યંત જરૂરી ના હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળો. જરૂરી હોય તો માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરતા તડકો નિકળ્યા બાદ જ જાવ. કોરોના વાયરસના કેસ ઘટી રહ્યાં છે. દિવાળી બાદ પણ જો કેસો આ રીતે ઘટતા જ રહ્યાં તો કહી શકાય કે કોરોનાની પીક ખતમ થઈ ગઈ છે. આપણે આવનારા કેટલાક અડવાડિયા સુધી વધારે સતર્ક રહેવાની જરૂર છે.
તહેવારોમાં ધ્યાન રાખો, ફરીથી પણ થઈ શકે છે કોરોના
દિવાળી અને છઠ પૂજાને લઈને ડો ગુલેરિયાએ કહ્યું હતું કે, લોકોને વર્ચ્યુઅલી જ મળો, તહેવારોની ઉજવણી થોડી ઓછી કરો. આ બાબત સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આવતા વર્ષે વધારે ઉજવણી કરજો. સામાન્ય ઈન્ફેક્શન ધરાવનારાઓને ફરીથી કોરોનાનું સંક્રમણ લાગી શકે છે. આમ એકવાર કોરોના થયા બાદ પણ ફરીથી કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. એમના જણાવ્યા પ્રમાણે ઈમ્યૂનિસ્ટી ઘટશે તો ફરીથી કોરોનાના સંક્રમણનો ખતરો ઉભો થઈ શકે છે. કેટલાક લોકોની ઈમ્યૂનિટી ત્રણથી ચાર મહિના બાદ ધીમે ધીમે ઘટવા લાગે છે. માટે એ કહેવુ મુશ્કેલ છે કે, કોણ કેટલા સમય સુધી સુરક્ષીત છે.