આ પટેલ રત્નકલાકારે મૃત્યુ બાદ પણ આઠના જીવનમાં દિવાળી પૂર્વે ઓજસ પાથર્યા

કામરેજના લેઉવા પટેલ સમાજના અને મૂળ ભનાવગર, મહુવાના માળવાય ગામના વતની 28 વર્ષીય રત્નકલાકાર પિયુષભાઈ નારણબાઈ માંગુકિયાનું બ્રેઈન ડેડ થતા ડોનેટ લાઈફના માધ્યમથી તેમના પરિવારજનોએ આઠ લોકોને જુદાં જુદાં અંગોનું દાન કરીને દિવાળી પૂર્વે તેમના જીવનમાં ઓજસ પાથર્યા છે.

કામરેજ, વેલંજા સ્થિત નંદીની રેસિડન્સીમાં રહેતા અને રામકૃષ્ણ એક્સપોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરનાર પિયુષભાઈ માંગુકિયા તા. 24 ઓક્ટોબરે નોકરી પરથી ઘરે પરત ફરતા પૂર્વે અમરોલીમાં રહેતા સસરાને ત્યાં ગયેલી બિમાર પત્નીની ખબર પૂછવા ગયા હતા ત્યાંથી ઘરે જતી વેળાએ તેમની બાઈક સ્લીપ થઈ જતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયા બાદ ખાનગી હોસ્પિટલમાં મગજમાં જામેલા ગઠ્ઠાનું ઓપરેશન કરાયું હતું. જોકે, બાદમાં તબીબી નિરિક્ષણ બાદ તેઓને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. તેમના પરિવારે ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાળાની સમજ બાદ તેમના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું.

પિયુષભાઈના ઓર્ગાન ડોનેટથી આ આઠ લોકોના જીવનમાં ઉજાસ પથરાયો

ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાળાએ જણાવ્યું હતું કે, સુરતની આયુષ હોસ્પિટલથી અમદાવાદનું ૨૭૨ કિ.મીનું અંતર ૧૩૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં, સુરતથી મુંબઈનું ૨૯૬ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું, જયારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે. હ્રદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને ચેન્નાઈ પહોંચાડવા માટે આયુષ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીનકોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની, લિવર અને પેન્ક્રીયાસ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે આયુષ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૫૯ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

અત્યારસુધી ડોનેટલાઈફ આટલા અંગદાન કરાવી ચુક્યું છે

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૧ કિડની, ૧૫૧ લીવર, ૮ પેન્ક્રીઆસ, ૨૯ હૃદય, ૮ ફેફસાં અને ૨૭૪ ચક્ષુઓ કુલ ૮૪૧ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૭૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. કોવિડ૧૯ ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખુબજ ઘટાડો થયો છે, ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન ૧૨ કિડની, ૬ લિવર, ૪ ફેફસા, ૩ હૃદય, ૧ પેન્ક્રીયાસ અને ૧૦ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.

Leave a Reply

Translate »