ચાની ચુસ્કી સાથે સવારની શરૂઆત થાય. સુરતના વરાછા વિસ્તારમાં ચાની રેકડી પર ચા પીવા બેઠા. ત્યાં બેઠેલા ભાઈ પ્રસન્ન મુખે મિત્રો સાથે વાતો કરતા હતા. ‘ભાઈ, મુખ્યમંત્રી અમૃત્તમ યોજનાએ મારા જીવનની કરવટ બદલી નાંખી.’ અચાનક પૃચ્છા કરી, તમારૂ નામ ?– ‘દેવેન્દ્રભાઈ લાઈટવાલા’. શું થયું હતું ? દેવેન્દ્રભાઈ હકીકત વર્ણવતા કહે છે કે, અચાનક હ્રદયરોગનો હુમલો આવ્યો. મહાવીર હોસ્પિટલમાં દાખલ થયા અને સફળ ઓપરેશન થયું. પણ આ બધું થયું મુખ્યમંત્રી અમૃત્તમ યોજના ʻમાʾ ના પ્રતાપે.
મુખ્યમંત્રી અમૃત્તમ યોજના હેઠળ ગરીબી અને મધ્યમ વર્ગના પરિવારો માટે કસ્તુરી બની છે. ગંભીર રોગની રૂા. ત્રણ લાખ સુધીની સારવાર રાજય સરકાર દ્વારા કરાર કરાયેલી હોસ્પિટલોમાં વિનામુલ્યે કરવામાં આવે છે. આ યોજના થકી અનેક પરિવારોના જીવનમાં ઉજાસ પથરાયો છે. દેવેન્દ્રભાઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત કરી, ઋણ સ્વીકાર કરે છે.
દેવેન્દ્રભાઈ સુરત શહેરના વરાછા રોડ બરોડા પ્રિસ્ટેજ ખાતે કિશન કોમ્પ્લેક્ષમાં દુકાનમાં હોઝીયરી ગાર્મેન્ટનો વ્યવસાય કરે છે. દેવેન્દ્રભાઈ જણાવે છે કે, તા.૩૧મી મે ના રોજ અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. તાત્કાલિક ફેમિલી ડોક્ટરને બોલાવી તપાસ કરતાં તેમણે ઈન્જેક્શન આપ્યું. સલાહ અનુસાર સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયો. મહાવીરમાં ઈકોકાર્ડિયોગ્રામમાં હ્રદયને લોહી પહોંચાડતી નળી ૭૫ ટકા બ્લોક હોવાનું માલૂમ પડ્યું. જેથી તાત્કાલિક એન્જીયોગ્રાફી કરવી જરૂરી હતી. અમારી પાસે મા કાર્ડ પહેલાથી જ હોવાથી હોસ્પિટલ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂરી કાર્યવાહી કરીને ઓપરેશન કરી સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું. પાંચ દિવસ હોસ્પિટલમાં રહી સ્વસ્થ થતા રજા આપવામાં આવી.
દેવેન્દ્રભાઈ રાજ્ય સરકારનો હ્રદયથી આભાર વ્યક્ત કરતાં કહે છે કે, મુખ્યમંત્રી અમૃત્તમ યોજનાની સહાય વડે સફળ ઓપરેશન થયું છે. હું હોસ્પિટલમાં હતો ત્યારે લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થયો હતો અને અનલોક શરૂ થયું હતું, ધંધા રોજગાર બંધ હતા અને ઉપરથી મને હાર્ટ એટેક આવતા સ્થિતિ કફોડી બની હતી. પરંતુ માં યોજનાએ મને ઓપરેશનના મોટા ખર્ચમાંથી ઉગારી લીધો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને ગંભીર રોગોની રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.