રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી વાહનચાલકોને ફાયદો થશે. હવેથી લર્નિંગ લાયસન્સની ટેસ્ટ માટે લાંબા સમયની અપોઈન્ટમેન્ટમાંથી રાહત મળી શકશે. મુખ્યમંત્રીએ રિવ્યુ બેઠકમાં જ હાલ જ્યા લર્નિંગ લાઈસન્સના ટેસ્ટ લેવાય છે તે આઈટીઆઈમાં એપોઈન્ટમેન્ટ વધારવાની અને સમય વધારવાની જાહેરાત કરી હતી તે મુજબ હવે સુરત આરટીઓએ અપોઈન્ટમેન્ટ ખુલ્લી મુકતા ફટાફટ કામ થશે. આ પહેલા આઈટીઆઈમાં બપોરે 2.30થી 5.30 સુધી આ ટેસ્ટ લેવામાં આવતી. હવે નજીકની ITIમાં સવારના 9.00 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધીમાં અરજદારો આ ટેસ્ટ આપી શકશે. આ માટે વાહનવ્યવહાર કચેરીએ 43200 નવી અપોઈન્ટમેન્ટ ખુલ્લી મૂકી છે. આ આયોજનથી અરજદારોના ધક્કા ઓછા થશે અને સમયની પણ બચત થશે.
મહાનગર સુરતની ITI માં સવારે 9 વાગ્યાથી કોમ્પ્યુટર ટેસ્ટ લેવાની શરૂ થઈ જશે. જે સાંજે 5.30 વાગ્યા સુધી યથાવત રહેશે. વધુને વધુ અરજદારો એકસાથે ટેસ્ટ આપી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ITI કચેરીએ અપોઈન્ટમેન્ટ વધારી દેવામાં આવી છે. આવનારા 90 દિવસ માટે આ અપોઈન્ટમેન્ટ ખુલ્લી રહેશે. અત્યાર સુધી અરજદારોને લાંબા સમય સુધી આ ટેસ્ટની રાહ જોવી પડતી હતી. સવારના સમયના બદલે બપોરના સમયે આ ટેસ્ટ લેવામાં આવતી હતી. સુરત શહેરમાં અરજદારોની વધતી જતી સંખ્યા સામે અપોઈન્ટમેન્ટની સંખ્યા ઓછી હતી. જેના કારણે લાબાં સમય સુધી રાહ જોવી પડતી. લોકો પણ ટેસ્ટને લઈને અનેક વખત ધક્કા ખાતા અને હેરાન થતા. લોકોને પડતી હાલાકીને લઈને રાજ્યના વાહનવ્યવહાર વિભાગે ITI કચેરીએ સવારથી ટેસ્ટની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સવારે 9.00 વાગ્યાથી ટેસ્ટ શરૂ થઈ જશે. કુલ 90 દિવસ માટે 43200 નવી અપોઈન્ટમેન્ટ ખુલી પડતાં અરજદારોને મોટી સરળતા રહેશે. આ પહેલા રાજ્યની વાહનવ્યવહાર કચેરીએ પોતાના વાહનમાં ટેસ્ટ આપવા માટેનું એલાન કર્યું હતું. પોતાના વાહન અંગેના ડૉક્યુમેન્ટ ચકાસ્યા બાદ જ ટેસ્ટ આપવા માટેની મંજૂરી મળી રહેશે એ નિર્ણય કર્યો હતો. જોકે, દિવસે દિવસે મળતી અરજીનું ભારણ વધતા કચેરીએ આ મોટો નિર્ણય લીધો છે. જેનાથી કરોડો અરજાદારોને સીધો ફાયદો થશે. ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થતા ડ્રાઈવિંગ માટે અરજદારો આગળ વધી શકશે. જોકે, રાજ્યના અન્ય સેન્ટરમાં પણ આ પ્રકારનું આયોજન થાય છે ઘણી બધી અરજીઓનો એક દિવસમાં નિકાલ થઈ શકે છે.