ભારત વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વ પૂર્વે સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થતા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર માની શકાય છે. સિંગતેલના ભાવમાં આજે રૂપિયા 30નો ઘટાડો નોંધાયો છે. 15 કિલો ડબ્બાનો ભાવ 2200 રૂપિયા પહોંચ્યો છે . જોકે, આ ભાવ આમ જોવા જઈએ તો નહીંવત છે જેથી, વધુ ભાવ ઘટે તેવી લાગણી લોકોની છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થતા સિંગતેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.
સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2240થી ઘટીને 2180થી 2210 થયો છે. ગૃહિણીઓનું કહેવું છે કે, તહેવારોમાં તમામ લોકોના ઘરમાં ફરસાણ બનતું હોય છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓ મહદઅંશે થોડી રાહત અનુભવી રહી છે. જોકે, આ ભાવ 1800થી 2000 સુધી નીચે ઉતરે તો જ મોટી રાહત લેખાવાય એવું મહિલાઓ કહીં રહી છે.
મગફળીની આવક વધી અને ચીનમાં માંગ ઘટી
સિંગતેલના છેલ્લા એક સપ્તાહમાં રૂ. 200નો ઘટાડો નોંધાયો છે. વેપારીનું કહેવું છે કે, સિંગતેલની ડિમાન્ડ ઘટી છે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક પણ વધુ છે. જોકે મગફળીના ભાવમાં 100થી 150 રૂપિયા ઘટ્યા હોવાથી પીલાણ માટે મગફળી મિલોમાં આવી રહી છે. સાથે જ ચીન દ્વારા ખરીદ કરતું સિંગતેલની માંગમાં ઘટાડો થતા તેની અસર પણ જોવા મળી રહી છે.