સુરત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને ૨૪ કલાક અવિરત રક્તદાન દ્વારા શ્રદ્ધાંજલિ અપાશે અને ૨૪ યુવાનો ૨૪ કલાક શબ્દપ્રવાહ વહાવીને ભાવાંજલિ આ.પશે
રાજ્યના કર્મઠ નેતા અને કુશળ શાસક પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલને સુરતમાં સર્વજ્ઞાતિ-સમાજ દ્વારા ૨૪ કલાક અવિરત રક્તદાન કેમ્પ યોજી અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. કેન્દ્રીય શિપિંગ, કેમિકલ અને ફર્ટીલાઈઝર રાજ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વરાછાના મિનીબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન, જે.ડી.ગાબાણી હોલ ખાતે આવતીકાલ તા.૦૭મીએ સાંજે ૦૬.૦૦ વાગ્યે આયોજિત અવિરત રક્તદાન કેમ્પને સ્વ. કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલ, પુત્રી સોનલબેનના હસ્તે શુભારંભ કરવામાં આવશે. આ સાથે સુરતના ૨૪ યુવાનો ૨૪ કલાક શબ્દપ્રવાહ વહાવીને ભાવાંજલિ આપશે. કાર્યક્રમ સ્થળે સ્વ. કેશુભાઈના જીવન-કવનને દર્શાવતું પ્રદર્શન પણ યોજાશે.
24 કલાક રક્તદાન અને ભાવાંજલિ દેશની પ્રથમ ઘટના બનશે
કેમ્પનું આયોજન કરનાર ‘સ્વ.કેશુભાઈ પટેલ શ્રદ્ધાંજલિ આયોજન સમિતિ’ના કન્વીનર અને લોકસમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથીરિયાના જણાવ્યાનુસાર કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે ૨૪ કલાક સતત રક્તદાન થતું હોય એવો આ દેશનો પ્રથમ રક્તદાન કેમ્પ છે. તેમજ કોઈ સદ્દગત જનનેતાના સ્મરણાર્થે ૨૪ કલાક ભાવાંજલિ એ પણ દેશમાં પ્રથમ ઘટના છે. કોરોના સંકટમાં રક્તની અછત વર્તાઈ રહી છે, ત્યારે રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૨૪ કલાક રક્તદાન કરીને વિવિધ સમાજના લોકો રક્તદાન કરી રક્તનો પ્રવાહ વહેવડાવશે. જેને વિવિધ બ્લડ બેંકમાં જમા કરવામાં આવશે. રક્તદાન કેમ્પ સહિત ભાવાંજલિ કાર્યક્રમનું વિવિધ સંચાર માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરાશે.