ઝારખંડની અપહ્યત કિશોરીને અભયમ અને સુરત પોલીસે ઉગારી, અપહરણકારોની ચુંગાલમાંથી ભાગેલી યુવતી ઉધના રેલવે સ્ટેશને પહોંચી હતી, સુરતમાં તેને જે રૂમમાં રખાય હતી ત્યાં બીજી ચારેક યુવતી પણ બંધ હતી
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અપહરણ કરાયેલી અજાણી કિશોરીની વ્હારે આવી અભયમ હેલ્પલાઈને સુરક્ષા આપી હતી. હાલમાં આ કિશોરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવમાં આવ્યો છે. સુરત પોલીસની મદદથી કિશોરીને તેના પરિવારને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઝારખંડના પત્રકારની બહેનને મહિલાએ કર્યું હતું અપહરણ
વિગતો એવી છે કે, એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરી ઉધના રેલવે સ્ટેશન પર એક કિશોરીને મદદ કરવા જણાવ્યું હતું. જેથી કતારગામ 181 ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અભયમના કાઉન્સેલર આહિર મનિષાબેને કિશોરીનું કાઉન્સેલિંગ કર્યું હતું. કિશોરીએ પોતાનું નામ પૂજાકુમારી તથા માતાનું નામ કંચનદેવી અને પિતાનું નામ વિશ્વનાથ જણાવ્યું હતું. તેને બે બહેનો અને એક ભાઈ છે. પિતા ડાન્સ ક્લાસ ટીચર છે, અને ભાઈ સ્થાનિક અખબારમાં રિપોર્ટર છે.
મહિલાએ ફોન કરવા લીધો અને બાદમાં ઘરે મુકી દેવાનું કહીં ગાડીમાં બેસાડી બેહોશ કરી
વધુ પૂછપરછમાં કિશોરીએ રડતાં રડતાં પોતાની આપવિતી જણાવતા કહ્યું કે તે ઝારખંડના ડેલ્ટનગંજની વતની છે, અને કોઈ અજાણી વ્યક્તિ તેનું અપહરણ કરી સુરત લાવ્યો છે. તે બારમા ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી બે નવેમ્બર, 2020ના રોજ સવારે ટ્યુશન કલાસમાં ગઈ હતી. ત્યાંથી છૂટીને જનતા શિવરાત્રી કૉલેજમાં રજિસ્ટ્રેશન કરવા ગઈ હતી. ત્યાંથી લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ ઘરે જવા માટે કોલેજની બહાર ઉભી હતી. તે દરમિયાન એક સ્ત્રી તેની પાસે આવીને ‘એક ફોન કરવો છે’ એમ કહીને ફોન માંગતા કિશોરીએ ફોન આપ્યો હતો. બાદમાં અજાણી મહિલાએ ‘તારે ક્યાં જવું છે? તું શું કરે છે ‘ એમ પૂછપરછ કરી હતી. તે દરમિયાન એક બોલેરો ગાડી આવી અને તે સ્ત્રી બેસી તેમાં બેસી ગઈ અને ‘તારું ઘર ક્યાં છે?’ એમ મને પૂછતાં મેં સરનામું જણાવ્યું હતું. જેથી મહિલા ‘ચાલ બેસી જા. તારા ઘરે ઉતારી દઈશું.’ તેમ કહીને ગાડીમાં બેસી જવા જણાવ્યું હતું. પરંતુ મેં ના પાડતા મહિલાએ તેને ગાડીમાં બેસી જવા ફરી વાર આગ્રહ કર્યો હતો. જેથી કિશોરીએ મહિલા પર વિશ્વાસ મૂકી ગાડીમાં બેસી ગઈ હતી. ત્યારબાદ રસ્તામાં વાતચીત કરવાનું શરૂ કરી, મોંઢા પર રૂમાલ સુંઘાડી દઈ આંખે પટ્ટી બાંધી દીધી હતી. જેથી હું બેહોશ થઈ જતા કિડનેપ કરીને સુરતમાં એક રૂમમાં બીજી ચાર છોકરીઓ હતી તેમની સાથે પૂરી દીધી હતી.
અપહરણકારો ન હોવાથી રૂમનો દરવાજો ખોલી ભાગી
પૂજાએ વધુ વાત કરતાં કહ્યું કે, સાંજે કિડનેપરો રૂમમાંથી બહાર ગયા તે દરમિયાન હું પરિવારને મારા મોબાઈલથી કોલ લગાડવા ગઈ પણ કિડનેપરો આવી જતાં ફોન એન્ડ્રોઇડ ફોન અને રૂ.ત્રણ હજાર ઝૂંટવીને તેને ચુપ નહિ રહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કિશોરી ડરી ગઈ હતી. આજે તા. 6-11-2020 ના સવારે નવ વાગ્યાની આસપાસ રૂમનો દરવાજો ખોલી કોઈ ના હોવાથી હિંમત કરીને રૂમમાંથી ભાગી જઈ રેલવે સ્ટેશન પર આવી પહોચી હતી.’
સુરતના કયાં વિસ્તારમાં રૂમમાં પુરી હતી તેના વિશે પૂજાને જાણ નથી. અભયમ દ્વારા તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેના પરિવારે પૂજા ગુમ થવાથી તા.૨ નવેમ્બરના રોજ ડેલ્ટનગંજ પોલીસ સ્ટેશનમાં મિસિંગ રિપોર્ટ લખાવ્યો હતો. આથી ડેલ્ટનગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર માહિતી આપી હતી. ઝારખંડથી તેનો પરિવાર કિશોરીને સુરત લેવા આવશે. (તમામ વ્યક્તિઓના નામો બદલ્યા છે)