ભૂકંપના આંચકાએ શ્વાસ અધ્ધર કર્યા, શું દક્ષિણ ગુજરાત પર જોખમ ખરું?

  • સ્ટોરી: રાજા શેખ, સુરત

 સુરત સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપનો 4.3 રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ઘણાંને તે માલૂમ પડ્યા ને કેટલાક તેનાથી બેખબર રહ્યાં. ભરૂચથી 10 કિમી દૂર તેનું એપી સેન્ટર નોંધાયું. ત્યારબાદ એક કલાક બાદ ફરી 2.1 રિકટર સ્કેલનો ભૂકંપનો આફ્ટર શોક આવ્યો પણ તે લોકોને જરા પણ માલૂમ ન પડયો. જ્યારે તેના એક દિવસ પહેલા પાલઘરથી 10 કિલોમીટર દૂર સવારે 8.37 મિનિટે પણ 2.01 રિકટર સ્કેલનો ભૂકંપ નોંધાયો છે પણ આ બે આંચકાની તીવ્રતા ન હોવાથી તેની લોકોને જાણ ન થઈ. આવા આંચકા તો રોજ આવે છે પણ આપણે તેને અનુભવી નથી શકતા. સુરતમાં દરેક ઝોન વિસ્તારમાં અલગ-અલગ માટી છે જેથી, દરેક જગ્યા પર તેની અસર ઓછી-વત્તી નોંધાય છે. જોકે, હવે ભૂકંપ મામલે આપણે પહેલા લો કેટેગરીમાં આવતા હતા હવે મોડરેટ (મધ્ય) કેટેગરીમાં   આવી ગયા છે. જેથી, બાંધકામની દ્રષ્ટિએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે.

જાણકારો ગુજરાતમાં વર્ષે 1000 આંચકા આવતા હોવાનું કહે છે. તો શું આપણાં દક્ષિણ ગુજરાત પર ભૂકંપને કારણે જોખમ ખરું? તે માટે આપણે વિગતે જાણીએ….

  • રિકોલ: જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2019માં પણ લાગ્યા હતા અહીં ઝાટકા, સુરતના કીમ, બિલીમોરા અને સાપુતારા મળી ત્રણ ફોલ્ટ લાઈન

જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2019માં સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામ, વલસાડ જિલ્લાના ઉંમરગામમાં અને બાદમાં સિલવાસા, દહાણું રોડ અને પાલઘર સહિતના વિસ્તારોમાં ભૂકંપના હળવાથી લઈને 4.1 રિક્ટર સ્કેલના ઝાટકા નોંધાયા. સુરતના કીમ નજીક દરિયાઈ પટ્ટીમાં, નવસારીના બિલીમોરામાં અને ડાંગના સાપુતારા મળી ત્રણ ફોલ્ટ લાઈન સક્રિય છે. જોકે, આ આખો વિસ્તાર ભૂકંપના ઝોન-3માં આવે છે છતાં હવે જૂના જર્જરિત બાંધકામોને નવેસરથી નવા બાંધકામના કોડ સાથે બનાવવાનો સમય આવી ગયો છે અને નવા કન્સ્ટ્કશનમાં પણ તકેદારી રાખવાનો સમય આવી ગયો છે. જોકે, ઉપરોક્ત તમામ ફોલ્ટ લાઈન હજી એટલી સક્રિય નથી પરંતુ તે જૂના મકાનો, બિલ્ડીંગો પર જરૂર અસર કરે એમ છે અને તેના કારણે જાનહાનિની સંભાવના હોવાનું સુરતની એસવીએનઆઈટી સિવિલ ડિપાર્ટમેન્ટના અને 36 વર્ષથી ધરતીકંપના બાંધકામનો અનુભવ ધરાવતા પ્રોફેસર ડો. અતુલ દેસાઈ કહે છે.

  • તકેદારી : ગુજરાતમાં ભૂકંપના આંચકા જોતા અપડેટ કરાયા બાંધકામના કોડ

26 જાન્યુઆરી 2001નો એ ગોજારો દિવસ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. કચ્છ, અંજાર, ભચાઉમાં ભારે તબાહી મચાવનાર અને અમદાવાદ, સુરતમાં પણ અસર છોડી જનાર એ ભૂકંપે અનેક માનવલાશો પાડી દીધી હતી. ત્યારથી આજની ઘડી ભૂકંપના આંચકાઓ હજી ગુજરાતીઓના દિલની ધડકનો વધારી રહ્યું છે. ગુજરાત સરકાર ત્યારબાદ વર્ષ 2002માં નવા કોડ લાવી અને 2016માં તેને અપડેટ કરી ગુજરાતના ત્રણ ઝોનમાંથી તેને ચાર ઝોનમાં તબ્દીલ કર્યા. પણ બાંધકામની ગણતરી પદ્ધતિ અપડેટ કરી સ્ટ્રક્ચરલ ડિઝાઈન હેવી કરાય. નવા કોડ મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાત જે પહેલા 0.04ના ઝોન ફેક્ટરમાં હતું તે હવે 0.16 (1893આઈએસ, ધરતીકંપ રિડ્યુસ બાંધકામ કોડ) ફેક્ટરમાં આવી ગયું છે. જેથી અહીં પહેલાના પ્રમાણમાં ધરતીકંપની સંભાવનાઓ વધી ગઈ છે. અહીં પણ 24 કલાકમાં ત્રણથી ચાર આંચકા આવે છે પણ તેની ઈન્ટનસિટી ઓછી હોવાથી સામાન્યજનને અનુભવાતા નથી.

ડો. અતુલ દેસાઈ કહે છે કે, ગુજરાતમાં ભૂકંપની અસરકારકતા જોતા ગુજરાત સરકારે પણ નવા જીડીસીઆરમાં નવા ડકટાઈલ કોડ અમલી બનાવ્યા છે. પહેલા 13920 (1993) હતો હવે 13920 (2014) કરાયો. 100 માળની ઊંચી બિલ્ડીંગો માટે 16700 કોડ બનાવ્યા છે. જેમાં બાંધકામ કેવી રીતે કરવું તે સમજાવાયું છે. પહેલા એમ-15 ક્રોકિંટ વપરાતું હતું હવે એમ-25થી 30 ક્રોકિંટ વપરાય છે. સિમેન્ટ વધુ વપરાય છે. પહેલા સાદા કે એફ-ઈ-415 સળિયા વપરાતા હતા. હવે ટીએમટી-સીઆરએસ, ટીએમટી(ટી), એફઈ-500, એફઈ-500ડી ઉપરાંતના સળિયા વપરાય છે. નવા બાંધકામોમાં કેન્ટિલીવર નથી બનાવાતી. ભૂકંપ બાદ સરકારી બિલ્ડીંગો, ખાનગી ઈમારતો અને જૂની ઈમરતોની સ્ટેબિલિટીના સર્ટી સુરતની એસવીએનઆઈટી પાસે મેળવવાનું પ્રમાણ વધ્યું છે. ડો. દેસાઈ કહે છે, આવનારા બે-ચાર વર્ષમાં હજી વધાર સ્ટ્ર્કચર સ્ટેબિલિટી પર ધ્યાન કેન્દ્રીત કરતા કોડ બદલવો પડશે.

  • ગુજરાતમાં વર્ષે 1000 નાના આંચકા આવે છે

2001ના ભયાનક ભૂકંપ બાદ ગાંધીનગરમાં ભૂકંપ પર નજર રાખવા બનાવાયેલા આઈએસઆર એટલે કે સિસ્મોલોજીકલ સેન્ટરમાં વર્ષે ગુજરાતના વિવિધ ભાગમાં 1000થી વધુ ભૂકંપના નાના ઝાટકા નોંધાઈ રહ્યાં છે અને સુરતમાં પણ ત્રણ-ચાર નાના આંચકા આવે છે. જોકે, 3 રિક્ટર સ્કેલ ઉપરનો ભૂકંપ તેની કંપનનો અનુભવ લોકોને કરાવે છે પરંતુ તેનાથી નાના આંચકા માલૂમ પણ નથી પડતા એવું સુરતની એસવીએનઆઈટી સિવિલ ડિપાર્ટમેન્ટના અને 36 વર્ષથી સિવિલ વર્કનો અનુભવ ધરાવતા પ્રોફેસર ડો. અતુલ દેસાઈ કહે છે.

  • ભારતની પ્લેટ ચીન તરફ સરકી રહી છે

ડો. અતુલ દેસાઈએ કેટલીક ઈમેજ શેર કરતા કહ્યું હતું કે, ભારતની પ્લેટ તે દર વર્ષે 50 મિલી મીટર એટલે કે 2 ઈંચ ચાઈના તરફ સરકી રહી છે. ઈન્ડો-ઓસ્ટ્રેલિયા તરફ આ પ્લેટને સરકવાની જગ્યા નથી જેથી તે ચાઈનાથી આવતી યુરોશિયન પ્લેટ તરફ સરકે છે(સેટેલાઈટ ઈમેજ મુજબ) અને આ પ્લેટ સ્ટ્રોંગ હોવાથી ભારતની પ્લેટ બેન્ડ થાય છે અને તેનાથી ટેન્શન ડેવલપમેન્ટ થાય ત્યારે ભૂકંપ આવે છે. બીજુ કે અરેબિયન સમુદ્ર પરથી એક ફોલ્ટ લાઈન પસાર થાય છે તે હિમાચલ, બાંગ્લાદેશ થઈ મલેશિયા પહોંચે છે. આખા ભારતની તે પ્રદશિક્ષણા કરી હોવાથી રિંગ ઓફ ફાયર તરીકે તે ઓળખાય છે.

-સુરતની જૂની અને જર્જરિત ઈમારતો જોખમી, મનપા ઓડીટ કરાવે તે જરૂરી

સુરતની વાત કરીએ તો અહીં સુરત મહાનગર પાલિકાએ 1500-2000થી વધુ જર્જરિત ઈમારતોને રિપેરિંગ કરવા કે ઉતારી પાડવા નોટિસ આપી છે પરંતુ ઘણાં એપાર્ટમેન્ટવાળાએ સ્ટેબિલિટી રિપાર્ટ કઢાવી તે મુજબ રિપેરિંગ કરાવ્યું નથી. તે જોખમી છે. સુરત મહાનગર પાલિકાના રિવ્યુઅર ઓફ સ્ટ્રક્ચર ડિઝાઈનરનું કામ જોતા એસવીએનઆઈટીના પ્રોફેસર ડો. અતુલ દેસાઈ કહે છે કે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ધરતીકંપની અસર વધુ આવવાની સંભાવના એટલા માટે છે કે અહીં મોટાભાગે માટી કાળી અને પોંચી છે. પાણીમાં ખારાશ છે. દરિયાઈ પટ્ટી હોવાથી ભેજ પણ અસર કરે છે. અહીં ચોમાસામાં 40થી 50 ઈંચ વરસાદ સહેજે નોંધાય છે. ઈન્ડસ્ટ્રીઝ વધુ હોવાથી પોલ્યુશન અને ઈન્ડસ્ટ્રીઝની ગરમી પણ બાંધકામ પર અસર કરે છે.
મહાપાલિકાના જાણકારો કહે છે કે સુરત મહાનગર પાલિકાએ મુંબઈની જેમ અહીં ફરજિયાત મિલકતોનું ઓડિટ બનાવ્યું નથી તે ચિંતાનો વિષય છે. આમ નહીં કરવાને કારણે સુરતમાં અવારનવાર મિલ્કતો પડવાની ઘટના બનતી રહે છે. જે ચિંતાના વિષય છે. ઈન્ડ્સ્ટ્રીઝ વાળાએ પોતાનો ભારે સામાન જમીન પર મુકવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. જેથી,નુકશાન ન થાય.

 

Leave a Reply

Translate »