ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોના કેસો વધી રહ્યાં છે તેવામાં હરકતમાં આવેલી રાજ્ય સરકારે તમામ એમબીબીએસ ડોક્ટરોને ફરજ પર હાજર થવાનો આદેશ આપ્યોછે. રાજ્યની મોટા ભાગની હોસ્પિટલોમાં કોવિડ-19 બેડ ફુલ થઇ ગયા છે. ત્યારે આ આદેશ મહત્વનો છે. આરોગ્ય કમિશન દ્વારા તમામ બોન્ડેડ MBBS ડોક્ટરોને સૂચના આપી છે કે જો બે દિવસમાં તમામ તબીબો ફરજ પર હાજર ન થાય તો એપેડમિક એક્ટ અંતર્ગત તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. તમામ બોન્ડેડ ડોક્ટરોને મહાનગરપાલિકા દ્વારા બે દિવસમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 925 બોન્ડેડ MBBS ડોક્ટરોને હાજર થવાનો આદેશ કર્યો છે. આ હુકમ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, રાજ્યમાં ફરી કોરોનાની સ્થિતિ વકરી ચુકી છે. જેથી સાવચેતીમાં જ સલામતિ બુદ્ધિનું કામ છે.
રાજ્યભરથી અમદાવાદ જતી એસટી બસોનું અવાગમન બંધ કરાયું
અચાનક કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવી ગયું છે અને પરિસ્થિતિ ગંભીર થતા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવાને લઇને એસટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યભરથી અમદાવાદ આવતી બસો અટકાવી દેવામાં આવી છે પરિણામે બુકિંગ લેનારા યાત્રીઓ અટવાયા છે. વડોદરાથી અમદાવાદ આવતી 250 બસો બંધ રહેશે.રા રાજકોટથી પણ બપોરે 3 વાગ્યાથી તમામ ઓપરેશન અટકાવી દેવાયા છે. સુરતથી પણ એ જ રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે. અચાનકના કરફ્યુને કારણે દિવાળીના તહેવારોમાં બહાર ફરવા ગયેલા અથવા તો માદરે વતન ગયેલા અનેક લોકોને અટવાવાનો વારો આવ્યો છે. આ લોકો સોમવારે જ નવી પરિસ્થિતિ મુજબ એસટી બસો શરૂ થવા પર જઈ શકશે. ત્યાં સુધીનો ખર્ચ તેઓએ વહન કરવાનો વારો આવશે.