પાકિસ્તાને વધુ એક હરકત કરી છે. પાકિસ્તાને જૂનાગઢના નવાબના વંશજ સુલતાન એહમદ અલીને જૂનાગઢના પ્રધાનમંત્રી બનાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પાકિસ્તાને પોતાના નક્શામાં જમ્મુ કાશ્મીરની સાથો સાથ જૂનાગઢ પર પણ દાવો ઠોકી દીધો છે. જૂનાગઢના નવાબના વંશજ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે અને ત્યાંથી જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવાના સપના જોતા રહે છે. જૂનાગઢના તથાકથિત નવાબ જહાંગીર ખાને પોતાના દીકરા અહમદ અલીને નવા દીવાન એટલે કે વઝીર-એ-આઝમ’ નિયુક્ત કરી દીધા છે. આ તસ્વીરો ટ્વીટર પર પણ શેર કરવામાં આવી છે. પાક.માંના તેમના સમર્થકો તેઓને અભિનંદન પણ આપી રહ્યાં છે.
જહાંગીર ખાન વારંવાર કહેતા રહે છે કે, જૂનાગઢ પાકિસ્તાન બનશે. સાથે જ તેઓ ભારત પર ગેરકાયદે જૂનાગઢ પર કબજો કરવાનો આરોપ પણ લગાવતા રહે છે. અહમદ અલીએ એલાન કર્યું કે તેઓ જલ્દીથી એક અભિયાનની શરૂઆત કરશે, જેનાથી સમગ્ર દુનિયાને ખબર પડશે કે જૂનાગઢ ભારતનું નહીં, પરંતુ પાકિસ્તાનનો ભાગ છે. પાકિસ્તાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ બધા નાટક કરવામાં આવ્યા. પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો કે ભારતીય સેનાએ 1947માં ગેરકાયદે જમ્મુ કાશ્મીર પર કબજો કરી લીધો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ ના હિસાબથી કાશ્મીર સમસ્યાના ઉકેલની વાત કરી. જૂનાગઢ રજવાડાના પતન પછી મહાબતખાન તેમના કુટુંબ સાથે કેશોદ એરપોર્ટ પરથી પાકિસ્તાન ભાગી ગયા હતા અને 17 નવેમ્બર 1959ના રોજ હડકવાના કારણે તેમનું મૃત્યુ થયું. હાલ તેમના આ વંશજ કરાંચીમાં રહે છે. જહાંગીરે દાવો કર્યો કે તત્કાલીન નવાબ મહોબત ખાનએ કથિત જૂનાગઢ સ્ટેટ કાઉન્સિલની સહમતિ બાદ રાજ્યને ભારતમાં મેળવવાનું એલાન કર્યું હતું. જોકે, પાકિસ્તાનની આ હરકતથી જૂનાગઢની સ્થિતિ પર કોઈ ફરક પડે એમ નથી અને પાકિસ્તાનના હાથે પણ વાતોના ગપગોપાળા કરવા સિવાય કંઈ હાથ આવવાનુ નથી. આ હરકતથી જૂનાગઢવાસીઓ નારાજ થયા છે અને તેઓ સરકારને આ મામલે પગલાં ભરવાની લાગણી અનુભવી રહ્યાં છે.
નોંધનીય છે કે, આઝાદ ભારતમાં રજવાડાઓના વિલિનીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપવામાં આવી હતી. તેમણે હૈદરાબાદ, જૂનાગઢ જેવી ગુંચવણભર્યા રજવાડાઓને પણ સરળતાથી ભારતમાં વિલય કરાવ્યો હતો.