ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિંપસિંહ જાડેજાએ સુરત શહેરના ગોડાદરા ખાતે લોકભાગીદારીથી નિર્મિત થયેલા ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. સાથે આર્થિક ગુના નિવારણ શાખાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ કોરોના કપરાકાળમાં શહેરના સમગ્ર વહીવટીતંત્રએ સંક્રમણ અટકાવવા કરેલી કામગીરી બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શાંતિ, સલામતી અને સુરક્ષાએ સરકારની પ્રાથમિકતા રહી છે. સુરતએ એશિયાનું સૌથી ઝડપથી વિકાસ કરતુ સીટી છે. શહેરની વધતી જતી વસ્તીને ધ્યાને લઈને રાજય સરકારે ડભોલી પો.સ્ટે. તથા આજરોજ ગોડાદરા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વેસુ અને મોટાવરાછાના ઉત્રાણ ખાતે પણ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવશે.
સુરત પાેલીસમાં 900થી વધુ જગ્યાઓ મંજુર કરવામાં આવશે
મંત્રીએ શહેરમાં આર્થિક ગુના નિવારણ શાખા આજથી શરૂ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, નાના વેપારીઓ સાથે છેતરપીડી કરીને ભાગી જનારાઓ સામે કડક હાથે કામ લેવા માટે આ શાખા ધણી ઉપયોગી બનશે. જેમાં એક ડી.વાય.એસ.પી., ત્રણ પી.આઈ., પાંચ પી.એસ.આઈ, આઠ હેડ કોન્સ્ટેબલ, ૨૦ કોન્સ્ટેબલ સહિત કુલ ૫૦ કર્મચારીઓ ફરજ બજાવશે. શહેરની શાંતિ અને સલામતી વધુ બળવતર બને તે માટે સુરત શહેર પોલીસ વિભાગમાં ૧૫૧૬ ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે. ૯૧૨ નવી જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. આગામી દિવસોમાં એક એડીશનલ સી.પી., ત્રણ ડીસીપી સહિત ૯૦૦થી વધુ જગ્યાઓ મંજુર કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે પોલીસ બંદોબસ્ત માટે બે એસ.આર.પી.ની કંપનીઓની ફાળવણી
સુરત શહેરને સેઈફ- સી.સી.ટીવી કેમેરા પ્રોજેકટના મેટેનન્સ માટે રૂા.પાંચ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો હોવાની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે પોલીસ બંદોબસ્ત માટે બે એસ.આર.પી.ની કંપનીઓની ફાળવણી પણ સુરતને કરવામાં આવી છે. રાજય સરકારે સુરક્ષાને પ્રાથમિકતા આપીને પોલીસ બેડામાં સાત વર્ષ દરમિયાન ૫૦ હજાર કર્મચારીઓની ભરતી કરી છે. આગામી દિવસોમાં પોલીસ ભરતીમાં પરંપરાગત ભરતીમાં સુધારો કરીને ૧૨ હજાર લોકરક્ષક પોલીસની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.
સુરત શહેરમાં ખુન, ખુનની કોશિશ જેવા ગુનાઓમાં ૪૨ ટકાનો ધટાડો
મંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસએ સ્માર્ટની સાથે સાર્પ પોલીસ પણ બની છે. જેના કારણે સુરત શહેરમાં ખુન, ખુનની કોશિશ જેવા ગુનાઓમાં ૪૨ ટકાનો ધટાડો અને ડિટેકશનનો ૧૯ ટકાનો વધારો થવા બદલ સમગ્ર પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નાની વયે યુવાધન નશાબંધીના રવાડે ચડી ન જાય તે માટે ડ્રાઈવ લેવાના કારણે ડ્રગ્ઝ તથા ગાંજાને જપ્ત કરીને ગુનેગારો વિરૂધ્ધ પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે. સુરતની પોલીસે પોલિસ મિત્ર બનીને માનવીય અભિગમ અપનાવીને સિનીયર સીટીજનો પાસે મહિનામાં બે વાર જઈને દીકરા તરીકે ફરજ નિભાવીને આવશ્યકતા મુજબ મદદ કરી રહી છે અભિનંદનીય છે. લોકડાઉનમાં ભુખ્યાજનોને ભોજન, મેડીકલ જેવી અનેક જરૂરીયાતો પુરી કરીને પોલીસે સાચા અર્થમાં માનવીય સંવેદનના દર્શન કરાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
માસ્ક ન પહેરવા બદલ છ માસ દરમિયાન રૂા.સાત કરોડનો દંડ
આ અવસરે રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, સુરત શહેરની વસ્તીને ધ્યાને લઈને તબક્કાવાર મહેકમ અનુસાર પોલીસની ફાળવણી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ પોલીસનું સંખ્યાબળની સાથે પીસીઆર વાનો, સી.સી.ટીવી કેમેરાની વધુ ફાળવણી કરવામાં આવશે. માસ્ક ન પહેરવા બદલ છ માસ દરમિયાન રૂા.સાત કરોડનો દંડ તથા કરફયુમાં વાહનો જપ્ત કરવા બદલ ૧૦ કરોડના દંડની વસુલ કરવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા પોલીસ કમિશનરશ્રી અજય તોમરે જણાવ્યું હતું કે, લિંબાયતમાંથી છુટુ પડીને ગોડાદરા પોલીસ સ્ટેશનએ શહેરનું ૩૧મું પો.સ્ટેશન બન્યું છે જેનાથી આ વિસ્તારની ત્રણથી સાડા ત્રણ લાખ પ્રજાજનોને ફાયદો થશે.