કોરોના વાયરસ પર હજી અંકુશ પામી શકાયો નથી અને નવો સ્ટ્રેન પણ સામે આવ્યો છે ત્યારે બ્રિટનમાં એક કંપનીએ ઘરથી દૂર ફસાયેલા લોકો માટે એક ખાસ પ્રોડક્ટ તૈયાર કરી છે અને તે બોટલ બંધ હવાની વ્યવસ્થા કરી છે. રિપોર્ટ મુજબ , ઘરથી દૂર ફસાયેલા લોકો પોતાના ઘરની આબોહવાનો આનંદ લઇ શકે. 500 મિલિલીટર આ બોટલની કિંમત 25 પાઉનડ એટલે કે 2500 રુપિયા છે. આ બોટલની સાથે એક કોર્ક સ્ટોપર પણ આવે છે, જેથી જ્યારે જરુર પડે ત્યારે બોટલમાંથી હવા લઇ શકાય અને ફરીથી બંધ કરી શકાય.
માઇ બેગેજ નામની આ કંપની વર્તમાન સમયે ઇંગલેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને આયરલેન્ડની ઓરિજનલ હવાને બોટલમાં બંધ કરીને વેચી રહી છે. કંપનીનું કહેવું છે કે તે આ સિવાય બ્રિટનના અન્ય લોકેશનના ઓર્ડર લેવા માટે પણ તૈયાર છે. કંપનીને હાલમાં જ એક વ્યક્તિની રિક્વેસ્ટ મળી હતી કે તેને નોર્થવેસ્ટર્ન વેલ્સના પહાડી ક્ષેત્રની હવાનું સેમ્પલ જોઇએ છે.
સુગંધ સાથે માણસની લાગણી જોડાયેલી હોય છે
કંપનીના જણાવ્યા પ્રમાણે તેમણે એક સંશોધન કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું કે કોઇ પણ સુગંધ સાથે માણસની લાગણી જોડાયેલ હોય છે. સુગંધ ને લાગણીઓ પરસ્પર જોડાયેલ છે. માટે અમને આશા છે કે પોતાના દેશની હવા લીધા બાદ લોકોને પોતાના ઘરની યાદ ઓછી આવશે. જેથી તેમને નવી જિંદગીમાં સેટલ થવામાં સરળતા રહેશે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેમને સૌથી વધારે ઓર્ડર એવા લોકોના મળ્યા છે જેઓ પોતાના પરિવારના લોકો કે જેઓ ઘરથી દૂર છે તેમને આ બોટલ ગિફ્ટમાં આપવા માંગે છે. વેલ્સની જેટલી બોટસલ હતી તેનો સ્ટોક પુરો થઇ ગયો છે.