- રાજા શેખ, સુરત (98980 34910)
પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી એક્ટિવ થઈ રહી છે. ફરી અનામતની માંગણી સાથે નહીં પણ અનામત આંદોલનમાં થયેલા કેસો પાછા ખેંચવાની માંગ ઉપરાંત ખેડૂત આંદોલનને સમર્થન આપવા ‘પાસ’ ફરી મેદાનમાં આવી રહી છે અને તેણે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે ખેડૂત સમર્થન પદ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. આમ તો ખેડૂત આંદોલન ગુજરાતમાં મોટા પ્રમાણમાં નથી જોવા મળ્યું, કોંગ્રેસે થોડા થોડા છમકલારૂપ કાર્યક્રમો આપ્યા છે પરંતુ હવે ‘પાસ’ પદયાત્રા કાઢવા જઈ રહી છે ત્યારે પોલીસ તેમજ સરકારના ભવાં જરૂર ચઢશે એમાં કોઈ બેમત નથી. તે માટે આઈબી પણ એલર્ટ થઈ છે અને કાર્યક્રમ કેટલો મોટો હશે, શું રૂપરેખા હશે? કોણ કોણ સામેલ હશે તે શોધવા કામે લાગી ગઈ છે. બીજી તરફ, ‘પાસ’ એ પોલીસ કમિશનર, કાપોદ્રા પોલીસ મથક, સરથાણા પોલીસ મથક અને કામરેજ પોલીસ મથકે 200 વ્યક્તિઓની યાત્રા માટેની પરવાનગી માંગી છે અને દિન ચારમાં પ્રત્યુત્તર પાઠવવા પોલીસને કહ્યું છે. જોકે, પોલીસ પરમિશન આપશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે? બીજી તરફ પાસની તૈયારી પૂરેપૂરી છે.

પાટીદાર અનામત આંદોલનથી સરકારને ખૂબ પરેશાન કરનાર પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાની આગેવાનીમાં 26 જાન્યુઆરી ના રાષ્ટ્રીય પર્વ નિમિતે ત્રિવિધ મુદ્દાની માંગ સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવાની જાહેરાત કરી છે. એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલ યુવાનો ઉપર ના કેસો પાછા ખેંચવાની વાત ગુજરાત સરકાર દ્વારા અનેકવાર કરવામાં આવી છે પરંતુ હજી સુધી કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી. યુવાનો કોર્ટ કચેરી ના ધક્કાઓ ખાઈ રહ્યા છે. તે કેસ પાછા ખેંચવામાં આવે. બીજી માંગ મુજબ, સુરત શહેર ના વરાછા વિસ્તાર માં લાખો ની જન સંખ્યા વસી રહી હોય ત્યારે ત્યાં છેલ્લા અનેક વર્ષોથી એક સરકારી કોલેજ ઉભી નથી કરી શક્યા તે જનતાની કે રાજકીય આગેવાનોની જેની ખામી ગણો તે ખામી રહી છે ત્યારે હવે આ વિસ્તાર ની અંદર ફરજિયાત પણે એક સરકારી કોલેજની જરૂરિયાત અને માંગ ઉભી થઇ છે. ત્યારે તેના સમર્થન ની અંદર આ તિરંગા યાત્રા માં જોડવા માટે તમામ લોકો ને આમંત્રણ છે.
ખેડૂતોની વેશભૂષા હશે, પંજાબી સમાજ પણ જોડાશે

પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ અમને જણાવ્યું કે, ‘પાસ’એ કોરોના ગાઈડલાઈનને અનુસરીને ખેડૂત સમર્થન પદયાત્રા માંગવા માટે લેખિત પરમિશન માંગી છે અને પોલીસને ચાર દિવસમાં જ પરમિશન અંગે ફોડ પાડવા વિનંતી કરી છે. પોલીસ પરમિશન આપે તો સારી વાત છે, અમે કોઈ પણ રીતે પદયાત્રા કાઢવા તૈયારી કરી લીધી છે. પદયાત્રામાં શું ખાસ હશે તે મતલબના અમારા સવાલનો જવાબ આપતા ધાર્મિકે કહ્યું કે, ખેડૂતોની વેશભૂષા સાથે એક આખી ટીમ પદયાત્રામાં જોડાશે. સાથોસાથ આંદોલન દિલ્હીમાં થઈ રહ્યું હોય અને તેમાં પંજાબી ખેડૂતો વધુ હોય પંજાબી સમાજ પણ પદયાત્રામાં સામેલ થશે.
અત્યારસુધી કેમ ‘પાસ ’ નિષ્ક્રિય હતું? શું ચૂંટણી ટાણે સક્રિયતા છે? તે મતલબના અમારા સવાલનો જવાબ આપતા ધાર્મિકે કહ્યું કે, ના. કોરોનાકાળને કારણે અમે કોઈ કાર્યક્રમ આપ્યા ન હતા અને નિયમોનું પાલન કરી રહ્યાં હતા. ચૂંટણીમાં અમે કોઈ પાર્ટી સાથે રહેવા માંગતા નથી. વ્યક્તિગત રીતે સમયે નિર્ણય લઈશું.