રાજ્ય સરકારે આજે પોલીસ વિભાગમાં મહત્વનો નિર્ણય લઈને તમામ આઈજીની અંડરમાં ચાલતા રેપિડ રિસ્પોન્સ સેલ (આરઆર સેલ)ને તાળા મારી દેવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં અમદાવાદ રેન્જ IGના તાબા હેઠળ ચાલતા આર.આર.સેલનો પોલીસ કર્મચારી 50 લાખના વહીવટમાં એન્ટિ કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઈ જતા આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. માનવામાં આવી રહ્યું છે કે આરઆર સેલનો દુરુપયોગ કરાતો હોવાથી સરકારે એક જ ઝાટકે આ નિર્ણય લઈ લીધો છે. સરકારે કેશુભાઈની સરકારમાં અસ્તિત્વમાં આવેલા અને લગાતાર 25 વર્ષથી દારૂ-જુગારના અડ્ડાઓ સહિત પર છાપામારી કરતા આર.આર.સેલને કાયમ માટે સંકેલી લેવાનો નિર્ણય કર્યો છે. કાયમ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં અલગ અલગ 9 રેન્જના IGના તાબા હેઠળ આર આર સેલ ચાલતું હતું. હવે આર.આર.સેલ સેલ રદ થવાથી આઈજી સીધી રેડ કરી શકશે નહીં. ડીએસપીને સૂચના આપી શકે છે. જેને કારણે ડીએસપીની સત્તામાં વધારો થશે. જ્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ મજબૂત થશે. સબક શીખવવા માટે ક્રોસ રેડની ઘટનાઓ ઘટશે. જોકે, જે રીતે આરઆર સેલના દુરુપયોગનું કારણ આગળ ધરાયું છે તે ગળે ઉતરે તેમ નથી. કારણ કે પોલીસ વિભાગની મોટાભાગની બ્રાંચ અને પોલીસ મથકોમાં પણ આવુ દુષણ છે જ અને તે દુર કરવું ઘણું મુશ્કેલ છે.