રાજા શેખ, સુરત (98980 34910)
ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વાંસ મિશનને એક સુચારું બિઝનેસમાં ફેરવી નાંખીને સુરત જિલ્લાના વન અધિકારી પુનિત નૈયરે એક અનેરું ઉદાહરણ પુરું પાડ્યું છે. ગ્રામીણ અને આદિવાસી પરિવારોને રોજગારી ઊભી કરાવવા સાથે પગભર તો બનાવ્યા છે પણ ગામડામાં પણ રુલર મોલ બનાવી એક નવી દિશા ચિંધી છે. આ રુલર મોલે પાછલા વર્ષે એક કરોડ રૂપિયાનો અધધ કહીં શકાય તેવો બિઝનેસ કર્યો છે. આ પ્રોજેક્ટ થકી સીધી અને આડકતરી રીતે 300થી 400 મહિલા-પુરુષોને રોજગારી મળી રહી છે. આ રુલર મોલ માંડવી તાલુકાના વિસદાલિયા ગામમાં ઊભો કરાયો છે અને તેની વિઝિટ કરવા અનેક સહેલાણીઓ આવી રહ્યાં છે. આવવા સાથે તેઓ અહીંથી ફર્નિચરથી લઈને અનેક વસ્તુઓ ખરીદી પોતાના મકાન-બંગલોઝની શોભા વધારી રહ્યાં છે. વિશેષરૂપે વાંસથી બનતા ગજેબો બનાવવાનો પણ કોન્સેપ્ટ ખૂબ ચાલી રહ્યો છે.
આદિજાતિ સમુદાયના લોકો વાંસમાંથી ફર્નિચર બનાવે છે
કોટવાલિયા ગુજરાતના આદિવાસી સમુદાયના છે જે મૂળ ડાંગ અને સુરત જિલ્લામાં રહે છે. કોટવાલિયા સમાજના લોકો વાંસમાંથી રચનાત્મક વસ્તુઓ બનાવવામાં નિષ્ણાત છે. જ્યારે પુનિત નૈયરની પોસ્ટિંગ સુરત જિલ્લાના ડીએફઓ તરીકે થઈ ત્યારે તેમણે જોયું કે અહીંના લોકો ખૂબ મહેનતુ હોવા સાથે સારી આવડત ધરાવે છે. પરંતુ યોગ્ય જાણકારીને અભાવને કારણે તેઓ તેમની પ્રતિભાને સુધારી શકતા નથી અથવા તેમનું જીવનધોરણ સુધારતા નથી. જેથી, સૌ પ્રથમ તેઓને તાલીમ આપવાનું કામ શરૂ કરાયું. પ્રથમ તેમને વાંસમાંથી ફર્નિચર બનાવવાની અને રચનાત્મક વસ્તુઓ બનાવવાની તાલીમ આપી, જેથી તેઓ વાંસમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી શકે.
પહેલાં આ લોકો વાંસમાંથી ફક્ત ટોપલી, સાદડીઓ બનાવતા હતા. હવે તેઓ સુંદર ફર્નિચર અને કલાત્મક ગજેબો સહિતના રાચરચીલા બનાવી શકે છે. કોટવાલિયા તેમની ભાષામાં વાંસના કામને ‘વિનન’ કહે છે, જેનો અર્થ વણાટવું થાય છે. જેથી, વિનન નામની જ એક બ્રાંન્ડ ઉભી કરાય અને રુલર મોલ ઊભો કરાયો. જેની નોંધ લેવાય અને વિશેષરૂપે માર્કેટિંગના આધારે તેનું વેચાણ વધ્યું. વર્ષ 2019-20માં આ બ્રાન્ડનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા હતુ્ં તેમ પુનિત નૈયરે અમને જણાવ્યું. પુનિત કહે છે કે, આ મોલના માધ્યમથી અહીં સીધી રીતે 150થી વધુ લોકોને સીધી રીતે જ્યારે આ પ્રોડક્ટના માધ્યમથી કુલ 300થી 400 લોકોને રોજગારી મળી રહે છે. આટલા સુધી પહોંચવા માટે પુનિત નૈયરે પહેલા આ સમાજના લોકોની વ્યવસ્થાપન સમિતિ બનાવી અને આખા સમાજને એકજૂથ કર્યા. ત્યારબાદ ટ્રેનિંગ અપાય.
મોલનું સંચાલન વિસ્દલિયા ક્લસ્ટર ગ્રામીણ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હવે આ સમુદાય ઉપરાંતના 32 ગામના લોકો આ ફર્નિચર બનાવવા સહિતના કામમાં જોતરાયા છે. સારા કામને કારણે પ્રચલિતતા એટલી વધી કે અહીંનું ફર્નિચર હવે સુરત પૂરતું મર્યાદિત ન રહી અમદાવાદ, મુંબઇ, દિલ્હી પણ પહોંચી રહ્યું છે. અનેક નવા મકાનો માટે ઓર્ડર મળી રહ્યાં છે. દલાલોને વચ્ચે રાખ્યા વિના સીધો ગ્રાહકોને વ્યાજબી કિંમતે અહીંથી માલ મળી રહ્યો છે. આ મોલની અંદર એક રેસ્ટોરન્ટ પણ ખોલાય છે. જેમાં અહીંની જ મહિલાઓ ગ્રામીણ ભોજન પોતાના હાથે બનાવીને સહેલાણીઓને પિરસી રહી છે. જેનાથી પણ સારી એવી આવક થઈ રહી છે. રૂરલ મોલના અથાણાં, મસાલા, વાંસની વસ્તુઓથી લઈને કૂકીઝ સુધીની દરેક વસ્તુ સ્થાનિક લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે.
આદિજાતિ પ્રભુત્વ ધરાવતા આ ક્ષેત્રમાં ‘કોમ્યુનિટી ફેસીલીટેશન સેન્ટર’ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં લોકોને રોજગાર તરફ વાળવામાં આવે છે.
કોર્પોરેટની નોકરી છોડી વન સંરક્ષણની સેવામાં આવ્યા પુનિત નૈયર
સુરત જિલ્લાના વન અધિકારી પુનિત નૈયર ગુજરાત કેડરના 2010 બેચના અધિકારી છે. તેઓને વન સંરક્ષણ અને જળ સંરક્ષણમાં ખૂબ જ રસ છે. પુનિતે પોતે પગભર થયા ત્યારે કોર્પોરેટ સેક્ટરમાં ઉચ્ચ પગારે નોકરી કરતા હતા પરંતુ તેઓના પ્રકૃતિના પ્રેમને કારણે તેમણે ભારતીય વન સેવાની ફરજમાં આવવાનું નક્કી કર્યું અને તે માટેની સિવિલ સર્વિસિસની પરીક્ષામાં લાગી ગયા. કામ સાથે તેઓએ તેની તૈયારી કરી અને સફળ થયા. શરૂઆતમાં પરિવાર મુંઝવણમાં હતો પરંતુ તેમની લગન જોઈને સાથસહકાર મળ્યો અને સુરતમાં વન વિભાગમાં ડિસ્ટ્રીક્ટ ફોરેસ્ટ ઓફિસર તરીકે 2017માં ચાર્જ સંભાળ્યો. પુનિત નૈયર ખૂબ જ સૌમ્ય, શાંત અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓએ હાલ કોવિડ દરમિયાન પણ સ્મીમેર હોસ્પિટલનો ચાર્જ સંભાળી પોતાની ઉત્કૃષ્ત સેવાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. તેમના સહિત આખો પરિવાર કોવિડની ઝપેટમાં આવ્યો હતો પરંતુ તેઓ લગાતાર દર્દીઓને સારી સેવા મળી રહે તે માટે કાર્યરત રહ્યાં.