એક દિવસ પહેલા જ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરનાર ગુજરાત બોર્ડે પણ CBSEના પગલે પરીક્ષા રદ કરી

ગુજરાતનાં શિક્ષણ વિભાગે બોર્ડે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવાનો નિર્ણય આખરે લઈ લીધો છે. એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે CBSE ધોરણ 12ની પરીક્ષા રદ કરી હતી. મંગળવારે જ 1 જુલાઈથી એચએચસી બોર્ડની એક્ઝામ લેવાની જાહેરાત કરી ટાઈમટેબલ ઘોષિત કરનાર ગુજરાત બોર્ડ દ્વારા તુરંત જ કેન્દ્ર સરકારનુ અનુસરણ કરતા પરીક્ષા રદ કરવી પડી છે.

રાજ્યનો શિક્ષણ વિભાગ પરીક્ષા યોજવાની ફુલ તૈયારીમાં લાગ્યો હતો, 24મેએ પરીક્ષાની તારીખ જાહેર કર્યા બાદ ગઈકાલે પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો હતો પરંતુ કેન્દ્રએ CBSE ધોરણ 12ની પરીક્ષા રદ કરતા રાજ્ય સરકાર પણ ભોંઠી પડી હતી. વાલી મંડળ સહિત લોકોએ રાજ્ય સરકારના પરીક્ષા લેવાના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આખરે ફેરવિચારણા કરવાનું નક્કી કર્યું હતું અને ચર્ચાના અંતે આખરે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

આટલા વિદ્યાર્થીઓ પર આ નિર્ણયની અસર

જેના કારણે પરીક્ષા આપવા બેસનારા કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓને અસર થશે. જેમાં વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. CBSEની ધોરણ 12ની પરીક્ષા રદ કરી છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવી કે નહીં તે મુદ્દે ગૂંચવાઈ હતી જો કે તે હવે રદ કરી દીધી છે. કેબિનેટની આજની બેઠકમાં લીધેલા નિર્ણય પ્રમાણે ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. નવી ગાઈડલાઈન સરકાર જાહેર કરશે તે પ્રમાણે જ કરાશે.આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી અને આ બેઠકમાં ધોરણ-12ની પરીક્ષા અંગે નિર્ણય લેવાઈ ગયો છે .

જોકે ધોરણ 10 રિપિટર માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી.કેન્દ્ર સરકાર સાથેની બેઠકમાં રાજ્યોના બોર્ડની પરીક્ષાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો હતો. ધોરણ 12ની પરીક્ષાના આયોજન માટે બે વિકલ્પ આપવામાં આવ્યા હતા જેમાં હાલની ત્રણ કલાકની સમયની પદ્ધતિથી પરીક્ષા યોજવી અને પરિણામ જાહેર કરવા સુધીના સમયની બેઠકમાં ચર્ચા થઈ. આ ઉપરાંત બહુવિકલ્પ અને ટૂંક જવાબી પ્રશ્નોના માળખા અનુસાર 90 મિનિટમાં પ્રશ્નપત્ર પૂરુ થાય તે વિકલ્પ અંગે ચર્ચા થઈ.ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા મુદ્દે મુખ્યપ્રધાન સાથે સ્થિતિની સમીક્ષા અને પરામર્શ કરી યોગ્ય નિર્ણય લેવાવાનો હતો, જો કે મુખ્યપ્રધાન ધોરણ 12ની પરીક્ષા લેવાશે તેવી સ્પષ્ટતા કરી ચુક્યા હતા અને પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું હવે સરકારને કેન્દ્રનાં નિર્ણય પ્રમાણે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Translate »