વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સીઇઓ જેફ બેજોસ પદ છોડશે, એન્ડી નવા સીઈઓ હશે

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં ટોચનો ક્રમ ધરાવનાર એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસરનું પદ છોડશે. તેમના સ્થાને એન્ડી જેસી આવશે, જોકે તેઓ રિટાયર નહીં થાય. જેફ બેજોસ હવે બોર્ડના કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. ઓનલાઈન બુકસ્ટોર તરીકે એમેઝોનની સ્થાપના કર્યા બાદ તેને વિશાળ શોપિંગ અને એન્ટરટેઈન્મેન્ટ પ્લેટફોર્મમાં તબદીલ કરનાર બેઝોસ 30 વર્ષ બાદ સીઈઓ પદ છોડી એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે કંપનીમાં સેવા આપવાનું ચાલુ રાખશે.

57 વર્ષીય બેઝોસનું સ્થાન એમેઝોનના ક્લાઉડ કમ્પ્યૂટિંગની જવાબદારી સંભાળી રહેલા એન્ડી જેસીને સોંપવામાં આવી શકે છે. આ ઉનાળામાં તેઓ એમેઝોનની કમાન સંભાળશે. કર્મચારીઓને સંબોધીને લખાયેલા બ્લોગમાં બેઝોસે જણાવ્યું કે તેઓ હવે એમેઝોનમાં નવી પ્રોડક્ટ્સ અને કેટલાક નવા કાર્યોને વિકસાવવા માટે કામ કરશે. બેઝોસે જણાવ્યું કે હવે તેમની પાસે સ્પેસ એક્સપ્લોરેશન કંપની બ્લુ ઓરિજીન, દાનપ્રવૃતિ તેમજ ધી વોશિંગ્ટન પોસ્ટ ઉપરાંત સાઈડ પ્રોજેક્ટ્સ માટે વધુ સમય રહેશે.

એમેઝોનના સીએફઓ બ્રાયન ઓલ્સાવસ્કીએ જણાવ્યું કે, જેફ બેઝોસ ક્યાંય નથી જઈ રહ્યા, આ ફક્ત પુર્નગઠનના ભાગરૂપે થઈ રહ્યું છે જેમાં કોણ શું કરશે તેની જવાબદારી નક્કી કરાશે. એમેઝોનની શરૂઆત એક ગેરેજમાં 1995માં થઈ હતી. જેફ બેઝોસે ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ અને કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કર્યા બાદ વોલ સ્ટ્રીટની સંખ્યાબંધ કંપનીઓ માટે કામ કર્યું હતું. ડી ઈ શૉ કંપનીમાંથી નોકરીમાંથી છૂટા થયા બાદ બેઝોસે ઓનલાઈન રિટેલ બિઝનેસ સ્થાપ્યો હતો. પ્રારંભમાં તેમને ઓનલાઈન શું વેચાણ કરવું તેનો ખ્યાલ નહતો. તેમણે ઓનલાઈન બુકસ્ટોર દ્વારા ગ્રાહકોની વાંચન પીપાંશાને તૃપ્ત કરવાનું વિચાર્યું. 1993માં બેઝોસે પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટ સાથે લગ્ન કર્યા હતા. બન્નેએ બાદમાં સીએટલમાં પોતાના સાહસની શરૂઆત કરી હતી. 16 જુલાઈ 1995માં બેઝોસે ગેરેજમાંથી એમેઝઓનની શરૂઆત કરી હતી.

જોતજોતામાં એમેઝોન વિશાળ જૂથ બની ગયું અને વિશ્વની સૌથી મૂલ્યવાન (1.7 લાખ કરોડ ડોલર) કંપની બની ગઈ. 2019માં બેઝોસે પત્ની મેકેન્ઝી સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. બેઝોસના પૂર્વ ટીવી હોસ્ટ સાથે અફેરના અહેવાલને પગલે મેકેન્ઝીએ છૂટાછેડા આપ્યા હતા. છૂટાછેડા બાદ મેકેન્ઝીને એમોઝોનનો 40 અબજ ડોલરનો હિસ્સો આપવામાં આવ્યો હતો.  

Leave a Reply

Translate »