જાણો કેમ અને કેવી રીતે તૂટે છે ગ્લેશિયર?

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠના રેણી ગામમાં ગ્લેશિયર ફાટતાં પૂર આવ્યો છે. ઘૌલગંગા નદીનું જળસ્તર વધી જતાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. સાથે જ શ્રીનગર, શ્રષિકેશ, અલકનંદા સહિતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘટનાને પગલે ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. આવામાં ચાલો જોઇએ ગ્લેશિયર ફાટવું કોને કહેવાય છે?

ગ્લેશિયર વર્ષો સુધી મોટી માત્રામાં બરફ એક જગ્યાએ જમા થવાથી બને છે. તે બે પ્રકારનાં હોય છે- અલ્પાઇન ગ્લેશિયર્સ અને બરફની ચાદરો. પર્વતોનું ગ્લેશિયર અલ્પાઇન કેટેગરીમાં આવે છે. પર્વતો પર ગ્લેશિયર તૂટવાના કેટલાંય કારણો હોઈ શકે છે. એક તો ગુરુત્વાકર્ષણના લીધે અને બીજું ગ્લેશિયરની બાજુઓ પર વધતા તણાવના લીધે છે. ગ્લોબલ વૉર્મિંગના લીધે બરફ પીગળવાથી પણ ગ્લેશિયરનો એક હિસ્સો તૂટીવાથી અલગ થઇ શકે છે. જ્યારે ગ્લેશિયરમાંથી બરફનો કોઇ ટુકડો અલગ પડે છે ત્યારે તેને કલ્વિંગ કહેવામાં આવે છે.

હિમનદી ફાટવા અથવા તૂટી જવાને કારણે પૂરના પરિણામો ખૂબ ભયંકર હોઈ શકે છે. આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગ્લેશિયરની અંદર ડ્રેનેજ બ્લોક હોય છે. પાણી તેનો રસ્તો શોધી કાઢે છે અને જ્યારે તે ગ્લેશિયરની વચ્ચેથી પસાર થાય છે ત્યારે બરફ પીગળવાનો દર વધી જાય છે. આથી તેનો રસ્તો મોટો થતો જાય છે અને બરફ પણ ઓગળીને વહેવા લાગે છે. એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર તેને આઉટબર્સ્ટ પૂર કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં આવે છે. કેટલાક ગ્લેશિયર દર વર્ષે તૂટે છે તો કેટલાક બે કે ત્રણ વર્ષના અંતરાલે. કયું ગ્લેશિયર કયારે તૂટે છે તેનો અંદાજો લગાવવો અશકય હોય છે.

ગ્લેશિયર તૂટતાં નદીમાં પૂર કે ઘોડાપૂર આવે છે. ગ્લેશિયર તૂટતાં નદીમાં તેનો વધુ પાણી ઉમેરાય છે જે પૂર લાવે છે. આના કારણે આસપાસના વિસ્તારોમાં વિનાશની સ્થિતિ સર્જાય છે. પૂર કે ઘોડા પૂરને લીધે મોટા પાયે જાનમાલનું નુકસાન થતું હોય છે.

નંદા દેવી રાષ્ટ્રીય પાર્કમાંથી નીકળતી ઋષિગંગાના ઉપલા કેચમેન્ટ વિસ્તારમાં તૂટેલા ગ્લેશિયરને લીધે પૂર આવતાં ઘૌલગંગા અને અલકનંદામાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે ઋષિગંગા અને ઘૌલીગંગાના સંગમ પર સ્થિત રેણી ગામની નજીક આવેલા ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાને પગલે ધૌલીગંગાનું જળસ્તર વધ્યું છે અને પાણી તોફાનની જેમ આગળ વધી રહ્યું છે.

Leave a Reply

Translate »