સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નિયુકત કરવામાં આવેલા ઓબ્ઝર્વરશ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સુરતના આર.ઓ. તથા નોડલ ઓફિસરો સાથે ચુંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
કલેકટરાલયના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ચુંટણીની આચારસંહિતા સહિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે સંબંધિત નોડલ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. કોરોના મહામારી વચ્ચે મતદાનમથકો પર મતદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે, સેનિટાઈઝેશન સહિતની વ્યવસ્થાઓ સુદ્ઢ થાય તે માટે તકેદારી લેવાની હિમાયત ઓબ્ઝર્વરએ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા મતદાન સાથે સંકળાયેલા તમામ મતદાન સ્ટાફનો કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. ઉપરાંત કોરોના મહામારી વચ્ચે તકેદારીના ભાગરૂપે મતદાતાઓને હેન્ડ ગ્લોવ્ઝ આપીને મતદાન કરાવવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ચુંટણી સાથે સંકળાયેલા તમામ ઈવીએમ, વાહનો, મટિરીયલ મેનેજમેન્ટ, સ્વીપની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને ચુંટણીતંત્ર દ્વારા મતદારોને મતદાન સ્લીપ સમયસર મળી રહે તે અંગે ઓબ્ઝર્વરએ સુચના આપી હતી. ચુંટણી સાથે સંકળાયેલા તમામ સ્ટાફને તાલીમબદ્ધ કરવા સહિતની કામગીરી કરવાની સુચના આપી હતી. આ વેળાએ શહેર ચુંટણી અધિકારી ડો.ધવલ પટેલ, નિવાસી અધિક કલેકટર અને નોડલ અધિકારી સંજય વસાવા તેમજ તમામ આર.ઓ. તથા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.